નવી દિલ્હી: ક્રિકેટજગતમાં લોકોના દિલો પર રાજ કરનાર વીરેન્દ્ર સેહવાગના (Virender Sehwag) આજે પણ લોકો દિવાના છે. ક્રિકેટના (Cricket) દિવાનાઓને ફેવરિટ છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ ODI સ્ટાઈલની બેટિંગ અને પહેલા જ બોલમાં આઉટ કરનાર વીરેન્દ્ર સેહવાગને સૌથી ખતરનાક ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગે એવી ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી જે આજે પણ યાદ કરવામાં આવે છે. હવે સેહવાગે ક્રિકેટને અલવિદા કહી દીધું છે પરંતુ હવે તેનો પુત્ર આર્યવીર સેહવાગ (Aryavir Sehwag) ધમાલ મચાવવા માટે તૈયાર છે. સેહવાગના મોટા પુત્ર આર્યવીરને દિલ્હીની ટીમમાં તક મળી છે. વીરેન્દ્ર સેહવાગના પુત્રએ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં પગ મુક્યો છે.
BCCI દ્વારા આયોજિત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી (Under-16 Vijay Merchant Trophy) માટે દિલ્હીની ટીમમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 15 વર્ષનો આર્યવીર હવે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિલ્હીની ટીમ હાલમાં બિહાર સામે તેની મેચ રમી રહી છે, જોકે આ મેચમાં આર્યવીરને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની એન્ટ્રી મોટા લેવલે થઈ છે, એવામાં ફેન્સ ફરી એકવાર મેદાન પર વીરેન્દ્ર સેહવાગની ઝલક જોઈ શકે છે.
આર્યવીર જમણા હાથનો બેટ્સમેન છે અને તેની શૈલી તેના પિતા જેવી જ છે. સોશિયલ મીડિયા પર આર્યવીરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બોલરો સામે ઉતાવળા અંદાજમાં એરિયલ શોટ રમતા જોવા મળી રહ્યા છે. તેના પિતા પણ સ્પિનરો સામે આક્રમક બેટિંગ કરતા હતા અને આર્યવીરની શૈલી પણ એવી જ છે.
આર્યવીરને બિહાર સામે તક મળી ન હતી
જણાવી દઈએ કે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં દિલ્હીએ બિહાર સામે આર્યવીર સેહવાગને તક આપી ન હતી. તેની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ન હતી. જોકે આ મેચમાં દિલ્હીની ટીમની બેટિંગ શાનદાર રહી હતી. ઓપનર સાર્થક રેએ 104 બોલમાં 128 રનની ઇનિંગ રમી હતી. સચિને અણનમ સદી ફટકારી હતી. પ્રણવે પણ અડધી સદી ફટકારી હતી.
દિલ્હી અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી ટીમઃ અર્ણવ બગ્ગા (કેપ્ટન), સાર્થક રે, પ્રણવ, સચિન, અનિન્દો, શ્રે સેઠી (વિકેટમેન), પ્રિયાંશુ, લક્ષ્મણ, ઉદ્ધવ મોહન, ધ્રુવ, કિરીટ કૌશિક, નાયતિક માથુર, શાંતનુ યાદવ મોહક કુમાર, આર્યવીર સેહવાગ
ભારતના દિગ્ગજ ક્રિકેટરોના પુત્રો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે
સેહવાગના પુત્ર પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓના પુત્રો ક્રિકેટના મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર પણ સખત મહેનત કરી રહ્યો છે અને મુંબઈ બાદ હવે તે ગોવાની ટીમ સાથે રમી રહ્યો છે. આ સાથે તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પણ એક ભાગ છે. સંજય બાંગર, નયન મોંગિયા, રાહુલ દ્રવિડના પુત્રો પણ ક્રિકેટ રમે છે. આર્યવીરે હમણાં જ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ટોચના સ્તર પર સારી ઇનિંગ્સ રમશે અને એક દિવસ તેના પિતાની જેમ ટીમ ઇન્ડિયાને જીતાડશે. તેને દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાં ક્યારે તક મળે છે તે જોવું રહ્યું.
આર્યવીર સેહવાગના ઈન્સ્ટાગ્રામ પર જોઈએ તો તેણે બેટિંગના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના પિતા વીરેન્દ્ર સેહવાગ જેવું વલણ અપનાવતા અને નેટ્સમાં બોલરોને ફટકારતો જોવા મળે છે. જો વીરેન્દ્ર સેહવાગના રેકોર્ડની વાત કરીએ તો તેની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. સેહવાગે ભારત માટે 104 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 50ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. તેમજ વીરેન્દ્ર સેહવાગે 251 વનડેમાં 35ની એવરેજથી 8273 રન બનાવ્યા છે.