Gujarat

સ્થાનિક સ્વરાજયની 2178 બેઠકો માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન, 18મી ફેબ્રુઆરીએ મત ગણતરી

ગાંધીનગર: રાજય ચૂંટણી આયોગ દ્વારા આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં 27 ટકા અનામતનો અમલ કરવામાં આવનાર છે. આાગમી તા.12મી ફેબ્રુ.ના રોજ જૂનાગઢ મનપા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, જુદી જુદી મનપાની 3 ખાલી બેઠકોની, નગરપાલીકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો, તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.16મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જયારે 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે. કેન્દ્રિય ચૂંટણી પંચની સુધારેલી મતદાર યાદી મુજબ, રાજય ચૂંટણી આયોગ દ્વારા સુધારેલી આખરી મતદાર યાદી જાહેર કરી છે.

જ્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવવાની છે તે મત વિસ્તારમાં આજે સાંજથી ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી જવા પામી છે. આ ચૂંટણી માટે 27મી જાન્યુ.થી 1 ફેબ્રુ. સુધી ઉમેદવારી કરી શકાશે. તે પછી ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે 4થી ફેબ્રુ. છેલ્લી તારીખ નક્કી કરાઈ છે. 16મી ફેબ્રુ.ના રોજ રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ઈવીએમનો ઉપયોગ કરાશે. 18મી ફેબ્રુ.ના રોજ મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તા.19મી ફેબ્રુ.થી ગુજારત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે.

રાજય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કહ્યું હતું કે રાજયમાં 38,86,285 મતદારો પોતાના મતદાધિકારનો ઉપયોગ કરશે. કુલ 2178 બેઠકો માટે 4390 જેટલા મતદાન મથકો પર મતદાન થવાનું છે. જે પૈકી 1032 મતદાન મથકો સંવેદનશીલ અને 244 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. અંદાજે 10 હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ ફરજ પર ગોઠવાશે. ડો. એસ. મુરલીક્રિષ્ણને કહ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાશે.

અનામત બેઠકોનું વર્ગીકરણ બાકી હોવાથી ચૂંટણીમાં વિલંબ
ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કહ્યું હતું કે અંદાજિત 4000 જેટલી ગ્રામ પંચાયતોમાં 27 ટકા અનામત પ્રમાણે બેઠકોનું વર્ગીકરણ બાકી છે, આ વર્ગીકરણ કરવાની સત્તા જિલ્લા કલેકટરને આપવામાં આવી છે. જેના પગલે આ કાર્યવાહી પૂર્ણ થઈ જતાં ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરાઈ નથી. તેવી જ રીતે થરાદ, ધાનેરા, ઈડર અને વિજાપુર નગરપાલીકાની ચૂંટણી પણ જાહેર કરાઈ નથી. તેનું નવેસરથી સીમાંકન અને બેઠકોનું 27 ટકા ઓબીસી અનામત પ્રમાણ વર્ગીકરણ બાકી હોવાથી તેની પણ જાહેરાત કરવાની બાકી છે. એક પ્રશ્નના જવાબમાં ડો. મુરલી ક્રિશ્નાએ કહ્યું હતું કે રાજય સરકાર ચૂંટણી આયોગને ઓબીસી અનામત અંગેનો જસ્ટીસ ઝવેરી પંચનો રિપોર્ટ દોઢ માસ પહેલાં જ આપ્યો છે, જેના પગલે બેઠકોના વ્રગીકરણની પ્રક્રિયા પડતર હોવાથી ચૂંટણી જાહેર થઈ શકી નથી.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
  • 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
  • 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
  • 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
  • 16 ફેબ્રુઆરીએ થશે મતદાન
  • 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
  • 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની મુખ્ય હાઈલાઈટ
  • 2178 કુલ બેઠકો
  • 4390 મતદાન મથકો
  • 1032 સંવેદનશીલ મતદાન મથક
  • 244 અતિ સંવેદનશીલ મતદાન મથક
  • 179 ચૂંટણી અધિકારી
  • 8351 બેલેટ યુનિટ
  • 5697 કન્ટ્રોલ યુનિટ
  • 25000 ચૂંટણી સ્ટાફ
  • 10000 પોલીસ સ્ટાફ
  • 19.40 લાખ પુરુષ મતદારો
  • 19.01 લાખ મહિલા મતદારો
  • 145 અન્ય મતદારો

Most Popular

To Top