નવી દિલ્હી: ટેલિકોમ ઓપરેટર વોડાફોન (Vodafone) આઈડિયાની (Idea) તાજેતરની ડીલ વિવાદોમાં આવી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિકોમ કંપનીએ નેટવર્ક સંબંધિત લગભગ 200 કરોડ રૂપિયાના ઓર્ડર ચીની (China) કંપનીને આપ્યા છે. કંપનીનું નામ ZTE જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ટેલિકોમ કંપનીએ (telecom company) બ્રોડબેન્ડ નેટવર્ક ઈક્વિપમેન્ટ માટે આ ઓર્ડર આપ્યા છે.
- મામલો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)ના ધ્યાન પર લાવવામાં આવ્યો
- ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની તાજેતરની ડીલ વિવાદોમાં આવી શકે
- ઓર્ડર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સર્કલ માટે આપવામાં આવ્યા
આ ઓર્ડર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સર્કલ માટે આપવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)ના ધ્યાન પર લાવવામાં આવ્યો છે. NSCS ટ્રસ્ટેડ ટેલિકોમ પોર્ટલનું સંચાલન કરે છે. તેના દ્વારા જ તે માન્ય ટેલિકોમ ગિયર્સને લીલી ઝંડી આપે છે. જો કે વોડાફોન આઈડિયા તરફથી હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
સાધનસામગ્રી ફક્ત વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી જ ખરીદવાની રહેશે
અગાઉ 16 ડિસેમ્બર 2020ના રોજ કેબિનેટની સુરક્ષા પરની સમિતિ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. સમિતિએ ટેલિકોમ ક્ષેત્રને લગતા રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશને પણ મંજૂરી આપી હતી. આ મુજબ ટેલિકોમ કંપનીઓ અથવા સેવા પ્રદાતાઓએ વિશ્વાસપાત્ર સ્ત્રોતો પાસેથી જ સાધનો ખરીદવા પડશે.
કામ ફક્ત વિશ્વસનીય ટેલિકોમ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે
આ નિર્દેશની જોગવાઈઓ હેઠળ સરકાર દેશમાં ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક માટે વિશ્વસનીય સ્ત્રોતો અને ઉત્પાદનોની સૂચિ જાહેર કરે છે. આને લગતી તમામ કામગીરી માત્ર વિશ્વસનીય ટેલિકોમ પોર્ટલ દ્વારા જ કરવામાં આવે છે. વિશ્વસનીય સ્ત્રોતો અને ઉત્પાદનોની સૂચિ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આગેવાની હેઠળની સમિતિની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે.