SURAT

ધોધમાર વરસાદ વચ્ચે સચીન GIDCના પાંચ પરિવાર પર મુસીબત ત્રાટકી

સુરત(Surat) : શુક્રવારે રાત્રે અચાનક સુરત શહેર જિલ્લામાં વાવાઝોડા (Storm) સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. આ દેમાર વરસાદ વચ્ચે સચીન જીઆઈડીસીમાં રહેતા પાંચ પરિવાર પર મુસીબત ત્રાટકી હતી. અહીં બાજુના મકાનની અગાસીની દિવાલ પાંચ બેઠાં મકાનો પર તૂટી પડી હતી, જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી. વરસતા વરસાદમાં ઘર છોડી પરિવારના સભ્યોએ રસ્તા પર દોડી જવું પડ્યું હતું. આ ઘટનામાં સાત જણાને ઈજા થઈ હોવાની તથા તે પૈકી 3ની હાલત ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે.

  • સુરતના સચિન વિસ્તારની ઘટના
  • જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી
  • સ્લેબ ધરાશાયી થતા 7 લોકો ઈજાગ્રસ્ત
  • 3 ઈજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે રાત્રે 9:30 વાગ્યા બાદ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન સચીન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે આવેલા ઈશ્વર નગરમાં મકાનના અગાસીની દિવાલ તૂટીને બાજુમાં આવેલી ચાલીના પાંચ મકાનોની છત પર પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડ્યા હતા અને મકાનના કાટમાળમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાની જાણ રાત્રે 11.15 કલાકે થતા સચીન પોલીસનો કાફલો દોડી ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અહીં એક મકાનની અગાસી ફરતેની દિવાલ તૂટીને બાજુમાં આવેલા ચંદ્રભાન અને જગભાન ગુપ્તાની ચાલના પાંચ મકાનો પર પડી હતી. પતરાંવાળા મકાનો પર દિવાલ પડતા તે સીધા નીચે પડતા મકાનોમાં રહેતા સાત જણાને ઈજા થઈ હતી.

શરૂઆતમાં ઘટના કઈ રીતે બની તેનો કોઈ અંદાજ મળ્યો ન હતો. જોકે, મકાનના છત ઉપર રહેલી ખાલી ટાંકી પવનના લીધે ઉડીને કઠેરાની દિવાલ સાથે અથડાતા દુર્ઘટના સર્જાયાનો ખ્યાલ આવ્યો હતો.

મધ્યપ્રદેશની લો પ્રેશર સિસ્ટમના લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ જામ્યો
સુરતઃ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આશરે એક મહિના બાદ વિતેલા બે ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. અને આગામી બે ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનો વરસાદ માટે ખૂબ જ નબળો રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે.

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર વર્તાઈ રહી છે. આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય વધુ એક સિસ્ટમ આગામી તા. ૧૬ સપ્ટેમ્બર બાદ સક્રિય થતા ફરી વરસાદ થવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે તે સિસ્ટમ અંગે સચોટ આગાહી આગામી 10 દિવસ બાદ કરવામાં આવશે. વિતેલા બે દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં તથા સુરત જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top