SURAT

સુરતીઓએ સતત બીજા દિવસે બતાવ્યો ઉત્સાહ: હજારો નવા લોકો સાથે આંકડો પહોંચ્યો…

સુરત: દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાન (Vaccination campaign)ની શરૂઆત 21 જુનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી.

લોકો સીધા વેક્સિનેશન સેન્ટરો પર જઈ રજિસ્ટ્રેશન (Registration) કરાવી વેક્સિન મુકાવી રહ્યાં છે. જેને પગલે હવે પ્રતિદિન વેક્સિન મુકાવનારાઓની સંખ્યા પણ વધી છે. સુરત શહેરમાં ગઈકાલે 37,000 કરતા વધુ લોકોએ વેક્સિન મુકાવી હતી. તેમજ બીજા દિવસે પણ શહેરમાં 40,000 કરતા વધુ લોકોએ વેક્સિન મુકાવી હતી.

કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. જેઓ વેક્સિન મુકાવી રહ્યાં છે તે પૈકીના ઘણા ઓછા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેની ટકાવારી નહીંવત પ્રમાણમાં છે. જે માટે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 40,886 લોકોએ વેક્સિન મુકાવી હતી. જેમાં 32,898 લોકોએ પ્રથમ ડોઝ અને 7998 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વેક્સિનેશનના પાંચ માસમાં કુલ 18,89,700 વેક્સિનના ડોઝ લેવાઈ ચુક્યા છે. જેમાં 3,41,245 લોકો સંપુર્ણરીતે વેક્સિનેટ થઈ ચૂક્યા છે. હાલમાં શહેરમાં કુલ 230 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે.

સુરત શહેરમાં જાણે કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાની બીજી લહેર તો ક્યારનીય પુર્ણ થઈ ચુકી છે. પરંતુ હવે સંક્રમણ ખુબ જ ઘટી રહ્યું છે. ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ તે માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ હાલ પુરતું તો કોરોનાની જાણે વિદાય થઈ રહી હોય તેવા અણસાર જણાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના માત્ર 14 જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અને તે સાથે જ કુલ આંક 111066 પર પહોંચ્યો છે. તેમજ વધુ 61 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 108547 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ વધીને 97.73 ટકા પર પહોંચ્યો છે.

કયા ઝોનમાં કેટલા કેસ
ઝોન કેસ

સેન્ટ્રલ 01
વરાછા-એ 02
વરાછા-બી 01
રાંદેર 03
કતારગામ 02
લિંબાયત 02
ઉધના 01
અઠવા 02

Most Popular

To Top