ભારતના સ્ટાર બેટ્સમેન (Indian Star Batsman) વિરાટ કોહલીને (Virat Kohli) મંગળવારે ઈન્દોરમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચમાંથી (ODI) આરામ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રવિવારે ગુવાહાટીમાં ભારતીય ટીમે શ્રેણી જીત્યા બાદ કોહલી સોમવારે સવારે મુંબઈ જવા રવાના થયો હતો. જ્યારે આખી ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે. મતલબ કે વિરાટ કોહલી છેલ્લી T20 મેચ નહીં રમે. એશિયા કપ 2022થી વિરાટ શાનદાર ફોર્મમાં છે.
- વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20Iમાંથી બહાર થઈ ગયો
- કોહલીને અંતિમ T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો
- શ્રેયસ અય્યરને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે
- શ્રેણીની છેલ્લી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે
એશિયા કપ બાદ વિરાટ કોહલીએ 10 ઇનિંગ્સમાં 404 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ પણ 141થી વધુ રહ્યો છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી છે. એશિયા કપ બાદથી તે સતત ટીમનો ભાગ છે. તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં પણ શાનદાર બેટિંગ કરી હતી અને ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે પણ 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.
વિરાટ કોહલી કેમ નહીં રમે?
આ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે વિરાટ કોહલીને અંતિમ T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચ બાદ ભારતીય ટીમ મુંબઈ જશે જ્યાં કોહલી ટીમ સાથે જોડાશે. ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ 6 ઓક્ટોબરે મુંબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જ્યાં ટીમ 15 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને 17 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ગ્રુપ 2માં હાજર ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સુપર 12માં પ્રથમ મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
વિરામ બાદ કોહલીએ જૂની ગતિ પકડી
વિરાટ કોહલી આ દિવસોમાં ફરી એકવાર પોતાની જુની લયમાં જોવા મળી રહ્યો છે. તેણે રવિવારે 28 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ મેચ 16 રને જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કોહલીને આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ODI અને T20I શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે વિરાટને આરામ આપવા અંગે પણ સવાલો ઉઠ્યા હતા કારણ કે તે સમયે તે સારા ફોર્મમાં નહોતો. બાદમાં કોહલીએ કબૂલ્યું હતું કે બ્રેક દરમિયાન તેણે બેટને સ્પર્શ પણ કર્યો ન હતો.
વિરાટની જગ્યાએ કોને મળશે તક?
જોકે આરામ લીધા બાદ વિરાટ કોહલીએ ખૂબ જ સારી વાપસી કરી હતી અને એશિયા કપમાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી. દરમિયાન લગભગ ત્રણ વર્ષની રાહ જોયા પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ સદી અને એકંદરે તેની 71મી સદી પણ ફટકારી હતી. બીજી તરફ દીપક હુડ્ડાની ઈજાને કારણે ટીમમાં લેવામાં આવેલા શ્રેયસ અય્યરને કોહલીની જગ્યાએ મંગળવારે યોજાનારી ત્રીજી T20 માટે પ્લેઈંગ 11માં જગ્યા મળી શકે છે. ભારતીય ટીમ પહેલા જ શ્રેણી જીતી ચૂકી છે અને હવે ટીમની નજર ઈન્દોરમાં ક્લીન સ્વીપ પર રહેશે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે આ પ્રથમ ઘરઆંગણે ટી20 શ્રેણી જીતી છે.