વ્યારા: (Vyara) સોનગઢ (Songadh) મોટા આમલપાડા ગામે કંટ્રોલ ફળિયામાં રહેતા ઈશ્વર સિંગા વસાવાના ઘરેથી ભાતના પુળિયામાં સંતાડેલો દેશી કટ્ટો મળી આવતાં આ શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. બિનઅધિકૃત હથિયાર (Wepon) રાખનાર વોન્ટેડ (Wanted) આરોપી પોતાના વિસ્તારમાં ઈશ્વર દાદા તરીકે ઓળખ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
- સોનગઢના મોટા આમલપાડાથી ભાતના પુળિયામાંથી દેશી કટ્ટો મળી આવ્યો
- બિનઅધિકૃત હથિયાર રાખનાર વોન્ટેડ આરોપી પોતાના વિસ્તારમાં ઈશ્વર દાદા તરીકે ઓળખ ધરાવે છે
બોરદાના મોટા આમલપાડા ગામના કંટ્રોલ ફળિયામાં ઈશ્વર સિંગા વસાવા પાસે દેશી કટ્ટો હોવાની બાતમીના આધારે ગત ૬ ફેબ્રુઆરીએ બપોરે પોલીસે તેના ઘર અને તેની આસપાસના વિસ્તારની તપાસ ધરી હતી. જેમાં ભાતના પુળિયામાં ટી-શર્ટમાં સંતાડેલા બે નાળચાવાળો દેશી બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો. નાળચાની લંબાઈ ૩ ઈંચ ૧૫ સે.મી., હાથો સાડા ત્રણ ઇંચ લાંબો છે. ઘરમાં ઈશ્વર વસાવાની પત્ની રામીબેન વસાવા અને પુત્રી રસીલા હાજર હતાં. ધરનો માલિક ઈશ્વર વસાવા તે સમય મળી ન આવતાં પોલીસે રૂ.૧૦ હજારની કિંમતનો દેશી કટ્ટો કબજે લઈ તેને ગેરકાયદે રાખનાર ઈશ્વર વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે તેની સામે આર્મ્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોનગઢમાં બંધ દુકાનનું શટર તૂટ્યું, રૂ.૧.૬૫ લાખની ચોરી
વ્યારા: સોનગઢના પરોઠા હાઉસ પાસે યોગી ટ્રેડર્સ નામની બંધ દુકાન મળી કુલ બેનાં શટર તૂટ્યાં હતાં, જેમાં તસ્કરો યોગી ટ્રેડર્સ દુકાનની અંદર તોડફોડ કરી ટેબલના ખાનામાં મૂકેલા રૂ.૧.૬૫ લાખની તસ્કરી કરી પલાયન થઈ ગયા છે. દુકાનમાલિકે ચોરાયેલી આ રકમ મંદિરના અનુદાન માટે હરિભક્તો પાસેથી ઉઘરાવી પોતાની દુકાનમાં મૂકી હતી.
સોનગઢના વાણિયા ફળિયામાં રહેતા યોગી ટ્રેડર્સ દુકાનના માલિક શંભુભાઈ મખનલાલ અગ્રવાલને ગત તા.૫મી ફેબ્રુઆરીએ સવારે દુકાનના શટર તૂટ્યાની માહિતી મળતાં વહેલી સવારે દુકાને પહોંચ્યા હતા. દુકાનની અંદર સામાન વેરવિખેર હોવાથી ચોરીની આશંકા ગઈ હતી. તપાસ કરતાં ટેબલના લોક તૂટેલા અને ટેબલનાં ખાનાં પણ ખુલ્લાં દેખાયાં હતાં. તેમાંથી રૂ.૧.૬૫ લાખની રોકડ રકમ ગાયબ હતી. દુકાનમાલિકે વધુ તપાસ કરતાં નજીકથી કાળા કલરનું પાકીટ, પીળા રંગની પ્લાસ્ટિકની થેલી તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ચોરીની ઘટના બાબતે શંભુભાઈ અગ્રવાલે પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.