તlજેતરમાં પૂરા થયેલાં T20 વર્લ્ડકપ સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ કેપ્ટન હતો, વિરાટ કોહલી. હવે વિરાટ કોહલી પાસેથી બે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. વિરાટ હવે માત્ર ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. જે રીતે વિરાટ કોહલીને કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યો છે તે પદ્ધતિ બરાબર નથી, વિવાદના ઘેરામાં છે. વિરાટને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાતના લગભગ દોઢ કલાક પહેલાં જ જાણ કરવામાં આવી હતી કે તે હવે ODI ટીમનો કેપ્ટન નથી.
આ ઘટના પર સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના બે અલગ-અલગ નિવેદનો પણ આવ્યા હતાં. બોર્ડના પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે, જ્યારે વિરાટ T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન પદ છોડવાનો નિર્ણય કરી રહ્યો હતો ત્યારે તેણે કોહલી સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. જો કે, વિરાટે સ્પષ્ટ કહ્યું હતું કે, બોર્ડના કોઈ અધિકારીએ તેની સાથે આ વિશે કોઈ વાતચીત કરી નથી. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા પ્રમુખ અને ટીમના સર્વેસર્વા કપ્તાન ખુદ એકબીજાથી વિરોધાભાષી નિવેદન આપી રહ્યાં છે ત્યારે સમજાઈ રહ્યું છે કે, કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે!
વિરાટ અને ગાંગુલીના આ નિવેદનોની દેશમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી કીર્તિ આઝાદનું નિવેદન આવ્યું છે. કીર્તિ આઝાદનું કહેવું છે કે પસંદગીકારોએ સૌરવ ગાંગુલીની મંજૂરી લીધા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લેવો જોઈતો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. કપ્તાનને બદલતા પહેલાં બોર્ડના અધ્યક્ષ પાસેથી મંજૂરીની મહોર મેળવવી જરૂરી છે. પસંદગીકારોએ પહેલાં પ્રમુખ પાસે જવું જોઈતું હતું. સામાન્ય રીતે કોઈ ટીમ પસંદ કરવામાં આવે છે, ત્યારે ટીમની પસંદગી પછી પ્રમુખ પાસે જઈએ છીએ. પ્રમુખ જૂએ કે બધું બરાબર છે પછી તેના પર સહી કરે છે અને ત્યાર પછી તેની જાહેરાત કરવામાં આવે છે.
પોતે ટીમના સિલેક્ટર હતા ત્યારનાં દિવસોને યાદ કરીને આઝાદે કહ્યું, જ્યારે હું પણ સિલેક્ટર હતો ત્યારે આવું જ થતું હતું. હું આવું કહી રહ્યો છું તેનો મતલબ પસંદગીકારોનું અપમાન કરવાનો નથી, પરંતુ કોહલીનો ક્રિકેટ રમવાનો અનુભવ પસંદગીકારો કરતા ઘણો વધારે છે! તમે કોઈપણ ફોર્મેટ માટે કેપ્ટન બદલતા હોવ ત્યારે અધ્યક્ષને પત્ર લખીને જાણ તો કરવી પડેને? વિરાટ નારાજ નથી, પરંતુ મને લાગે છે કે તેને જે રીતે જાણ કરવામાં આવી છે તેનાથી તે દુ:ખી છે. વધુમાં કીર્તિ આઝાદે કહ્યું કે, હું એમ કહેવા માંગતો નથી કે તમામ પસંદગીકારો ખરેખર મહાન લોકો છે, પરંતુ જો તમે તેમની કુલ મેચોની સંખ્યા જોશો તો તે વિરાટ રમ્યો છે તેનાંથી અડધી પણ નહીં હોય.
કીર્તિ આઝાદે આવું કહીને સ્પષ્ટ કરી દીધું છે કે, એવો કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં વિરાટને વામણો બનાવવાની કોશિશ થઈ રહી છે. હાલ ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. 3 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રોહિત શર્માને ODI અને T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. હવે વિરાટ માત્ર ટેસ્ટમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. જો કે, કેપ્ટન તરીકે રોહિતની નિમણૂક પછી એવા અહેવાલો આવ્યા હતા કે કોહલી ODIની કેપ્ટનશિપ ગુમાવ્યા પછી ગુસ્સામાં છે અને ODI શ્રેણી માટે આરામ પણ લેશે. એટલું જ નહીં, ટીમમાં કોહલી અને રોહિત વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
આજના યુવાદિલોની ધડકન ગણાતો વિરાટ નામથી જ વિરાટ નથી, નાની ઉંમરમાં ઘણા વિરાટ કામો કર્યા છે. ઘરમાં પિતાનો પાર્થિવદેહ પડ્યો હોય અને ટીમ માટે બેટિંગ કરવા મેદાનમાં પહોંચવું પડે એ નાનાંસૂનાં માણસોનું કામ નથી, એનાં માટે વિરાટ હૃદય જોઈએ! 1988ની 5 નવેમ્બરે દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલી વકીલ હતા. માતા સરોજ ગૃહિણી છે. એક મોટો ભાઇ (વિકાસ) અને એક મોટી બહેન (ભાવના) છે. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, તેણે માત્ર 3 વર્ષની ઉંમરે બેટ પકડી લીધું હતું. તે તેના પિતા સાથે ઘણીવાર ક્રિકેટ રમતો. 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. 2008માં તેની કેપ્ટનશિપમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
તે વર્ષે જ તેણે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. વિરાટની ટીમ ઇન્ડિયામાં પહેલી મેચ હતી ત્યારે શું હાલત થઈ હતી એ વિશે તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. વિરાટનું કહેવું હતું કે, જેને તમે નાનપણથી રોલ મોડેલ માનતા હોવ, TV પર જોતા આવ્યાં હોવ… અને એ જ પર્સનાલિટીને રૂબરૂ થવાનો સમય આવે ત્યારે તમારી હાલત શું થાય? વાત છે વર્ષ ૨૦૦૯ની. ડેબ્યૂ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વખત વિરાટ ફેઇસ ટુ ફેઇસ સચિન તેંડુલકરની સામે આવવાનો હતો. જેને ક્રિકેટ રમતાં જોઈને વિરાટ કોહલી મોટો થયો હતો અને આ પ્રોફેશનમાં આવ્યો હતો એ આઇડલ મળવાના હોવાથી બે દિવસથી વિરાટ સૂઈ પણ શક્યો ન હતો. વિરાટે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો તેનાં પછી બે દિવસ સુધી તો સૂઈ પણ શક્યો ન હતો.
એ જ વિચારતો રહ્યો હતો કે, સચિન તેંડુલકર સાથે રૂબરૂ મીટિંગ થવાની છે. મેં નક્કી કર્યું હતું કે, ડ્રેસિંગરૂમમાં સચિનને રૂબરૂ મળીશ. હું સચિનને મળવા માટે એક્સાઇટેડ હતો એ બાબતની જાણ મારાં ટીમ મેમ્બર્સને થઈ ગઈ હતી. વિરાટ વધુમાં કહે છે, એ વખતે યુવી, મુનાફ, ભજ્જી અને ઈરફાને મારું બ્રેઇનવૉશ કરીને મારાં મગજમાં એવું ભરાવી દીધું કે, કોઈ નવો પ્લેયર આવે એટલે ઇન્ડિયન ડ્રેસિંગરૂમમાં સૌથી પહેલાં સચિન સામે માથું ટેકવે છે. આ અહીંનો રિવાજ છે. મેં આ લોકોની વાત માની પણ લીધી હતી. ડ્રેસિંગરૂમની અંદર જ લૉકરરૂમમાં જ્યારે સચિન અને હું આમને-સામને આવી ગયાં ત્યારે મેં તેમનાં પગમાં માથું ટેકવવા માટે પ્રયાસ કર્યો અને હું નીચે નમ્યો હતો. આ જોઈને સચિન તેંડુલકર બે ડગલાં પાછળ જતાં રહ્યાં હતાં. સચિને વિરાટને પૂછ્યું કે, આ શું કરે છે? ત્યારે વિરાટે ઊભાં થતાં સચિનને આખી વાત જણાવી હતી. સચિન વિરાટની વાત સાંભળીને ચોંકી ગયો હતો. તેણે વિરાટને કહ્યું હતું કે, આ લોકો તારી મજાક કરી રહ્યાં છે. આવી કોઈ ટ્રેડિશન નથી.
આ એક જ એવી વાત નથી જે વિરાટ સાથે જોડાયેલી હોય. વિરાટ કોહલી કહે છે કે, એ પહેલાં ખુબ જ અંધશ્રદ્ધાળું હતો. નાની નાની વાતમાં શંકા કરતો હતો. મેદાનમાં ઊતરતા પહેલાં જમણા હાથમાં કાળી બેન્ડ પહેરીને જ ઊતરતો હતો. જો કે, આજે આ બેન્ડ તેની આદત બની ગઈ છે. વિરાટ એવું માનતો હતો કે, તેની પાસે રહેલાં અમૂક ગ્લવ્ઝ, પેડ, બેટ લક્કી છે જેથી તેની સાથે જ તે સારું પર્ફોર્મ કરી શકે છે. ઇંગ્લેન્ડમાં એક મેચ વખતે વિરાટનો મૂડ ઓફ હતો.
આ જોઈને ધોનીએ તેને મૂડ ઓફનું કારણ પૂછ્યું હતું. વિરાટે કહ્યું, તેનાં લક્કી ગ્લવ્ઝ ખરાબ થઈ ગયાં છે, હવે બેટિંગ કેવી રીતે કરી શકશે? આ સાંભળીને MS સરપ્રાઇઝ થયો હતો. તેણે વિરાટને સલાહ આપી હતી કે, આજે તું નવું બેટ, નવા પેડ અને નવા ગ્લવ્ઝ સાથે મેદાનમાં જા. વિરાટે MSની વાત માનીને નવા બેટ અને પેડ-ગ્લવ્ઝની નવી પેર સાથે મેદાનમાં ઊતર્યો હતો. તે દિવસે વિરાટે સેન્ચૂરી બનાવી હતી. MSની સલાહ બાદ તે દિવસથી વિરાટ આ બધી માન્યતાઓમાંથી બહાર નીકળ્યો હતો.
વિરાટ ફક્ત નામનો જ નથી, તેનું હૃદય પણ વિરાટ છે. એટિટ્યૂડમાં ભલે ફ્લેમબૉયન્ટ લાગે પણ વૅલ્ફેર માટે ક્યારેય પાછળ પડતો નથી. ૨૦૧૭માં વિરાટે જાહેર કર્યું હતું કે, હું એવી કોઈ એડમાં કામ નહીં કરું જેનાંથી દેશના ન્યુ જનરેશનના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય. કોહલીએ એવું નક્કી કર્યું હતું કે, પોતે જે પ્રોડક્ટ વાપરતો હશે અને સ્વાસ્થ્ય માટે ઉચિત સમજતો હશે તેનાં માટે જ એન્ડોર્સ કરશે. કોહલી એક દિવસના ૪.૫ કરોડ રૂપિયાથી લઈને ૫ કરોડ સુધીની ફી વસૂલે છે, તેવા સમયે પેપ્સીની એડ શૂટ કરવાની ના પાડી દીધી હતી. કોહલીનું કહેવું છે કે, આજનું જનરેશન તેને ફિટ સ્પોર્ટમેન સમજે છે ત્યારે હેલ્થ માટે જે પ્રોડક્ટ નુક્સાનકારક છે તેની એડ પોતે નહીં કરે. કોહલી કહે છે કે, આવી એડ કરવી મતલબ આજના જનરેશનને ખોટી રાહ દેખાડવી એવો થાય.
વિરાટનાં વિરાટ કામો!!
- વર્ષ 2018માં તેને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, ICCમેન્સ ઓડીઆઇ ક્રિકેટર ઓફ ધ યર, કેપ્ટન ઓફ ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર અને કેપ્ટન ઓફ ICC મેન્સ ઓડીઆઇ ટીમ ઓફ ધ યર એવોર્ડથી નવાજાયો.
- વિરાટે પેપ્સી અને ફેર એન્ડ લવલી ક્રીમની એડ લાંબા સમય સુધી કરી, પણ 2017માં બે કારણથી તેણે આ બંને એડ કરવાની ના પાડી દીધી. પહેલું – તે પોતે આ પ્રોડક્ટ્સ નથી વાપરતો. બીજું – ફિટનેસ માટે તે યુવાઓનો આદર્શ હોવાને કારણે આવી એડ્સ તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
- 2011માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રે. દર્શકોએ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહેવાનું શરૂ કરી દેતાં વિરાટે મિડલ ફિંગર બતાવી દીધી. તે બદલ તેને 50% મેચ ફીનો દંડ કરાયો હતો.
- 2015માં ભારતીય ટીમ પર્થમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ત્યાં સ્થાનિક મીડિયા આવ્યું હતું. મીડિયાને જોતાં જ વિરાટ ગુસ્સામાં મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો. મૂળે ત્યાંના અખબારમાં અનુષ્કા વિશે ઘણું લખાયું હતું, જેના કારણે વિરાટ નારાજ હતો.
- BCCIના નિયમાનુસાર મેચ વખતે ખેલાડી માત્ર સાથી ખેલાડીઓ, કોચ અને સ્ટાફ સાથે જ વાત કરી શકે. 2015ની IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચ દરમિયાન બોક્સમાં અનુષ્કા શર્મા સાથે વાત કરતો દેખાયો હતો. જો કે, વોર્નિંગ આપીને વિરાટને છોડી દેવાયો હતો.
- 2016માં પૂર્વ સુકાની અનિલ કુંબલે ટીમનો કોચ હતો. કુંબલેની શિસ્ત વિરાટ સહિતના ખેલાડીઓને માફક આવી ન હતી. 1 વર્ષમાં જ કુંબલેએ કોચપદ છોડવું પડ્યું હતું. જો કે કુંબલેએ સ્વીકાર્યું હતું કે, કોહલી અને તેની વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હતું.