SURAT

યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ ચેટિંગ સાથે સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે માટે ખાસ પ્રકારની ચેટબોટ તૈયાર

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા વિદ્યાર્થીઓ (Students) વોટસ એપ (Whats app), ઉપર ચેટિંગ (Chatting) સાથે સાથે સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે તે માટે ખાસ પ્રકારની ચેટબોટ (Chat bot) તૈયાર કરવામાં આવી છે. સમ્રગ રાજયમાં પ્રથમ વખત કોઇ સરકારી યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની ચેટબોટ બનાવવામાં આવી છે, જેનો આગામી 15 ઓગષ્ટથી વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે.

દક્ષિણ ગુજરાતનાં જ નહીં પણ વિશ્વના કોઇપણ ખુણેથી વિદ્યાર્થીઓ, વાલીઓ, કે પછી મુલાકાતીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માહિતી જાણી શકે, તેમજ વિવિધ પ્રશ્નનાં ઉકેલ લાવી શકે તે માટે વોટ્સ એપ આધારીત ચેટબોટ તૈયાર કરવામાં આવી છે. જેની માહિતી આપતા કુલપતિ કે.એન.ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટની સુવિધા ઉભી કરનાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ સ્ટેટ યુનિ. છે. આ ચેટબોટનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થી, વાલીઓ, સામાન્ય નાગરીકે મોબાઇલમાં 0261-238 8888 નંબર સેવ કરવાનો રહેશે, અને ચેટબોટની સેવા એકટિવ થઇ જશે, અને 24 કલાક માહિતી પૂરી પાડશે. ચેટબોટમાં હાલ યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ, પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષાના સમયપત્રક, પરીણામ, હોલ ટીકીટ, તેમજ એફીલેટેડ કોલેજોની માહિતી, તેમજ યુનિવર્સિટીને સ્પર્શતી માહીતીની વિગતો મેળવી શકાશે.

કુલપતિ કે.એન.ચાવડાનાં 100 દિવસના શાસનમાં 33 કરોડનો ખર્ચ મંજુર, કુલ 70 કરોડના ખર્ચનો ટાર્ગેટ

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આધુનિક બનાવવાનાં સ્વપ્ન સાથે વિકાસનો રોડમેપ તૈયાર કરી રહેલા કુલપતિ કે.એન.ચાવડાએ ગણતરીનાં 100 દિવસનાં શાસનમાં વિદ્યાર્થી હિતના અનેક કામગીરીને પાર પાડી છે. જેમાં પ્રથમ વખત ઓનલાઇન પરીક્ષામાં કુલ 85 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, આ ઉપરાંત ઓનલાઇન ઝુમ મીટિંગ માટે 1000 લોકો જોડાઇ શકે તે પ્રકારનું લાયસન્સ ખરીદવામાં આવ્યું છે, તેમજ સેન્ટ્રલ મોનિટરિંગ રૂમ માટે 19 ટી.વીની નવા 34 કેમેરાની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત 6.22 કરોડનાં ખર્ચે હિન્દી અને સંસ્કૃત ભવન, રૂરલ સ્ટડીઝ નું નવું મકાન 4.06 કરોડ, 1.55 કરોડના ખર્ચે નવું વી.આઇ.પી ગેસ્ટ હાઉસ તેમજ 2.20 કરોડના ખર્ચે નવી કમ્પાઉન્ડ વોલ, 5.37 કરોડનાં ખર્ચે નવી લાયબ્રેરી એમ્ફી થિયેટરનાં સ્ટેજને કવર કરવા માટે 56 લાખનો ખર્ચ સાથે કુલ 33 કરોડના કામ ગણતરીના 100 દિવસમાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 કરોડના ખર્ચે એડમિનિસ્ટ્રેટિવ ભવન, 90 લાખનાં ખર્ચે કુલપતિ બંગલો, 4 કરોડના ખર્ચે નવું કોમર્સ ભવન સહિતના 35 કરોડના ખર્ચે વિવિધ ભવનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.


બે મહિનામાં 1 લાખ 66 હજાર લોકોએ ડિજિટલ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો

કોરોના કાળમાં વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી ધક્કા નહીં ખાવા પડે તે માટે ડિજિટલ હેલ્પલાઇનની સુવિધા ઉભી કરવામાં આવી હતી, જેમાં 1 જુનથી શરૂ કરાયેલી હેલ્પલાઇનની સુવિધામાં 1 લાખ 66 હજાર કરતા વધારે લોકોએ ઉપયોગ કર્યો હોવાના ડેટા યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વપરાશકારોમાં 50499 આઉટગોઇંગ તેમજ 115227 ઇનકમિંગ કોલ નોંધાયા છે.

Most Popular

To Top