National

હવે લેહમાં Gen-Zનું હિંસક વિરોધ પ્રદર્શન, ભાજપ કાર્યાલયને આગ ચાંપી, શું છે મામલો..

આજે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લાં કેટલાંય દિવસોથી પર્યાવરણવિદ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે.

દરમિયાન આજે સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તોફાની પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. CRPFના એક વાહનને પણ આગ ચાંપી દેવામાં આવી. આ દરમિયાન એક ટોળું ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યું હતું, તેમાં કેટલાંક તોફાનીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.

પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, જ્યારે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો.

વાંગચુકના નેતૃત્વ હેઠળની લદ્દાખની સર્વોચ્ચ સંસ્થા લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. સોનમ વાંગચુક 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. લદ્દાખ બંધ દરમિયાન આજે લેહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

વાંગચુકના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ચાર માંગણીઓ છે. આ કાર્યક્રમ દરમિયાન એક રેલી પણ કાઢવામાં આવી હતી. ગઈ તા. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતો લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યો. હવે આ જ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે.

ચાર માંગણીઓ શું છે?

  • લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ.
  • લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવું જોઈએ.
  • લદ્દાખમાં બે લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી છે.
  • લદ્દાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો.

Most Popular

To Top