શ્રીલંકામાં લોકોની ધીરજ ખૂટી, સ્થિતિ કાબુ બહાર થતા રાષ્ટ્રપતિનાં રાજીનામાંની માંગ સાથે કર્યું હિંસક વિરોધ પ્રદર્શન – Gujaratmitra Daily Newspaper

Top News

શ્રીલંકામાં લોકોની ધીરજ ખૂટી, સ્થિતિ કાબુ બહાર થતા રાષ્ટ્રપતિનાં રાજીનામાંની માંગ સાથે કર્યું હિંસક વિરોધ પ્રદર્શન

શ્રીલંકા: શ્રીલંકા આર્થિક સંકટનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં ઉભી થયેલી પરીસ્થિતિનાં પગલે હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે. આક્રોશમાં આવેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ગુરુવારે મોડી રાત્રે કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતી અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠી ચાર્જ કરી પાણીની તોપનો મારો ચલાવ્યો હતો. જેનાં પગલે અનેક લોકો ઘાયલ થયા હતા. જેના પગલે આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. પોલીસનાં દમનથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બસ અને જીપને આગ ચાંપી દીધી હતી. પોલીસ દાવો કરી રહી છે કે વિરોધને કાબૂમાં લેવામાં આવ્યો છે.

500થી વધુ લોકોએ કર્યો વિરોધ
અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકામાં જાહેર પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે. જેના પગલે સોશિયલ મીડિયાના કાર્યકરોએ રેલી બોલાવી હતી. બુધવારે મોડી સાંજે કોલંબોમાં 500 થી વધુ લોકોએ વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. રાષ્ટ્રપતિ ભવનની બહાર દેખાવકારોએ આ તમામ લોકોએ પ્રમુખના રાજીનામાની માંગણી કરી હતી.

કોલંબોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાગુ
જો કે વિરોધ પ્રદર્શન બેકાબુ બનતા ત્યાં હાજર ફોર્સે તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર બોટલો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ પછી પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. જો કે સૈન્ય અધિકારીઓ આર્થિક સંકટને લઈને બેઠક યોજી રહ્યા હતા. અનિશ્ચિત કર્ફ્યુ હિંસક વિરોધને કારણે કોલંબોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લગભગ ચાર કલાક સુધી ચાલેલા વિરોધને કારણે રાષ્ટ્રપતિ ભવનની આસપાસ વાહનો જામ થઈ ગયા હતા.

વીજ પુરવઠો બચાવવા સ્ટ્રીટ લાઈટ બંધ
શ્રીલંકાનાં વીજ પુરવઠો બંધ થતા 2.20 કરોડ લોકોના ઘરોમાં અંધારપટ છવાયો છે. આ ઉપરાંત પેટ્રોલ, ગેસ ખાદ્યપદાર્થોની સાથે સાથે અન્ય જીવ જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે સાથે જ તેની અછત પણ સર્જાઈ રહી છે. ઈંધણના અભાવે દેશના ઘણા પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. ઇંધણ સ્ટેશનોમાં ડીઝલ બાકી નથી બસો અને કોમર્શિયલ વાહનો માટે ફિલિંગ સ્ટેશનો પર હવે ડીઝલ બચ્યું નથી. ઘણા વિસ્તારોમાં મહત્વની ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી છે. દિવસમાં 13 કલાક સુધી પાવર કટ કરવામાં આવી રહ્યો છે.

શ્રીલંકામાં પેટ્રોલ અને ગેસની અછત છે. જોકે પેટ્રોલ-ડીઝલ માટે લોકોએ ઘણા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. દેશમાં કાગળ અને શાહી ખતમ થઇ જતા પરીક્ષા પર રદ કરવામાં આવી છે. ગુરુવારે ડીઝલ પૂરું થઇ જતા ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું હતું. શ્રીલંકામાં વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઈટને પણ બંધ રખાઈ રહી છે. શ્રીલંકાના વીજળીમંત્રી પવિત્રા વનિયારાચીએ ગુરુવારે કહ્યું હતું કે સ્ટેટ પાવર મોનોપોલીએ પણ 13 કલાકના વીજળીકાપને લાગુ કર્યો છે. એ પાછળનું કારણ એવું છે કે તેમની પાસે જનરેટર માટે ડીઝલ પણ નથી. મંત્રીએ કહ્યું હતું કે અમે અધિકારીઓને વીજળી બચાવવામાં મદદ કરવા માટે સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઈટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

અર્થવ્યવસ્થામાં ટૂરિઝમ સેક્ટરનો મોટો ભાગ
શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ટૂરિઝમ સેક્ટરનો મોટો ભાગ છે. પરંતુ કોરોનાને પગલે સેકટરનું યોગદાન ખુબ જ ઘટી ગયું છે. ટૂરિઝમ દેશ માટે ફોરેન કરન્સીનો ત્રીજો મોટો સોર્સ છે. પરંતુ આ સોર્સ નબળો પડતા દેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યો છે. લગભગ 5 લાખ શ્રીલંકાના લોકો ટૂરિઝમ પર સીધા નિર્ભર છે, જ્યારે 20 લાખ અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. શ્રીલંકાની GDPમાં ટૂરિઝમનું 10 ટકાથી વધુ યોગદાન છે. ટૂરિઝમમાંથી વાર્ષિક લગભગ 5 અબજ ડોલર(લગભગ 37 હજાર કરોડ રૂપિયા) ફોરેન કરન્સી શ્રીલંકાને મળે છે.

Most Popular

To Top