Dakshin Gujarat

વ્યારા બાયપાસ ધોરી માર્ગ પર ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતાં બેનાં મોત

વ્યારા: (Vyara) વ્યારા બાયપાસ સુરત તરફ જતા ધોરી માર્ગ ઉપર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ (Petrol Pump) પાસે ગુરુવારે સાંજે ૫ વાગે ડમ્પર પાછળ બાઇક (Bike) ઘૂસી જતાં સ્થળ ઉપર જ બેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. કહેવાય છે કે, સુપર સ્પ્લેન્ડરની બ્રેક ફેઇલ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • વ્યારા બાયપાસ ધોરી માર્ગ પર ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતાં બેનાં મોત
  • આ મામલે સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે

આ મામલે સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે. પૂરપાટ ઝડપે જતાં ડમ્પર નં.(જીજે ૨૧ વાય ૧૫૫૧)ના પાછળના વ્હીલમાં બાઇક નં.(જીજે ૨૬ એચ ૦૭૧૩) ઘૂસી જતા મોતને ભેટેલા બે બાઇકસવાર પૈકી એક મૃતકના ખિસ્સામાંથી પ્રજાપતિ ભવન માવજીભાઇ નામનું આધાર કાર્ડ મળી આવ્યું છે. આ અકસ્માત મામલે પોલીસે વધુમાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નિઝરના પીપલોદમાં અજાણ્યા વાહને અડફેટે લેતાં બાઇકચાલકનું મોત
વ્યારા: નિઝરના પીપલોદ ગામની સીમમાંથી શરદ ભરત વળવી (ઉં.વ.31) (રહે., પીપલોદ, આંબેડકર ફળિયું) મોટરસાઇકલ નં.(એમ. એચ-18-એસ-7138) પર કોઈ કામ અર્થે સાંજે નીકળ્યો હતો. તેમને પીપલોદ ગામની સીમમાં પીપલોદથી વાંકા આવતા રોડ પર કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત સર્જ્યો હતો. શરદને કપાળે ગંભીર ઈજા થતાં સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ બાબતે નિઝર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

માંડવીના કાલીબેલના માયા તળાવમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત
માંડવી: માંડવીના કાલીબેલ ગામે આવેલા માયાતળાવમાં ત્રણ મિત્રો નાહવા ગયા હતા. પરંતુ ખોડાંબા ગામનો 45 વર્ષનો આધેડ આકસ્મિક રીતે ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના ખોડાંબા ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગિરીશ કિશન ગામીત (ઉં.વ.45) કાલીબેલ ગામે બે મિત્ર સાથે બાઈક પર ગયા હતા. અને બપોરે બારેક વાગ્યાના સમયે માયા તળાવમાં ત્રણેય મિત્રો નાહવા માટે જતાં પાણીમાં તરતા-તરતા એક છેડેથી બીજા છેડા તરફ જતા હતા. ત્રણેય મિત્રો જતા હતા ત્યારે ગિરીશ ગામીત અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં કરતાં બીટના જમાદાર સતીશ ચૌધરી, સન્નત ગામીતે સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં લાશની શોધખોળ કરાવી હતી. અંતે ગિરીશ ગામીતનો મૃતદેહ મળી આવતાં માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top