વ્યારા: (Vyara) નિઝર તાલુકાના રાયગઢ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ ઉપર વળાંકમાં ગત રાત્રિના આશરે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં ૨૫ જેટલા મુસાફરો ભરેલી શ્રી હરિ ટ્રાવેલ્સની લક્ઝરી બસના (Bus) ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પલટી ખાઇ ગઈ હતી. જેમાં બેસેલા સુરતના (Surat) પાંચ જેટલા મુસાફરોને (Passengers) ગંભીર ઇજા થતાં સારવાર માટે નિઝરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ટ્રાવેલ્સ બસના ચાલાક ચંદ્રશેખરભાઈ બાપુભાઈ પાટીલ શ્રી હરિ ટ્રાવેલ્સ બસ નં.(જીજે ૦૪ ઝેડ ૦૮૩૭) પૂરઝડપે ચલાવતી વખતે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં કંડક્ટરની સાઈટે રોડ નીચે ઊતરી જતાં આ બસ પલટી મારી ગઈ હતી. ટ્રાવેલ્સ બસમાં બેસેલા આશરે ૨૫ મુસાફર પૈકી શૈલેષ રોહિદાસ લિંગાયત (ઉં.વ.૨૫) (રહે.,૧૩૯, ઋષિનગર, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત), જગદીશ સંજય વાનખેડે (રહે.,૪૩૫, હરિજનવાસ, ભેસ્તાન, સુરત), ફિરોઝ ઇસ્લામ શેખ (રહે., ૩૯/૪૯, લિંબાયત, શાહપુરા, સુરત), દીપાલી અનિલ લિંબાયત (રહે.,૧૩૯, ઋષિનગર, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત), અનિલ રોહીદાસ લિંગાયત (રહે., ઋષિનગર, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત) ગંભીર રીતે ઘવાયા હતા. આ ટ્રાવેલ્સ બસને પણ નુકસાન થયું હતું.