SURAT

નર્મદ યુનિવર્સીટીમાં પેહલી જ વખત સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા લીધી અને ચોરી કરતા 63 પકડાયા

સુરત: નર્મદ યુનિ. (VNSGU)માં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષા  (Online exam) એક રીતે તો સફળ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પણ આ પરીક્ષામાં પહેલા જ દિવસે શંકાસ્પદ રીતે ચોરી (Cheating) કરતા 63 (Students) પકડાયા હતા. જેમાંથી કોઇના કાનમાં હેડફોન સાથે, તો કોઇ બાજુમાં બેસાડી ચોરી કરતા હોવાની શંકાના આધારે ગેરરીતિ નોંધવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની ઓનલાઇન પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થયો છે. જેમાં નોંધનીય પરીક્ષાના પહેલા દિવસે જ સરેરાશ 87.5% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. કોરોના (Corona)ને લઇને આ વરસે ઓફલાઇન પરીક્ષા લેવી મુશ્કેલ બની હતી. યુનિ.ના નવા કુલપતિ (Vice chancellor) ડો.કે.એન.ચાવડાએ ગયા વરસે ઓનલાઇન ભણેલા ઉમેદવારો માટે ઓનલાઇન પરીક્ષા માટે પ્રયોગ કર્યો હતો. પરંતુ શરૂઆતમાં મોક ટેસ્ટમાં ઓનલાઈન એક્ઝામમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. અનેક પ્રશ્નો પણ ઉઠ્યા હતાં કે નેટ કનેક્ટિવિટી કેવી રીતે અપાશે? ગામડાઓના છોકરાઓનું શું થશે? જેમની પાસે ઇલેકટ્રોનિકસ ગેઝેટ નહીં હોય તેમનું શું થશે? પરંતુ યુનિ.ના કુલપતિ ચાવડાએ સબળ આયોજન સાથે ઓનલાઈન એક્ઝામ લઈ બતાવી છે.

યુનિ.ના પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે આજે યુનિવર્સિટીની પ્રથમ વખત સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા યોજાઇ છે. ઉમેદવારોએ એન્ડ્રોઇડ ડિવાઇસ, લેપટોપ, ડેસ્કટોપ વગેરેનો ઉપયોગ કરી સફળતા સાથે પરીક્ષા આપી છે. આજે વિનયન, વાણિજય, વિજ્ઞાન, મેનેજમેન્ટ, રૂરલ સ્ટડીઝ, કાનૂન અને શિક્ષણ વિદ્યાશાખાની કુલ 40 પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં સવારના સેશનમાં 10062માંથી 8639 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. સવારના સેશનમાં 86 ટકા હાજરી નોંધાઇ છે. તેવી જ રીતે પરીક્ષાના બપોરના સેશનમાં 5890માંથી 5228 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આ પરીક્ષામાં હાજરીની ટકાવારી 89 ટકા નોંધાઇ છે.

કોસંબામાં એમએ સેમેસ્ટર-1ની પરીક્ષામાં નવોઢાના કપડામાં ઓનલાઇન પરીક્ષા આપી

વીર નર્મદ યુનિ.ની ઓનલાઇન પરીક્ષાની સફળતાની ચોતરફ વખાણ થઇ રહ્યાં છે. યુનિ.એ વિશાળ પાયા ઉપર મોટી સંખ્યામાં પરીક્ષા આપનારા ઉમેદવારોની નિર્વિઘ્ને પરીક્ષા લીધી હતી. આ પરીક્ષા દરમિયાન યુનિ.ના મોનિટરિંગ દરમિયાન કોસંબાની એક યુવતિ પાયલ ટંડેલ નરેશભાઇએ પોતાના મોબાઇલ ઉપરથી નવોઢાના કપડા પહેરી પરીક્ષા આપતી જણાઇ હતી. આ યુવતિએ પોતાના એન્ડ્રોઇડ ફોનથી પરીક્ષા આપી હતી. તેના આવતીકાલે લગ્ન છે.આજે ગ્રહશાંતિ હતી. તે પહેલા તેણે સમય કાઢી પરીક્ષા આપી હતી. જો આ પરીક્ષા ઓફલાઇન યોજાત તો કદાચ તેના માટે પરીક્ષા આપવી મુશ્કેલ બની હોત.

વીર નર્મદ યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં હજીપણ કોઇ ઉમેદવાર રહી ગયા હોય કે તેમને પરીક્ષા આપવાની તકલીફ પડતી હોય તો તેમને માટે યુનિ.એ પોતાના કેમ્પસમાં એમ.એસસી. (આઇ.ટી.) ભવન જે.પી.દાવર ઇન્સ્ટિટયૂટ બિલ્ડિંગમાં વ્યવસ્થા કરી છે. પરીક્ષા સમય પહેલા લોગઇન પહેલા 45 મિનિટ પહેલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે. તે માટે આ ભવનનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

Most Popular

To Top