Vadodara

કાંસનું પુરાણ કરતા બિલ્ડરો પર ‘કાકા’બન્યા આકરા: પાલિકાએ નોટીસ ફટકારી

વડોદરા: શહેરમાં દંતેશ્વર નજીક રૂપારેલ કાંસને અડીને કેટલીક સાઈટો ઉભી કરવામાં આવી રહી હતી અને તેના દ્વારા કાંસમાં રોડા – છોરું નાખી કાંસનું પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનું ગુજરાત મિત્ર દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું. આ અંગેમેયર તેમજ અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન આ વિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ટાઉન પ્લાનિંગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેની તપાસ બે સાઇટોને નોટિસ બજાવવામાં આવી છે અને કામગીરી બંધ કરાવવામાં આવી છે. એક તરફ વિકાસની વાતો થઇ રહી છે તો બીજી તરફ કેટલાક બિલ્ડરો મળેલ પરવાનગીનુ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે.

કેટલાક બિલ્ડરો તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ કાંસમાં પણ પુરાણ કરી દેતા હોય છે ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલ કાંસને અડીને જ કેટલીય સાઈટો ઉભી થઇ રહી છે. બિલ્ડર દ્વારા અહીં વૈભવી ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહયું છે અને તેના ખોદકામ દરમિયાન જે માટી અને રોડા છોરું નીકળે છે તે કાંસમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાની વિગતો ગુજરાત મિત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. આ અંગે મેયર નિલેશ રાઠોડનું પણ અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ધ્યાન ઉપર આ બાબત આવતા તેઓએ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને તપાસ કરવા જાણ કરી હતી.

તપાસ દરમિયાન ટીપી 39 ફાયનલ પ્લોટ 77 માં બની રહેલ સ્કાય સુન્દરમ તેમજ ટીપી 39 ફાઇનલ પ્લોટ 6માં દર્શનમ બ્લિસ નામના પ્રોજેક્ટને નોટિસ બજાવવામાં આવી છે. આ નોટિસમાં જણાવાયું છે કે બિલ્ડર દ્વારા સાઈટની બાજુમાં આવેલ કાંસમાં રોડા, છોરું તથા ડેબ્રિસનું પુરાણ કરી કાંસ ઉપર દબાણ કાર્ય હોવાની રજૂઆતો મળી હતી જે બાબતે કચેરી ખાતેથી સાઈટ વિઝીટ કરવામાં આવી હતી જે દરમિયાન કાંસમાં ડેબ્રિઝ અને અન્ય રોડા છોરું મળી આવ્યા હતા. આ દૂર ન કરવામાં આવે અને તેના ફોટોગ્રાફ્સ કચેરી ખાતે મોકલવામાં ન આવે ત્યાં સુધી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરે. ધારાસભ્ય યોગેશ પટેલની આ કામગીરીથી નીતિ નિયમો નેવે મૂકીને દબાણો ઉભા કરતા બીલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હજુ અનેક આવી સાઈટો છે જેની પણ તપાસ કરવામાં આવશે.

કાંસનું પૂરાણ શાખી લેવાય નહિ
મારા મતવિસ્તાર અંતર્ગત આવતા બંસલ મોલ નજીક દર્શનમ બ્લિસ અને સ્કાય સુન્દરમ દ્વારા વરસાદી કાંસમાં પુરાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત આવી હતી જેના આધારે ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને સ્થળ મુલાકાત લેવા જણાવ્યું હતું જેમાં દબાણ જણાતા તેઓને નોટિસ આપવામાં આવી છે અને કામગીરી બંધ કરાવવામાં આવી છે. વિકાસ જરૂરી છે પરંતુ કાંસનું પુરાણ શાખી લેવાય નહી – યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર

Most Popular

To Top