Dakshin Gujarat Main

ટીચકપુરામાં હોટલ માલિકે ખોટા દસ્તાવેજો ઊભા કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાઇસન્સ મેળવ્યું !

વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં “બાલકૃષ્ણ પોઈન્ટ” શોપિંગ કોમ્પ્લેક્સની આગળ પતરાના શેડમાં કાચી દુકાનના દસ્તાવેજમાં ઉલ્લેખ કરી સ્થળ પર બિલ્ડરે પાકી આરઆરસીની હોટલ (Hotel) બાંધી તેને ૧૦ વર્ષ માટે મુંબઈના બે શખ્સને ભાડે આપી દીધી છે. જેનું માસિક રૂ.૫૦ હજારનું ભાડું પણ વસૂલાય છે. આ હોટલ હાઈવે- સર્વિસ રોડની લગોલગ ઊભી કરાઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટીનું ૭૫ મીટરનું નિયંત્રણ છે. ટીડીઓ કે કલેક્ટર (TDO And Collector) કચેરી કક્ષાએથી હાઇવેના નિયંત્રણવાળી જગ્યામાં બાંધકામ કરવાની કોઈ મંજૂરી અપાતી નથી. ત્યારે આવી બાધ્યવાળી જગ્યામાં હોટલ તાણી બંધાઈ છે. અહીં સ્વભાવિક છે કે, આવાં બાંધકામના સરકારી દસ્તાવેજો હોઇ શકે નહીં. ત્યારે હોટલ માલિક અને બિલ્ડરે ખોટા દસ્તાવેજો ઊભા કરી તેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં (Department of Food and Drugs) રજૂ કરી હોટલ ચલાવવા માટેનું ફૂડનું લાઇસન્સ મેળવી લીધું હોવાનું જણાઈ રહ્યું છે. આ હાઈવેની લગોલગ તાણી બંધાયેલી હોટલના માલિકે સરકારી પુરાવાઓમાં હોટલની આજુબાજુ નગર નિયોજકના નકશામાં મંજૂર થયેલી હોય તેવી મિલકતોનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ જે હોટલ માટે લાઇસન્સ લેવાયું છે તે હોટલ નગર નિયોજકના નકશાના કયા બ્લોક કે પ્લોટમાં બાંધવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. હોટલના નામે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાઇસન્સ પણ હોટલ માલિકે મેળવી લીધું છે. જો કે, કોઇપણ જગ્યાનું લાઇસન્સ લેતી વેળાએ ખરેખર એ જગ્યાનું જ કરારનામું થયું છે કે કેમ ? જે જગ્યાએ હોટલ ચાલુ કરવા માટેની પરવાનગી લીધી એ જગ્યાએ જ ખરેખર હોટલ શરૂ કરવામાં આવી છે કે કેમ ? તેવી કોઇ ચકાસણી અહીં કરાઈ હોય તેમ લાગતું નથી.

બિલ્ડરે ભાડુઆત સાથે કરેલા ભાડા કરારમાં જે સોગંધનામું રજૂ કર્યું છે, તેમાં વ્યારા રાધેય સિનેપ્લેક્સની આગળ આવેલી દુકાનો સામે જયનારાયણ મારબલના ગેટની બાજુવાળી રસ્તા સાઈડ પતરાની શેડવાળી જગ્યા પર હોટલ દર્શન બતાવી છે. જેનો તા.૩ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ ભાડા પટે આપનાર જયનારાયણ મા૨બલ ભાગીદારી પેઢીના ભાગીદારોએ ભાડાપટે રાખનાર મુંબઈ અને ઝારખંડની બે વ્યક્તિ સાથે ૧૦ વર્ષની મુદતનો ભાડા પટાનો કરા૨ કર્યો છે. જેમાં વહીવટ, ભોગવટાની મિલકત વ્યારાના ટીચકપુરા મુકામે બ્લોક નં.૩૬/અ/૨૧માં આવેલા પ્લોટ નં.૨૧નું કુલ ક્ષેત્રફળ ૫૫૮૨.૯૪ ચો.મી. જમીનમાં આગળના ભાગે શોપિંગ કોમ્પ્લેક્સ તથા તેની પાછળના ભાગે મલ્ટિપ્લેક્સનું બાંધકામ કરવાનું આયોજન કર્યાનું જણાવ્યું છે. મલ્ટિપ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૬૬૬.૯૭ ચો.મી., ફર્સ્ટ ફ્લોર ૫૨૮૮૪.૯૨ ચો.મી. તથા બીજા માળે ૧૪૮.૬૦ ચો.મી. મલ્ટિપ્લેક્સ ટાઈપનું બાંધકામ કર્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. રાધેય સિનેપ્લેક્સ-૧ અને રાધેય સિનેપ્લેક્સ-૨ વાળી મિલકત, તેની સાથે ગેમ ઝોન તથા ખાણીપીણીના સ્ટોલ-કેન્ટીન તથા પાર્કિંગ સહિતની મિલકતને ખુલ્લી જમીનમાં આવી હોવાનું બતાવ્યું, પણ સ્થળ પર તેવું નથી. ખુલ્લી જમીન ઉપર એકમાત્ર દર્શન હોટલ આવેલી છે. આ હોટલ પણ રાધેય સિનેપ્લેક્સની આગળ આવેલી દુકાનોની આગળ જયનારાયણ મારબલના ગેટની બાજુવાળી રસ્તા સાઈડે બતાવી છે.
પતરાની શેડવાળી આશરે ૩૦ × ૮૦ સાઈઝની હોટલ દર્શનને ભાડા કરારમાં કાચી દુકાન બતાવી છે. પણ સ્થળ ઉપર આવી કોઇ કાચી દુકાન નથી. હોટલ દર્શન છે પણ તેનું બાંધકામ પાકું છે, તેનો ભાડા કરાર કર્યો તેને પોતાની મિલકત તરીકે સંબોધવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. રાધેય સિનેપ્લેક્સની આગળ આવેલી દુકાનોની આગળ પતરાની શેડવાળી હોટલને કાચી દુકાન બતાવી, પણ આ હોટલ કઈ દુકાનની સામે છે ? તેનો ઉલ્લેખ સુધ્ધા પણ કરવામાં આવ્યો નથી. આ હોટલ સ્ટેટ ધોરી માર્ગને અડીને આવેલી છે, ત્યારે પાકી હોટલનું બાંધકામ કરતી વેળાએ હાઇવે ઓથોરિટીની પરમિશન મેળવવી જરૂરી હતી, પણ હોટલ બાંધતી કે તેને શરૂ કરતી વેળા તે બાબતની પણ કોઇ ગંભીરતા બિલ્ડરે લીધી નથી. મનસ્વી રીતે સરકારી કાયદાઓને નેવે મૂકી આ હોટલ આગળ છેક રોડ સુધી બ્લોક પણ પાથરી દીધા છે. આવી ગેરરીતિઓ સાથે તા.૨૮મી જાન્યુઆરી-૨૦૨૧ના રોજથી ૧૦ વર્ષ માટે આ હોટલ ભાડે આપી તેનો ભાડા કરાર પણ કરી દીધો છે. આ ભાડામાં પ વર્ષ સુધી દર અગિયાર માસે ૨૦ % લેખે વધારો, જ્યારે ૫ વર્ષથી ૧૦ વર્ષ સુધી દર અગિયાર માસે ૧૦% પ્રમાણે વધારો કરવાનો ઉલ્લેખ કરાયો છે. જેના ભાડુઆત પાસેથી ડિપોઝિટ પેટે રૂ.પ લાખ રોકડા બિલ્ડરે વસૂલી લીધા છે.

હોટલની ગેરરીતિઓ સામે કાયદાકીય હથોડો ઝીંકવા અધિકારીઓનું ચૂંટણીનું બહાનું
વ્યારા: દર્શન હોટલની એનએ થયેલી જમીનના ચોક્કસ પુરાવા સાથેના દસ્તાવેજો પણ કોઇ ચોક્કસ લોકેશન સાથેના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપ્યા નથી. આ બાબતને ગોળગોળ દર્શાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાઇસન્સ મેળવી ધોરી માર્ગને અડીને બિન અધિકૃત રીતે હોટલના જરૂરી દસ્તાવેજો યેનકેન પ્રકારે ઊભા કરી દીધા છે. આ હોટલના બાંધકામને લઈ વિવાદ ઊભો થયો છે. વિવાદાસ્પદ હોટલની બાંધકામ સહિતની બિલ્ડરની અનેક ગેરરીતિઓ ધ્યાને આવી છે, પણ ચૂંટણીનું બહાનું ધરી આ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી હોટલની ગેરરીતિને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે.

લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ઓનલાઇન હોય છે
ટીચકપુરામાં આવેલી દર્શન હોટલની એનએ થયેલી જમીનના ચોક્કસ પુરાવા સાથેના દસ્તાવેજો કે કોઇ ચોક્કસ લોકેશન સાથેના દસ્તાવેજો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીએ આપ્યા નથી. અમે આ હોટલને ભાડા કરારના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાઇસન્સ આપ્યું છે. લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ઓનલાઇન હોય છે. જેથી સ્થળ ચકાસણી કરાતી નથી.
-ડી.વી.બારોટ, ડેઝિગ્નેટે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી

હું જાતે થોડી માપણી કરવા જાઉં
આ બિલ્ડર અને હોટલ માલિકે તેમની જમીન અને હોટલને લગતા સરકારી કાગળો અન્યોને બતાવવાની ના પાડી છે. તેઓ લેખિતમાં મને આપી ગયા છે. એટલે હું હોટલના નકશા કે જમીનના કાગળો તમને બતાવી શકું નહીં, બાંધકામ સામે ટીડીઓએ નોટિસ આપવા માટે કહ્યું છે. પણ મારી પાસે કોઈ ટેક્નિકલ માણસ નથી. હું જાતે થોડી માપણી કરવા જાઉં. હાલ ચૂંટણીની કામગીરીમાં હું રોકાયેલી છું.
– અંકિતા વિશાણા, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત, ટીચકપુરા

Most Popular

To Top