SURAT

સુરત કાપડ માર્કેટમાં હજી GST સમસ્યા: વાણિજ્ય મંત્રાલયને એકસમાન દર રાખવા માંગ

સુરત: કોટન યાર્ન અને સિન્થેટીક યાર્ન પરનો જીએસટી (GST) દર જુદો જુદો હોવાથી સ્પિનર્સોએ SRTEPCના માધ્યથી કેન્દ્રના ટેક્સટાઇલ અને વાણિજ્ય મંત્રાલય (Ministry of textile and commerce)ને રજૂઆત કરી કાપડ ઉદ્યોગમાં એકસમાન જીએસટીનો દર રાખવા માંગ કરી છે.

કોટનયાર્ન પર 5 ટકા, સિન્થેટિક યાર્ન પર 12 અને 18 ટકાની જોગવાઇથી સ્પિનર્સોની મોટી ટેક્સ ક્રેડિટ જામ થતી હોવાની તથા છેલ્લા 4 વર્ષમાં સ્પિનર્સોને કરોડોનું નુકસાન વેઠવું પડયું હોવાની રાવ બંને મંત્રાલયો સમક્ષ કરવામાં આવી છે. એટલે કે કાપડ ઉદ્યોગમાંથી જીએસટીના દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એકસમાન 5 ટકાનો દર અમલમાં મુકવા કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય મંત્રાલયને રજૂઆત કરી છે. રો-મટીરીયલ્સની 18 ટકામાં ખરીદી તેમાંથી ઉત્પાદિત યાર્ન 12 ટકાના દરે વેચવાના લીધે નુકસાન થતું હોવાની યાર્ન ઉત્પાદકોની ફરિયાદ છે તે જોતો આ મામલો આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઉપાડવામાં આવશે.

એક દેશ એક ટેક્સનું સ્લોગન કાપડ ઉદ્યોગમાં લાગુ થઇ શકે તેમ નથી. અત્યારે 3 પ્રકારના ટેક્સ કાર્યરત છે, કારણ કે યાર્ન ઉત્પાદકો પીટીએ, એમઈજી જેવા રો-મટિરિયલ્સ પર 18 ટકા ટેક્સ ચૂકવે છે. ત્યાર બાદ ઉત્પાદન કરેલું યાર્ન 12 ટકા ટેક્સ પર વેચે છે. આગળ વીવર્સ યાર્નમાંથી ગ્રે બનાવી તેની પર 5 ટકા જીએસટી લગાવી કાપડના વેપારીને વેચે છે. આ સમગ્ર સાંકળમાં 12 ટકામાં યાર્ન ખરીદી 5 ટકા જીએસટીમાં ગ્રે વેચનાર વીવર્સને ફરકના 7 ટકાનું રિફંડ મળે છે, પરંતુ 18 ટકામાં કાચો માલ ખરીદી યાર્ન બનાવનાર સ્પીનર્સને 12 ટકામાં યાર્ન વેચ્યા બાદ ફરકના 6 ટકાનું રિફંડ મળતું નથી.

ધી સિન્થેટીક રેયોન ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SRTEPC) નેશનલ વાઈસ ચેરમેન ધીરુભાઇ શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે જીએસટીની અન્યાયી જોગવાઈના લીધે સ્પીનર્સને દરમાં અંતરના લીધે ઉભી થતી ટેક્સ ક્રેડીટનું નુકસાન ઉઠાવવું પડે છે. કારણ કે જીએસટીની સિસ્ટમમાં સ્પીનર્સને રિફંડ ચૂકવવા બાબતે કોઈ જોગવાઈ નથી. માર્કેટમાં ભાવના ઉતાર-ચઢાવ, મંદી-તેજીની અસર સ્પીનર્સને પણ થતી હોય છે. વિકટ સમયમાં સ્પીનર્સ પર ઉત્પાદનનો બોજો વધી જાય છે. છેલ્લાં ચાર વર્ષમાં સ્પીનર્સે હજારો કરોડોનું નુકસાન ઉઠાવ્યું છે.

કાઉન્સિલ દ્વારા કાપડ ઉદ્યોગમાં એકસમાન કરના દર લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. અમીરો કોટનના કપડાં પહેરે છે છતાં કોટન યાર્ન પર 5 ટકા જ્યારે ગરીબો પોલિએસ્ટર ફેબ્રિક્સ પહેરે છે તેના સિન્થેટીક યાર્ન પર 18 અને 12 ટકા જેવા કરના દર અન્યાયી છે. તે દૂર કરવા માટે દેશભરના સ્પીનર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ બાબતે કેન્દ્ર સરકારમાં સુરતના કાપડ ઉદ્યોગના વિશાળ હિતને ધ્યાનમાં રાખી રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top