સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને (VNSGU) લાંછન લગાડનારી અને પરીક્ષાનાં 7 મહિના બાદ લૉ ફેકલ્ટી ( Law Faculty )દ્વારા પરીક્ષામાં (Exam) પુછાયેલા પ્રશ્નો ખોટા (wrong Questions) હોવાની કબુલાત કરી માર્કસ સુધારવાનાં પ્રકરણમાં સેનેટ સભ્ય ભાવેશ રબારીએ (Bhavesh rabari) કરેલા આરોપો સામે લો ફેકલ્ટીનાં અધરધેન ડીન વિમલ પંડયાએ આજે યુનિવર્સિટીમાં લેખીત રજૂઆત કરી ભાવેશ રબારીએ તેમનાં નામ જોગ ખોટી ફરિયાદ કરી હોય, યોગ્ય કાર્યવાહીની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે.
પ્રશ્નો ખોટા પુછાયા હોવાની ફરિયાદ જાગૃત વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી
એલએલબીનાં પાંચમાં સેમેસ્ટરની ગત ફેબ્રુઆરી-2022માં લેવામાં આવેલી પરીક્ષાનાં અલગ-અલગ પ્રશ્નપત્રો મળી કુલ 76 પ્રશ્નો ખોટા પુછાયા હોવાની ફરિયાદ જાગૃત વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી. 7 મહિના પહેલા વિદ્યાર્થી દ્વારા કરાયેલી ફરિયાદ બાદ અંતે યુનિવર્સિટીએ ભૂલ સુધારી હતી અને પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટરની તમામ 1200 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ બદલવી પડી હતી. તેમજ એલ.એલ.એમનાં પ્રવેશ પ્રક્રિયા પણ નવેસરથી કરવાનો વારો આવ્યો હતો.
ડીન વિમલ પંડયાએ કુલપતિને લેખીત રજુઆત કરી
આ મામલે સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા પેપર સેટ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહીની માંગણી કરી હતી. જેની સામે આજે અધરધેન ડીન વિમલ પંડયાએ કુલપતિને લેખીત રજુઆત કરી હતી, અને જણાવ્યું હતું કે ભાવેશ રબારી દ્વારા અડચણરૂપ થાય તેવી કાર્યવાહી વાંરવાર કરવામાં આવે છે. સેમેસ્ટર-5નાં વિવિધ વિષયમાં 76 પ્રશ્નોમાં એક વિદ્યાર્થીની ફરિયાદનાં આધારે સુધારો કરવામાં આવ્યો છે, અને એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટનાં ઠરાવનાં આધારે આ કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં ભાવેશ રબારી રાજકીય રોટલો શેકવા માટે વિવિધ રજૂઆતમાં અધરધેન ડીન તરીકે વિમલ પંડયાની જવાબદારી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે, જે મારા માનવ અધિકારને ઠેસ પહોંચાડે છે. આ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.