વ્યારા: (Vyara) વાલોડના બુહારી ગામે પ્રેમસંબંધ (Love) નહીં રાખતા નગ્ન ફોટા (Photo) અને ધમકીભર્યા મેસેજ (Threaten Message) મોકલી મુસ્લિમ યુવતીને (Girl) બદનામ કરનાર હાલ ભરૂચ અને મૂળ ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવક વિરુદ્ધ પોલીસે (Police) કાયદાકીય સકંજો કસ્યો છે. યુવતીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે અશ્લીલ ફોટાઓ વાયરલ કરનાર મોહમદ સલમાન શેર મહમદ ખાન વિરુદ્ધ કલમ ૫૦૭ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-૨૦૦૮ની કલમ ૬૬ઈ, ૬૭, ૬૭(એ) મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- બુહારીમાં યુવકે પ્રેમસંબંધ નહીં રાખનારી યુવતીના નગ્ન ફોટા વાયરલ કર્યા
- યુવતીને બદનામ કરનારા હાલ ભરૂચ અને મૂળ ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવક વિરુદ્ધ કાયદાકીય સકંજો કસાયો
- નગ્ન ફોટા યુવતીના ભાઇના મોબાઇલ ઉપર વાયરલ કરી બરબાદ કરવાની ધમકી આપી હતી છતાં યુવતી આ યુવકના તાબે થઈ ન હતી
બુહારી ગામે દાદરિયા રોડ ઉપર માર્કેડ યાર્ડની સામેના ફળિયામાં રહેતી ૨૬ વર્ષિય મુસ્લિમ યુવતીને તા.૨૦/૦૮/૨૦૨૩થી તા.૧૭/૦૯/૨૦૨૩ સુધી મોહમદ સલમાન શેર મહમદ ખાન (રહે.,અજીમનગરની સામે, જૂની એક્સિસ બેંકની સામે, શોપિંગ સેન્ટરમાં, ભરૂચ, મૂળ રહે.,મેહદૌના ખાસ, પો.સ્ટે. બારુન બજાર, તા.ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ)એ પ્રેમસંબંધ નહીં રાખે તો તેના સેલ્ફીના ફોટા અને નગ્ન ફોટા યુવતીના ભાઇના મોબાઇલ ઉપર વાયરલ કરી બરબાદ કરવાની ધમકી આપી હતી. છતાં યુવતી આ યુવકના તાબે થઈ ન હતી. આજથી ત્રણેક વર્ષ પહેલાં યુવતી પોતાની મોટી બહેનને ત્યાં ભરૂચના આશિયાનાનગરમાં મહેમાન તરીકે રહેવા ગઇ હતી. એ વેળા તેના બનેવીનો ભત્રીજો મોહમદ સલમાન શેર મહમદખાન તેની સાથે પરિચયમાં આવ્યો હતો.
ગત ફેબ્રુઆરીમાં બારડોલીમાં બંનેએ સેલ્ફી લીધી હતી. પ્રેમસંબંધ બંધાતાં નાહતી વખતે જુદા જુદા સમયે વિડીયો કોલ કર્યા હતા. યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવકે તે નગ્ન વિડીયો અને મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ચીમકીઓ આપી હતી. યુવતીનાં બનેવી, ભાઇ-બહેને આ યુવકને વારંવાર સમજાવ્યો હતો. છતાં તેમની પણ વાત માની ન હતી. આ યુવકે યુવતીના ફેસબુક આઇડી ઉપર અને તેના ભાઇના મોબાઇલ ઉપર સેલ્ફીના ફોટાઓ તથા મેસેન્જર ઉપરથી યુવતીના ભાઇના મોબાઇલમાં ફેસબુક મેસેન્જર ઉપર આ યુવતીના નગ્ન ફોટા તથા સેલ્ફીના ફોટાઓ અને ધમકીભર્યા મેસેજ મોકલી આપ્યા હતા.