વડોદરા: મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિએ 2020-2021 નું રિવાઈઝડ અને 2021-22 નું રૂ.3804.81 કરોડના ડ્રાફટ અંદાજપત્રને બહાલી આપી છે. એક મહત્વનો સુધારો સૂચવ્યો છે. જેમાં એડવાન્સ ટેકસ ભરનારા માટે સામાન્ય કર તેમજ પાણીના દરમાં દસ ટકાની રાહત, તેમજ બિનરહેણાંકમાં સામાન્ય કરમાં પાંચ ટકા અને પાણીના દરમાં પાંચ ટકાની રાહત આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.સ્થાયી સમિતિએ અંદાજપત્રને સમગ્ર સભાની આખરી મંજૂરી માટે મોકલી આપ્યું છે. સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડો.િહતેન્દ્ર પટેલે 2021-22 વર્ષના અંદાજપત્રમાં સૂચવેલા નવા સૂચનો અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સુંદર કરેલા તળાવોમાં પીપીપી ધોરણે રચનત્મક પ્રવૃત્તિ પાણીની રમતો, તથા બોટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોમાં લોહી તથા યુરિનના ટેસ્ટ થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
બગીચાઓને પીપીપી ધોરણે આધુનિકિકરણ તથા નિભાવણી કરવામાં આવશે. તળાવો, બગીચાઓમાં પબ્લિક યુટિલિટિ ઉભી કરવામાં આવશે. હયાત સ્લોટર હાઉસનું નવિનિકરણ કરાશે. ચાર ઝોનમાં વધુ ચાર નવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
પ્રતાપપુરા સરોવરમાં નવિન 100 એમ.એલ.ડી. પાણી સ્ત્રોત ઉભો કરવા માટે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા તે માટે ડેવલપમેન્ટ પ્રોજેકટ િરપોર્ટ તૈયાર કરવામાં આવશે.
માર્ગો ઉપર ડામરનો થર વધતો જાય છે તેથી એ માર્ગના મટીરીયલને ફરીથી ઉપયોગમાં લેવા મિલર મશિન ખરીદવામાં આવશે. વ્હીકલપુલને બે વિભાગમાં વહેંચવામાં આવશે.
વાઘોડિયા ચોકડીથી વૃંદાવન ચાર રસ્તા થઈ ખોડિયારનગર સુધી આવેલા હાઈટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.
વિશ્વામિત્રિ નદી અને તળાવોમાં આવતું ગંદુ પાણી બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. નવનાથ મંિદરોની આસપાસની જગ્યાઓને વિકસાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. નાઈટ સેન્ટરો અને રેઈનબસેરા સ્થાનોને પીપીપી ધોરણે ચલાવવા સૂચન કર્યું છે. જનભાગીદારીથી દરેક ઝોનમાં 24 કલાક લાયબ્રેરી કરવા સૂચન કરેલ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં જનબાગીદારીથી શાકમાર્કેટનું નવિનીકરણ કરવાનું સૂચન કરેલું છે. સ્થાયી સમિતિએ 2021-22 વર્ષના કુલ 3804.81 કરોડના અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપી સમગ્ર સભાની અંતિમ મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિમાં અંદાજપત્રમાં કોઈ ફેરફાર નથી કર્યા.