SURAT : ચૂંટણી સમયે જાતિ સંપ્રદાયના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે જે સમાજ અને જ્ઞાતિના મતદારો વધારે હોય છે તેમના જ પૈકીનો એક ઉમેદવાર પસંદ કરવાની દિશામાં રાજકીય પાર્ટી વિચારતી હોય છે. સુરતના વોર્ડ નંબર સાતમાં પણ એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, અહીં અલગ જ પ્રકારનું કેમ્પેન શરૂ થયું છે. સમાજલક્ષી પોલિટિક્સને કારણે નુકસાન થતું દેખાતા સુરત ભાજપના નેતાઓ દોડતા થઇ ગયા છે, એક બાજુ ભાજપે પ્રજાપતિ સમાજના નિરંજન ઝાંઝમેરાને ( NIRANJAN JHANJHMERA) શહેર પ્રમુખ જેવું મોભાનું સ્થાન આપ્યું છે અને રાજ્યસભા માટે પણ પ્રજાપતિ સમાજના દિનેશ પ્રજાપતિને નોમીનેટ કર્યા છે.
ત્યારે કતારગામ ઝોનના વોર્ડ નંબર 2, 6,7,8 અને 12માં પ્રભાવક હાજરી ધરાવતા પ્રજાપતિ સમાજમાં ‘ઉમેદવાર કોઇ પણ પક્ષનો હોય પરંતુ આપણા ભાઇઓને જીતાડવાના છે’ તેવા મેસેજ ઉમેદવારોના ફોટો સાથે સોશિયલ મીડીયામાં વાયરલ થતા ભાજપ ( BHAJAP ) માટે ડેમેજ કંટ્રોલ આ મેસેજ કારગત નિવડે તો ખાસ કરીને વોર્ડ નંબર 7માં ઘણી વિપરીત અસર થવાની સંભાવના પણ ભાજપના નેતાઓ વ્યકત કરી રહ્યા છે. પ્રજાપતિ સમાજનું મોટુ મતદાન ધરાવતા વોર્ડમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ( AAM AADMI PARTY) માથી પણ ઉમેદવારો મેદાનમાં છે. તેથી 120 બેઠકોના લક્ષ્યાંક સાથે ચાલી રહેલા ભાજપ માટે મોટો પડકાર ઉભો થવાની દહેશત છે. ખાસ કરીને વોર્ડ નંબર 7માં સોશિયલ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં સતત પ્રજાપતિ સમાજના ઉમેદવારોના ફોટા વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે અપીલ કરવામાં આવી રહી છે કે, પોતાના સમાજના ઉમેદવારોને જ જીતાડો જેને લઇને ચૂંટણીના સમીકરણો પર તેની સીધી અસર દેખાઈ રહી છે.
ભાજપે પ્રજાપતિ સમાજને મેયર, શહેર પ્રમુખ અને સાંસદ આપ્યા છે, સમાજ તેની સાથે રહે : નંદલાલ પાંડવ
પ્રજાપતિ સમાજના ઉમેદવારોને જ મત આપવા બાબતે શરૂ થયેલા સોશિયલ કેમ્પેઇન બાબતે પ્રજાપતિ સમાજના પ્રમુખ અને વોર્ડ 7ના ઉમેદવાર નરેન્દ્ર પાંડવના પિતા નંદલાલ પાંડવે જણાવ્યું હતું કે આ વિરોધી લોકો અને કોંગ્રેસના લોકોએ વાયરલ કર્યુ છે. જેણે વાયરલ કર્યુ તેણે ડીલીટ પણ કર્યુ છે. પ્રજાપતિ સમાજને ભાજપે શહેર પ્રમુખ, મેયર અને સાંસદ આપ્યા છે એટલે પ્રજાપતિ સમાજનું ગૌરવ જાળવ્યું હોય સમાજ ભાજપની સાથે રહે તેવી મારી અપીલ છે.