સુરતમાં જેલમાંથી છૂટેલા બુટલેગરે ફટાકડા ફોડી કાઢેલા સરઘસની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યારે વ્યારામાં પણ બુટલેગરનો ટોળા વચ્ચે કેક કાપતો વાયરલ થયેલા વિડીયોથી પોલીસની બુટલેગરો પર કોઇ ધાક જ ના હોય તેમ રીતસરના કાયદો અને વ્યવસ્થાના રીતસરના ધજિયા ઊડ્યા છે. વ્યારાના વૃંદાવાડીમાં રહેતા બુટલેગરે પોતાના જન્મદિવસની ઉજવણીમાં ટોળું ભેગું કરી સોશિયલ ડિસ્ટન્સની ઠેકડી ઉડાડી હતી. આ બુટલેગર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે કે, થોડાક દિવસ પહેલાં જ આ બુટલેગર દારૂની હેરાફેરી પ્રકરણમાં પણ ઝડપાયો હતો.
વ્યારાની વૃંદાવાડીમાં જલારામ સર્વિસ સ્ટેશન પાસે રહેતો લિસ્ટેડ બુટલેગર રાકેશ અમરસિંગ ચૌધરી (ઉં.વ.૩૫)એ ગતરોજ તા.૧૩મી જુલાઇની મોડી રાત્રે ૧૦:૧૫ વાગ્યાના અરસામાં પોતાનો જન્મદિવસ ઉજવવા ટોળું ભેગું કર્યું હતું. પોતાનાં નામોનાં અક્ષરો જેટલા આશરે ૧૫થી વધુ કેક મંગાવી હતી. લોકોએ આ પાર્ટીમાં માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું. આટલું ઓછું હોય તેમ પોતાના વિસ્તારમાં જાહેરમાં આતીશબાજી પણ કરી હતી. બુટલેગર રાકેશ અમરસિંગ ચૌધરીએ કોવિડની તમામ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. આ અંગેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વગ ધરાવતા આ બુટલેગર સામે પોલીસે શરૂઆતમાં કોઇ નક્કર પગલાં ભર્યાં ન હતાં, પણ લેખિત ફરિયાદ ઉપરાંત લોકોએ પણ સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ફિટકાર વરસાવવાનું શરૂ કરતાં તાત્કાલિક પોલીસ હરકતમાં આવી હતી. અને તાબડતોબ ગુનો નોંધી આ બુટલેગરને ફરી દબોચી સળિયા પાછળ ધકેલી દીધો હતો.