કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ સરકાર તેની જાહેરાત કરતી નથી. ભૂતપૂર્વ લશ્કરી વડા એવા વી.કે. સિંહના આ નિવેદન અંગે હવે ચીને કહ્યું છે કે ભારત એ કબૂલ કરી રહ્યું છે કે તેણે ચીનની હદમાં ઘૂસણખોરી કરી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વેંગ વેનબિને કહ્યું હતું કે ભારત દ્વારા અજાણતામાં કરવામાં આવેલું આ કબૂલાતનામુ છે. ચીની પ્રવકતાએ કહ્યું કે ઘણા લાંબા સમયથી ભારત ચીનની હદમાં ઘૂસણખોરી કરતું રહ્યું છે. ભારતની કોશીશ અતિક્રમણ કરવાની છે અને ભારત-ચીન સરહદ પર તનાવ વધવાનું કારણ આ છે.
વેંગ વેબિને કહ્યું કે અમે અપીલ કરી છે કે તે ભારત ચીનની સરહદનું સન્માન કરે, તે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં સહયોગ આપે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મદુરાઇમાં સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય પરિવહન મંત્રી વી.કે. સિંહે કહ્યું હતું કે તમારામાંથી કોઇને ખબર પણ નહીં હશે કે આપણે કેટલી વખત અતિક્રમણ કર્યું? હું તમને જણાવું છું, જો ચીને દસ વખત ઘૂસ્ણખોરી કરી હોય તો આપણે ઓછામા ઓછી પ૦ વખત કરી હશે, પણ અમે આની જાહેરાત કરતા નથી.
ચીનના આવા નિવેદન પછી કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આજે માગણી કરી હતી કે બેજવાબદાર રીતે બોલીને ચીનને મદદ કરનાર કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહની મંત્રીમંડળમાંથી કહાલપટ્ટી કરવામાં આવે. શા માટે ભાજપના મંત્રી ચીનને ભારત વિરુદ્ભ કેસ બનાવવામાં મદદ કરે છે. જો તેમને કાઢવામાં નહીં આવે તો તે આપણા જવાનોનું અપમાન ગણાશે એમ તેમણે કહ્યું હતું.