વ્યારા: (Vyara) સોનગઢના (Songhar) દેવાલપાડામાં અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા ટ્રક ચાલકે (Truck Driver) બાઇકને (Bike) અડફેટે લેતાં બે ભાઈ ઘાયલ થયા હતા. વ્યારાના નવા ઢોડિયાવાડ વિસ્તારના ભાઈઓ સંબંધીના બારમાની વિધિમાં જવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના (Accident) બની હતી. ઇજા પહોંચાડી ટ્રક ચાલક સ્થળ પરથી ટ્રક લઈને નાસી છૂટ્યો હતો.
- સોનગઢના દેવાલપાડામાં અજાણ્યા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતાં બે ભાઈ ઘાયલ
- સોનગઢના દેવાલપાડા ગામની સીમમાં કનાળા ગામ તરફ જતા રોડ ઉપર બની ઘટના
- વ્યારાના નવા ઢોડિયાવાડ વિસ્તારના ભાઈઓ સંબંધીના બારમાની વિધિમાં જવા નીકળ્યા હતા
- ઇજા પહોંચાડી ટ્રકચાલક સ્થળ પરથી ટ્રક લઈને નાસી છૂટ્યો હતો
વ્યારાના નવા ઢોડિયાવાડ વિસ્તારમાં રહેતા વિશ્રામભાઇ હરજીભાઇ ઢોડિયા (ઉં.વ.૬૬) પોતાના મોટાભાઈ રમેશભાઈ (ઉં.વ.૬૭)ને પોતાની સાઇન મોટરસાઇકલ નં.(જીજે ૨૬ આર ૩૭૩૨) ઉપર બેસાડી સોનગઢ ખાતે પોતાનાં સગા સંબંધીના બારમાની વિધિમાં જવા નીકળ્યા હતા. એ દરમિયાન સોનગઢના દેવાલપાડા ગામની સીમમાં કનાળા ગામ તરફ જતા રોડ ઉપર બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં સામેથી એક અજાણ્યા ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઇકલને અડફેટે લેતાં વિશ્રામભાઇને જમણા હાથે આંગણી તથા કોણીમાં ઇજા, રમેશભાઇને જમણા પગે ફેક્ચર તથા માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડી ટ્રકચાલક સ્થળ પરથી ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે આ અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે ઇક્કો કારને અડફેટે લેતા અકસ્માત
અંકલેશ્વર: અંકલેશ્વરથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર આમલા ખાડી બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર હાઇવે પર આમલા ખાડી પરના બ્રિજ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા. લગભગ અડધો કલાકના ટ્રાફિક જામ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હતી.