સુરત: શહેરની વીર નર્મદ યુનિ. (Vnsgu)માં કાયદાની ઉપરવટ ચાલી રહેલા વહીવટનો આજે વધુ એક દાખલો બહાર આવ્યો છે. વિપક્ષી સભ્ય ભાવેશ રબારી (Nsui)એ રજૂઆત કરી હતી કે યુનિ.એ ખોટી રીતે કાયદા શાખા (Law dept)ના 3 બોર્ડની રચના કરી છે.
યુનિ.ના સિન્ડીકેટ સદસ્ય એડવોકેટ ભાવેશ રબારીએ કહ્યું હતું કે, કાનૂની વિદ્યાશાખા હેઠળના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝ (Board of studies)ની રચના યુનિવર્સિટીના સબંધિત સ્ટેચ્યુટ -૧૨૧ મુજબ અગાઉ કરવામાં આવી હતી અને આ ત્રણેય બોર્ડ ની પ્રથમ મીટિંગ તા.૦૭/૦૫/૨૦૨૧ના રોજ ઓનલાઇન યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી હતી આ ત્રણેય કાનૂની વિદ્યાશાખાના બોર્ડમાં યુનિવર્સિટીના નિયમો મુજબ સભ્યો કોઓપ્ટ કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી અને તેની મીનીટસ પણ પાસ કરી દરેક સભ્યોને મોકલવામાં આવી હતી ત્યારબાદ કાનૂની વિદ્યાશાખાના ત્રણેય બોર્ડમાં ચેરમેન અને કો-ચેરમેનની નિમણૂક માટેની બીજી મીટિંગ તા.૨૪/૦૫/૨૦૨૧ના રોજ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવી હતી અને તેનો એજન્ડા પણ નવી રચાયેલ બોર્ડના દરેક સભ્યોને યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના સ્ટેચ્યુટ ના આધારે નવી રચાયેલ કાનુન વિદ્યાશાખાની ત્રણેય બોર્ડની બીજી મીટિંગ તા.૨૪/૦૫/૨૦૨૧ના રોજ મળે તે પહેલા યુનિવર્સિટી દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૧ના રોજ બોર્ડ ઓફ સ્ટડીઝની પુનઃરચના માટે સંદતર ખોટી રીતે, ગેરકાનૂની અને કાયદાની વિરુદ્ધ પરિપત્ર કરી આ બોર્ડને રદ કરવામાં આવ્યા હતા. કાનુન વિદ્યાશાખાના આ ત્રણેય બોર્ડને યુનિવર્સિટીના ક્યાં નિયમોને આધારે પુનઃરચના કરવાનું નક્કી કરવામાં આવ્યું તેનો પણ આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આમ કાયદાની વિદ્યાશાખામાં જ કાયદાની વિરુદ્ધની કામગીરી કરવામાં આવી રહી છે જે ખુબ જ ગંભીર બાબત છે.
યુનિવર્સિટી દ્વારા જ કોલેજો પાસે બોર્ડની પુનઃરચના માટે તા.૨૧/૦૬/૨૦૨૧ સુધી નવા ફોર્મ સ્વીકારવાનો પરીપત્ર કરવામાં આવે અને તે પહેલા જ નવા બોર્ડની રચના કરી દેવામાં આવે તે પણ કાયદાની વિરુદ્ધ ખોટી રીતે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણેય બોર્ડમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હોવા જોઈએ અને તેમાં ખૂટતાં નામો કુલપતિ દ્વારા નોમિનેટ કરવાના હોય છે તેમાં પણ કુલપતિ દ્વારા મેડિકલ ફેકલ્ટીના બિનશૈક્ષણિક વ્યક્તિની લો ફેકલ્ટીના બોર્ડમાં સભ્ય તરીકે ખોટી રીતે પસંદગી કરવામાં આવી છે.
આમ કાનૂન વિદ્યાશાખાના ત્રણેય બોર્ડમાં કુલપતિ દ્વારા બિનશૈક્ષણિક વ્યક્તિઓને ખોટી રીતે નોમિનેટ કરવામાં આવ્યાં છે અને ગેરકાયદે રીતે તા.૨૧/૦૬/૨૦૨૧ સુધી નવા બોર્ડ ઓફ સ્ટડીઝના નવા નામો મંગાવવાની પ્રકિયા પૂર્ણ કર્યા પહેલા ફરીથી ગેરકાયદે રીતે રચવામાં આવેલ કાનુન વિદ્યાશાખાના ત્રણેય બોર્ડને રદ કરી આજની આ કાનૂન વિદ્યાશાખા ના ત્રણેય બોર્ડની ગેરકાયદેસર મીટિંગો રદ કરવામાં આવે તેવી મારી માંગણી છે. અને જો યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર ખોટી રીતે નિયમો વિરુદ્ધ આજની કાર્યવાહી કરશે તો કાનૂની વિદ્યાશાખાના રક્ષણ માટે યુનિવર્સિટીની વિરુદ્ધ કાનૂની પગલા ભરવાની પણ ફરજ પડશે.