અમરોલીના સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વિરપુરની જનતામાં રોષની લાગણી ફેલાઇ છે. વિરપુરમાં આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. જેમાં વિરપુર બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ મંદિરે આવીને માફી માગે એવી માગ કરાઇ છે. જેના માટે બે દિવસનો સમય અપાયો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી માફી ન માગે ત્યાં સુધી વિરપુર બંધનું એલાન કરાયું છે.
વિરપુરમાં જુદા-જુદા સમાજના લોકો ભેગા થયા છે. રોષે ભરાયેલા લોકોએ આજે મંગળવારે જલારામ મંદિર સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બંધના એલાનને પગલે દુકાનદારો પણ પોતાની દુકાન બંધ કરતા જોવા મળ્યા હતા. મહત્વની વાત એ છે કે માત્ર આવશ્યક ચીજવસ્તુઓની જ દુકાનો વિરપુરમાં ખુલ્લી રહેશે. જો સ્વામી માફી નહીં માગે તો 6 માર્ચના રોજ આગામી રણનીતિ જાહેર કરાશે.
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે, આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં. તેમણે કહ્યું આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે.
નથવાણીએ કહ્યું આ અગાઉ પણ સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન ધર્મ મામલે ટિપ્પણીઓ કરી છે. જલારામ બાપા માત્ર વીરપુર અને સૌરાષ્ટ્ર નહીં પરંતુ વિશ્વભરના લોકોના હૃદયમાં વસે છે. વીરપુર જલારામ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં તમામ ધર્મના અને તમામ જ્ઞાતિના લોકોને ભોજન આપવામાં આવે છે.
શું કહ્યુ હતું જ્ઞાનપ્રકાશ સ્વામીએ ?
‘જલારામા બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે’ તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું હતું. તેમના આ નિવેદન પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને ગુણાતીત સ્વામી વીરપુર આવ્યા ત્યારે જલારામબાપા તેમને લેવા ગયા હતા. ગુણાતીત સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાની વાત પણ તેમણે કહી.
જલારામ ભક્તોએ શું કહ્યું?
ભક્ત ભરતભાઈ ગઢિયાએ જલારામ બાપાના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે જલારામ બાપાનું પ્રથમ પુસ્તક 1947માં સૌભાગ્યચંદ રાજદેવે પ્રકાશિત કર્યુ હતું. ખૂબ સંશોધન પછી બહાર પડેલા પુસ્તકમાં ગુણાતિત સ્વામીનો ઉલ્લેખ નથી. જલારામ બાપાના ગુરૂ ભોજલરામ બાપા અને ઇષ્ટદેવ રામ ભગવાન છે. સ્વામીનારાયણના સંતો મહાભારત અને અત્યારની વાતો ભેગી કરે છે. સ્વામી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવશે ત્યારે જ વિવાદનો અંત આવશે.
