વ્યારા: ‘જર જમીન અને જોરૂ ત્રણે કજિયાનું છોરું કહેવત વ્યારાના (Vyara) બોરખડી ગામમાં (Borkhadi Village) થયેલા ધિંગાણાં ઉપરથી ફલિત થઇ રહી છે. વ્યારાના બોરખડી ગામે મોટા ફળિયામાં ખેતરમાં તુવેરનો પાક ખેડવાને લઈ બે પરિવાર વચ્ચે (Between Family) બબાલ થઇ હતી, જેમાં સાગા કાકાએ પોતાનાં ભાઇ અને ભાભી તેમજ ભત્રીજીને જમીન ખેડે તો પતાવી દેવાની ધમકી સાથે પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે બીજા એક ભાઈને મોંના ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી હતી. ભત્રીજીએ કાકા અને તેના પુત્ર વિરુદ્ધ વ્યારા ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી હાથ ધરી
વ્યારા તાલુકાના બોરખડી ગામના મોટા ફળિયાની સ્નેહા ચૌધરીની ફરિયાદ મુજબ બોરખડી ગામે આવેલી તેઓએ પોતાની જમીન ખાતા સરવે નં.349, સરવે નં.1200, 1230 પૈકી 1200 નંબરની જમીનમાં શેરડી તથા તુવેરનો પાક કર્યો હતો. જેને મોટા બાપા અશ્વિન ડેડા ચૌધરી તથા અર્પિત અશ્વિન ચૌધરીએ ખેડી કાઢ્યા હતા. જેને લઈને સ્નેહાબેન અને તેના પરિવારજનો મોટા બાપા અશ્વિનના ઘરે નુકસાની મામલે રજૂઆત કરવા ગયા હતા, જેમાં અશ્વિન અને તેનો પુત્ર અર્પિત ઉશ્કેરાઈ ગયા હતા અને સ્નેહા અને તેનાં માતા-પિતાને ગાળો બોલી.
હવે પછી આ જમીન ખેડશો તો પતાવી દઈશ, આવી ધમકી આપી હતી.
ત્યાર બાદ તેમણે સ્નેહાબેનને માથામાં પીવીસી પાઇપ મારતાં લોહીલુહાણ થઇ હતી. તેને સારવાર દરમિયાન બે ટાંકા આવ્યા હતા. જ્યારે માતા સુધા રશ્વિન ચૌધરીને કપાળના ભાગે પાઇપનો ફટકો મારતાં ત્રણ ટકા આવ્યા હતા. વચ્ચે પડેલા રશ્વિન ગુમાન ચૌધરીના હોઠ પર એક ફટકો મારી દીધો હતો. જ્યારે અર્પિતએ સ્નેહાબેનના હાથમાંથી મોબાઇલ ફોન ખેંચી દીવાલ પર મારી તોડી નાંખ્યો હતો. કલેક્ટરના જાહેરનામાનો ભંગ પણ કરતાં આ મામલે વ્યારા પોલીસે સ્નેહાબેન ચૌધરીની ફરિયાદ લઈ અશ્વિન દેડા ચૌધરી, તેના પુત્ર અર્પિત અશ્વિન ચૌધરી (બંને રહે., બોરખડી, વ્યારા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.