ભરૂચ: વાલિયા (Valiya) નગરમાં છેલ્લા બે દિવસથી હિંસક દીપડાએ (Leopard) લટાર માર્યા બાદ ગુરૂવારે રાત્રે વન વિભાગના (Forest Department) પાંજરે (cage) પુરાઈ ગયો હતો. 8 ફૂટ ઉંચી દીવાલ કૂદીને પાળતું કુતરાને ફાડી ખાધો હતો. ત્યારબાદ બીજા દિવસે ખોરાકની શોધમાં બાજુની સોસાયટીમાં દીપડો ચોકીદારની જેમ આંટા ફેરા મારતા વન વિભાગ માટે પડકારરૂપ બની ગયો હતો.
- વાલિયામાં આંટા મારતો દીપડો શિરદર્દ સમાન
- પકડાયેલા દીપડાને શુરપાણેશ્વર અભયારણ્યમાં વન વિભાગ મુક્ત કરશે
- 8 ફૂટ ઉંચી દીવાલ ફાંદીને પાળેલા શ્વાનને ફાડી ખાધો હતો અને બીજા દિવસે જલારામ સોસાયટીમાં ચોકીદારી જેમ લટાર મારતા રહીશો ભયભીત થઇ ગયા હતા
- વન વિભાગે ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પુરતા રહીશોમાં ભારે હાશકારો
- પરંતુ ફરી એકવાર દીપડો દેખાતા વન વિભાગે પાંજરુ મૂક્યું, એક નહીં પણ બે દીપડા હોઈ શકે
વાલિયા નગરમાં ખોરાકની શોધમાં ભટકતો દીપડો રહીશો માટે શિરદર્દ સમાન બની ગયો હતો.સોમવારે રાત્રે ૮ ફૂટ ઉંચી દીવાલ ફાંદી સલામતી માટે રાખેલા રોટવીલર શ્વાનને ફાડી ખાઈને ઓડકાર લીધો હતો.તેની બાજુમાં પેટ્રોલપંપ બાદ જલારામ સોસાયટી આવેલી છે. મંગળવારે બીજા દિવસે રાત્રે આ દીપડો ખોરાકની શોધમાં આરામથી આંટા મારતો હતો.સોસાયટીને ખબર પડતા વન વિભાગને જાણ કરતા ટીમ તાબડતોબ ધસી આવી હતી.જે માટે વાલિયા સામાજિક વનીકરણના આરએફઓ મહિપાલસિંહ ગોહિલ રહેણાંક વિસ્તારમાં દીપડો લટાર મારતા ગંભીરતાને ધ્યાને લઈને મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું.બે દિવસથી દીપડાના આંટાફેરા જોતા ફરીવાર આવશે એ માટે તેમની ટીમે વોચ ગોઠવી કાઢ્યો હતો.
આખરે ગુરૂવારે એજ જગ્યાએ દીપડો ફરીવાર ખોરાક માટે આંટો મારતા પાંજરામાં મુકેલા મારણ ખાવા જતા આબાદ રીતે પકડાઈ ગયો હતો. પાંજરે પુરાતા રહીશોએ હાશકારો લીધો હતો.પકડાયેલા દીપડાને શુરપાણેશ્વર અભયારણ્યમાં વન વિભાગે મુક્ત કરશે. ખુદ વાલિયા નગરમાં દીપડો દેખાતા નગરજનોએ વનવિભાગની સલાહમુજબ તકેદારી રાખવું અગત્યનું બની ગયું છે.
બીજો દીપડો વાલિયામાં દેખા દેતા ફરીવાર પાંજરૂ મુકવાની કવાયત
વાલિયામાં પકડાયેલો એક દીપડો નહિ પરંતુ લગભગ કપલ હોવાથી વધુ એક દીપડો પણ દેખા દેતા સામાજિક વનીકરણ વિભાગ વાલિયા દ્વારા ફરીવાર બીજા ઠેકાણે પાંજરૂ મુકવાની કવાયત હાથ ધરી છે. જો કપલ હોય તો તેની શોધમાં ફરીવાર આ જગ્યાએ આવવાનો અંદેશો દેખાઈ રહ્યો છે. તેને પકડવા માટે વન વિભાગ કમર કસી છે.