આણંદ, તા.1
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઇ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનનું કાર્ય આરંભાયું છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ કલેકટર કચેરી ખાતેથી 16 – આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગના મતદારોની જાગૃતિ માટેના આ મોબાઇલ નિદર્શન વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નવા મતદારો ઈ.વી.એમ. અને વી.વી.પેટના ઉપયોગથી જાગૃત બને તે માટે ચૂંટણી પંચ દ્વારા ઈ.વી.એમ. અને વી.વી.પેટના નિદર્શન અને તાલીમ માટે ઝુંબેશ યોજવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના 1 મતદાર વિભાગ દીઠ 2 મળી જિલ્લાના 7 મતદાર વિભાગ માટે કુલ 14 મોબાઇલ નિદર્શન વાનનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૦ નિદર્શન કેન્દ્રો પર પણ ઇ.વી.એમ. તથા વી.વી.પેટના ઉપયોગ વિશે નિદર્શન કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નિદર્શન વાન આગામી તા. 29 મી ફેબ્રુઆરી 2024 સુધી શાળા, કોલેજ ઉપરાંત તમામ પોલિંગ સ્ટેશન સુધી પહોંચીને મતદારોમાં જાગૃતિ લાવશે અને ઇ.વી.એમ. તથા વી.વી.પેટના ઉપયોગ વિશે નિદર્શન કરશે.
આણંદ જિલ્લામાં આ મોબાઈલ વાનના પ્રસ્થાન સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, સોજીત્રા એઆરઓ ડી. એ. ઝાલા, મામલતદાર તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.