Columns

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો સમાજની સલામતી માટે જોખમકારક છે?

મહારાષ્ટ્રના કુખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં મુંબઈમાં ગેન્ગવોર તેની ચરમસીમા પર હતી ત્યારે સરકાર દ્વારા અને પોલીસ વડાઓ દ્વારા પણ દયા નાયક, પ્રદીપ શર્મા, સચિન વાઝે, રવીન્દ્ર આંગ્રે વગેરે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને છૂટો દોર આપવામાં આવ્યો હતો, જેનો કામચલાઉ ફાયદો થયો હશે, પણ લાંબા ગાળે સમાજના પોતને ભારે નુકસાન થયું છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો દ્વારા મોટા ભાગના ગુંડાઓને તેમના અડ્ડા પર જઈને ઠાર મારવામાં આવ્યા હતા, પણ જાહેર એવું કરવામાં આવતું હતું કે તેઓ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા છે. કેટલાક ગુંડાઓને તો પકડીને દિવસો સુધી કસ્ટડીમાં ગોંધી રાખવામાં આવતા હતા અને તેમની પાસેથી જરૂરી બાતમી કઢાવી લીધા પછી તેમને ઠાર મારવામાં આવતા હતા. કેટલાક ગુંડાઓ પર ખંડણી ઉઘરાવવાના મામૂલી કેસો હતા તો પણ તેમને મોતની સજા કરવામાં આવી હતી.

મુંબઇ પોલીસના જે ટોચના અધિકારીઓ હોય છે તેઓ માફિયાઓના અડ્ડામાં જઈને પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોતા નથી. બીજી બાજુ પોલીસ દળમાં એવા ડેરડેવિલ જુનિયર ઓફિસરો હોય છે, જેમને ટ્રિગર ચલાવવામાં આનંદ આવતો હોય છે. તેમને ઉપરી અધિકારીઓ દ્વારા ગુંડાઓનાં ઢીમ ઢાળવાનું કામ સોંપવામાં આવે છે અને તેઓ કોઈને બનાવટી અથડામણમાં ઠાર મારે તો તેમનો બચાવ પણ કરવામાં આવે છે.

પોતે જેને ઇચ્છે તેને ઠાર મારવાની સત્તાને કારણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો મધ્યમ વર્ગના હીરો બની ગયા હતા પણ ગેરકાયદે ધંધો કરનારાઓ માટે આતંક બની ગયા હતા. કેટલાક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોએ તેમને મળેલી ગેરબંધારણીય સત્તાનો દુરુપયોગ કર્યો હતો. કેટલાક બિલ્ડરો અને હોટેલ માલિકોને એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ધમકી આપીને તેઓ કરોડો રૂપિયા વસૂલતા હતા અને સમાંતર સરકાર ચલાવતા હતા.

મુંબઇની ક્રાઇમ બ્રાંચનાં પ્રથમ મહિલા વડાં મીરાં બોરવનકરે જોયું કે જે વિસ્તારમાં કહેવાતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો ફરજ પર હોય ત્યાં ખંડણીની ફરિયાદ બહુ વધી જતી હતી. જેવી તે સ્પેશિયાલિસ્ટની બદલી કરવામાં આવે કે ખંડણીની ફરિયાદો ઘટી જતી હતી. કહેવાતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો દ્વારા અબજો રૂપિયાની ગેરકાયદે સંપત્તિ જમા કરવામાં આવી હતી.

તેના તરફ પણ એન્ટી કરપ્શન બ્યૂરો તેમ જ સરકારો આંખ આડા કાન કરતી હતી. ઘણી વખત પોલિસ અધિકારીઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ખંડણીમાં નેતાઓનો પણ ભાગ રહેતો હતો. બદલામાં નેતાઓ તેમને જે ક્ષેત્ર પસંદ હોય તેમાં ટ્રાન્સફર કરતા હતા. મુંબઈ શહેરમાં દહિસર ચેક નાકાનો વિસ્તાર ખંડણી ઉઘરાવતા પોલીસ અધિકારીઓમાં માનીતો હતો, કારણ કે વધુમાં વધુ લેડીઝ બાર તે વિસ્તારમાં આવેલા હતા. મોટા ભાગના એન્કાઉન્ટરો પણ તે ક્ષેત્રમાં જ થતા હતા.

સચિન વાઝે અંધેરીની ક્રાઇમ બ્રાંચના વડા પ્રદીપ શર્માનો માનીતો હતો, જેઓ પોતે પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાતા હતા. સચિન વાઝેએ ૧૯૯૭ અને ૨૦૦૪ વચ્ચે ૬૩ કથિત ગુંડાઓને ઠાર માર્યા હતા. પોલીસના નિયમ પ્રમાણે કોઈ પણ ગુંડાને અથડામણમાં ઠાર મારવામાં આવે તેની મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે.

નવાઇની વાત એ છે કે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી તમામ ૬૩ અથડામણો સાચી હોવાના હેવાલો બહાર પાડવામાં આવ્યા હતા. ૨૦૦૨ માં બોમ્બ બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનુસનું કસ્ટડીમાં મરણ થયું તેને કારણે સચિન વાઝેના પાપનો ઘડો ભરાઈ ગયો હતો.

૨૦૦૪ માં હાઇ કોર્ટના આદેશને પગલે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ૨૦૦૮ માં તે શિવસેનામાં જોડાયો હતો અને પક્ષનો પ્રવક્તા પણ બન્યો હતો. સચિન વાઝે પાસે ૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. તેની તપાસ કરવામાં આવે તો ઘણાં કૌભાંડો બહાર આવે તેમ છે.

સચિન વાઝે શિવસેનામાં જોડાયો તે પછી તેણે પોતાની ખાનગી સુરક્ષા કંપની શરૂ કરી હતી. તેમાં રિટાયર્ડ મિલિટરી અને પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. જેટલા બિલ્ડરો શિવસેનાની નજીક હતા તેમના કોન્ટ્રેક્ટ સચિન વાઝેની કંપનીને મળતા હતા.

કેટલાક બિલ્ડરો જમીનોનું રક્ષણ કરવા તો કેટલાક બીજાની જમીન પચાવી પાડવા ખાનગી સુરક્ષા ગાર્ડનો ઉપયોગ કરતા હતા. કેટલીક બેન્કો દ્વારા લોનની વસુલાત માટે સચિન વાઝેની કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવતા હતા. તેમાં તેના શાસક પક્ષ સાથેના સંબંધો બહુ ઉપયોગી સાબિત થયા હતા.

મુંબઇના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોના જીવન પરથી બોલિવૂડમાં અડધો ડઝન જેટલી ફિલ્મો પણ બની છે. અબ તક છપ્પન ફિલ્મ દયા નાયકના જીવન પરથી બની છે. દયા નાયકે તેની કારકિર્દી દરમિયાન ૮૦ જેટલા ગુંડાઓને ઢાળી દીધા હતા.

૧૯૮૨ માં વડાલામાં માન્યા સુર્વે નામના ગુંડાને ઠાર મારવામાં આવ્યો હતો, જેના પરથી શૂટઆઉટ એટ વડાલા નામની ફિલ્મ બની હતી. ૧૯૯૧ માં મુંબઇના લોખંડવાલા કોમ્પ્લેક્સના મકાનમાં માયા ડોળસ નામના ગુંડાને અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેના પરથી શૂટઆઉટ એટ લોખંડવાલા નામની ફિલ્મ બની હતી. ૨૦૦૭ માં બોલિવૂડમાં રિસ્ક નામની ફિલ્મ આવી તે માફિયા ડોન છોટા રાજનને લઇને બનાવવામાં આવી હતી.

જો કે ફિલ્મમાં કાલ્પનિક રીતે તેને મરતો દેખાડવામાં આવ્યો હતો. ૨૦૦૮ માં દિલ્હીમાં બાટલા હાઉસનું એન્કાઉન્ટર થયું હતું, જેના પરથી બાટલા હાઉસ નામની ફિલ્મ બની હતી. તેમાં જોન અબ્રાહમે સંજીવ યાદવા નામના પોલીસનો રોલ ભજવ્યો હતો. સચિન વાઝેની જિંદગી પરથી પણ મરાઠીમાં ફિલ્મ બની હતી, જેને રેગે નામ આપવામાં આવ્યું હતું.

૧૩ વર્ષ સુધી સસ્પેન્શનમાં રહ્યા પછી સચિન વાઝેને ભેદી સંયોગોમાં પાછો ૨૦૨૦ માં પોલીસ દળમાં લેવામાં આવ્યો હતો. હાઇ કોર્ટના આદેશની પણ અવગણના કરીને મુંબઇના ભૂતપૂર્વ પોલિસ કમિશનર પરમબીર સિંહે તેને કોવિદના બહાને પોલિસ દળમાં પાછો લીધો હતો.

તેને કોવિદની ફરજ સોંપવાને બદલે અદ્યતન ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સચિન વાઝે પ્રમાણમાં જુનિયર હોવા છતાં તેની નીચે સિનિયર અધિકારીઓ કામ કરતા હતા. જેમાં ખંડણી વસૂલ કરી શકાય તેવા વિવાદાસ્પદ કેસો તેને સોંપવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીનો કેસ પણ તેમાંનો એક હતો, પણ મનસુખની હત્યાને કારણે માહોલ બદલાઈ ગયો હતો.

મુકેશ અંબાણીનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવા પાછળ પણ રાજકારણ રમાઈ રહ્યું છે. આ કેસનો છેડો તિહાર જેલમાં રહેલા યાસિન ભત્કલના સાથીદાર સાથે જોડવામાં પણ રમત છે. તેના દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે. આ વાતને સચિન વાઝે દ્વારા રચવામાં આવેલાં કાવતરાં સાથે શું સંબંધ છે?

તે સમજાતું નથી. કદાચ કેન્દ્ર સરકાર દ્વારા તપાસ પોતાના હાથમાં લઈ લેવા માટે તિહારની થિયરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં  મહારાષ્ટ્ર સરકાર ભીંસમાં આવી ગઈ હતી તેવું આ કેસમાં પણ બન્યું છે. જો રાજકીય સોદાબાજી નહીં થાય તો મહારાષ્ટ્ર સરકારનું પતન પણ થઈ શકે છે.

          – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top