આ એકવીસમી સદી છે. જેમાં વિજ્ઞાનની પ્રગતિથી માનવીની જીવનદોરી જરૂર લંબાઇ પણ ઉંમર કોઇને છોડતી નથી. ઉંમર વધતા શારીરિક તકલીફો પેદા થતી રહે છે. ઉંમર 80 આસપાસ હોય વત્તા અસાધ્ય રોગથી ઘેરાયેલો હોય ત્યારે આવા પ્રશ્નો થતા હોય છે. કુટુંબીઓની સેવા કયાં સુધી લેવી? રોગ મટવાનો જ નથી ત્યારે દવા સારવાર પાછળ ખોટો ખર્ચ કેટલો યોગ્ય છે? રોગ મટે એમ નથી, જીવનના આઠ દાયકા જીવી લીધું છે ત્યારે શા માટે જાતે દુ:ખી થવું ઉપરાંત કુટુંબીઓને હેરાન કરવા તે કરતા સ્વેચ્છા મૃત્યુથી જીવનનો અંત કેમ ન લાવવો? આવા વિષેમ સંજોગોમાં માનવીને પોતાની જીંદગીનો સ્વેચ્છા મૃત્યુથી અંત લાવવાનો હક્ક ખરો કે નહીં? આ સંદર્ભે ધર્મ તરફ જોશું તો જૈન મુનિ સંથારો કરી સાધુ જીવતા સમાધિ લે જેમાં પણ ધીમું પણ પસંદગીનું મૃત્યુ હોય છે.
એ ન્યાયે સંસારીની મોટી ઉંમર હોય, અસાધ્ય રોગથી પીડતાા હોય તેમને સ્વેચ્છા મૃત્યુ મળવુ જ જોઇએ. ભલે સ્વેચ્છા મૃત્યુ શરતી હોય એના સંજોગો તથા વ્યકિતની ઇચ્છાને ચોક્સાઇ અને ચીવટપૂર્વક તપાસવા ન્યાયલય દ્વારા માન્ય સમિતિ હોય, જેમાં કાયદાશાસ્ત્રી, ડોકટર, માનસશાસ્ત્રી સમાજશાસ્ત્રી વિ. હોય જેને વ્યકિત અરજી કરે, સમિતિ બધા પાસા તપાસે, વ્યકિત સાથે તેમના કુટુંબી સાથે ચર્ચાવિચારણા કરે, વ્યકિત મક્કમ હોય તો તેઓને યોગ્ય લાગે તો સંમતિ આપે. પરિણામે પથારીવસ પીડા મુકત થાય તેમના કુટુંબી મોટી જવાબદારીમાંથી મુકત થાય. ચાર દાયકા અગાઉ પેટલીકર અને યશવંત શુકલે આ વિષયે ચર્ચાની ચકડોળ ચલાવી હતી. આપણે મૂળે ક્ષણિક ઉભરાવાળા, પ્રારંભે સુરા તે હજી સુધી કંઇ ન પામ્યા. પણ આ વ્યાપક અને બહુપરિણામી પ્રશ્ન છે. જેના પર શાંતિથી વિચારી તે કાયદો થાય તે માટે વધુમાં વધુ પ્રયત્નો થશે તો એક સમાજઉપયોગી ઉત્તમ કામ થશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.