નવી દિલ્હી: રાજધાની પેરિસ (Paris) સહિત આખાય ફ્રાન્સમાં (France) છેલ્લા 3 દિવસથી હિંસા (Riots) ફાટી નીકળી છે. 17 વર્ષની નાહેલના (NahelDeath) મોત બાદ ફ્રાન્સમાં આજે જે થઈ રહ્યું છે તેને છેલ્લા દાયકાનું સૌથી ખરાબ તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓ અહીં ખુલ્લેઆમ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે.
સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ છે કે દેખાવકારોના મનમાં પોલીસનો ડર નથી. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી લૂંટ અને આગચંપીમાં અબજોનું નુકસાન થયું છે. તોફાનીઓ લૂંટ કરી બધું સળગાવવાના ઇરાદે સતત તોફાન કરી રહ્યાં છે. હવે તેમનાથી કંઈ સુરક્ષિત નથી.
ફ્રાન્સમાં આ રમખાણને રોકવા માટે 50 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ વિરોધીઓ કોઈનાથી ડરતા નથી. વિરોધીઓ કારનો ઉપયોગ દરવાજો તોડવા માટે કરે છે અને દરવાજો તૂટતાની સાથે જ ભીડ અંદર દોડે છે. બધું તબાહ થઈ રહ્યું છે.
પેરિસમાં હિંસાને કારણે બસ ટ્રાન્સપોર્ટેશન અટકી ગયું છે. ડઝનેક બસો નાશ પામી છે. શુક્રવારે પેરિસમાં બસ અને ટ્રામ લાઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. એક ડેપોમાં રાતોરાત એક ડઝન વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા અને કેટલાક માર્ગો અવરોધિત અથવા નુકસાન થયું હતું. દુકાનો, ઓફિસો, બેંકો, શોપિંગ મોલ, પુસ્તકાલયો અને શાળાઓ વિરોધીઓના નિશાને છે. સ્થિતિ બગડતી જોઈને ફ્રાન્સના પીએમએ મંત્રીઓ સાથેની બેઠક બાદ જાહેરાત કરી કે ફ્રાન્સમાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી શકે છે.
રમખાણોના ત્રીજા દિવસે 249 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે પોલીસે 875 લોકોની ધરપકડ કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને બાળકોના નબળા ઉછેરને જવાબદાર ઠેરવ્યા છે.
શુક્રવારે પૂર્વીય શહેર સ્ટ્રાસબર્ગમાં દિવસભર લૂંટફાટ થઈ હતી, જ્યાં તોફાનીઓએ એપલ સ્ટોર અને અન્ય દુકાનોને નિશાન બનાવી હતી. લોકપ્રિય પ્રવાસી વ્યુક્સ-પોર્ટ જિલ્લામાં યુવાનોએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યા બાદ શુક્રવારે સાંજે દક્ષિણના શહેર માર્સેલીમાં પોલીસે ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો. પેરિસના ઓછામાં ઓછા ત્રણ શહેરો અને દેશભરના અન્ય કેટલાક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
શા માટે ફાટી આ હિંસા
ફ્રાન્સમાં મંગળવારથી તોફાનો થઈ રહ્યાં છે. રાજધાની પેરિસને અડીને આવેલા નાનટેરે શહેરમાં પોલીસ ફાયરીંગમાં એક 17 વર્ષના છોકરાના મોત બાદ આ હિંસા ફાટી નીકળી છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામનાર યુવક કથિત રીતે ખોટી રીતે કાર ચલાવતો હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
મૃત્યુ પામનાર સગીર આફ્રિકન મૂળનો હતો પરંતુ આ ઘટનાના વિડિયોએ પોલીસનો જૂઠનો પર્દાફાશ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે પોલીસ અધિકારીઓ નાનટેરેના રસ્તા પર પીળી કારને રોકીને વાત કરે છે. આ દરમિયાન થોડીક દલીલબાજી થાય છે અને ડ્રાઈવરે અચાનક કારની સ્પીડ વધારી દીધી હતી. ત્યારબાદ પોલીસ અધિકારી ડ્રાઈવરને માથામાં ગોળી મારી દે છે અને આ કાર આગળ જઈને દિવાલ સાથે અથડાઈ જાય છે. 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.