Columns

સારા કર્મનું પુણ્યફળ

એક દિવસ નારદજી ભગવાન વિષ્ણુ પાસે ફરિયાદ લઈને ગયા.તેમણે ભગવાન નારાયણને નમન કરીને ફરિયાદના સૂરમાં કહ્યું, ‘ભગવન,આપ સૃષ્ટિના પાલનકર્તા છો પણ મને લાગે છે કે આ પૃથ્વી પર અને પૃથ્વીવાસીઓ પર તમારો પ્રભાવ સાવ ઓછો થઈ ગયો છે.જે માનવધર્મનું પાલન કરે છે તેમને કોઈ સારું ફળ મળતું નથી અને જે લોકો તમને ભૂલીને પાપ કરે છે તેઓ ખુશ છે. તેમનું ભલું જ થાય છે.’ ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘દેવર્ષિ, મારું કામ બધાનું પાલન કરવાનું છે બાકી જેને જે મળે તે બધું નિયતિ પ્રમાણે જ થાય છે.’નારદજી બોલ્યા, ‘પ્રભુ, હું હમણાં જ પૃથ્વી પરથી આવ્યો છું.અત્યારે ત્યાં જે પાપી છે તેમને સારું ફળ મળી રહ્યું છે, જાણે તેના પાપનું ઇનામ હોય અને જે સારું કામ કરે છે તેમને ખરાબ ફળ મળી રહ્યું, જાણે તેના પુણ્યની સજા હોય.’

વિષ્ણુ ભગવાન બોલ્યા, ‘નારદજી, એવું તે તમે શું જોયું મને જણાવો.’નારદજી બોલ્યા, ‘પ્રભુ એક જંગલમાં એક દલદલવાળા કાદવમાં એક ગાય ફસાઈ ગઈ હતી. આખો રસ્તો કાદવથી ભરેલો હતો. એક ચોર ત્યાંથી પસાર થયો અને ગાયની મદદ કરવાને બદલે દલદલવાળા કાદવથી બચવા ગાય પર ચઢી આગળ કૂદી ગયો અને થોડે આગળ જતાં તેને સોનામહોરો ભરેલી પોટલી મળી.ચોરે પાપ કર્યું તો પણ ઇનામ મળ્યું અને થોડી વાર પછી એક સંત ત્યાંથી પસાર થયા. મહામહેનતે તેમણે વડની વડવાઈની મદદથી ગાયને બહાર ખેંચી કાઢી અને પછી આગળ વધતાં તેઓ પોતે એક ખાડામાં પડ્યા અને તેમને વાગ્યું.હવે તમે જ કહો, હું સાચું જ કહું છું ને આ તો અન્યાય છે.’ ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘નારદજી,નિયતિની રીત સમજવી બહુ અઘરી છે.

જે થયું તે બરાબર જ થયું છે. કોઈ અન્યાય નથી થયો.ચોરના ભાગ્યમાં ખજાનો હતો જેથી એને જીવનભર ચોરી ન કરવી પડત પણ તેણે ગાય પર પગ મૂકી કૂદવાનું પાપ કર્યું એટલે તેના ફળ સ્વરૂપે તેને માત્ર એક સોનામહોરની પોટલી મળી.અને હવે કરીએ સંતની વાત, સંતનું તે દિવસે મૃત્યુ લખેલું હતું પણ તેમણે ગાયનો જીવ બચાવ્યો એટલે તેમને જીવતદાન મળ્યું.મૃત્યુને સ્થાને માત્ર ખાડામાં પડીને થોડી ઈજા જ મળી.એટલે જે થાય છે તે બધું નિયતિના નિયમ પ્રમાણે જ થાય છે. સારા કર્મનું પુણ્યફળ મળે જ છે.’ભગવાને નારદજીને સમજાવ્યું. હંમેશા સારાં કર્મ કરતાં રહો,સારા કર્મનું પુણ્યફળ ભાગ્ય બદલી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top