ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હજારોના ટોળાએ હોસ્પિટલને આગ ચાંપી દીધી હતી. અનેક કાર શોરૂમ અને દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ભીડ જોઈને પોલીસે પીછેહઠ કરવી પડી હતી. નજીકના 6 જિલ્લામાંથી ફોર્સ અને પીએસીને બોલાવવામાં આવ્યા છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લખનૌથી STF ચીફ અને ADG કાયદો અને વ્યવસ્થા પણ બહરાઈચ પહોંચી ગયા છે. તેમણે પહેલા ટોળાને રોક્યા જે આગ લગાવી રહ્યા હતા, પછી જ્યારે તેઓ ન માન્યા ત્યારે તેમણે હાથમાં પિસ્તોલ લઈને તેમનો પીછો કર્યો હતો.
રવિવારે હરડી વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે વગાડવા બાબતે અન્ય સમુદાય સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપી સાથે 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં 22 વર્ષના રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે 5-6 હજારની ભીડ ઉમટી પડી હતી. લોકોએ મૃતદેહને લઈને લગભગ 5 કિમી સુધી યાત્રા કાઢી હતી. જ્યારે પોલીસે સમજાવ્યું તો પરિવારજનો મૃતદેહ ઘરે લઈ ગયા પરંતુ લોકો ત્યાંથી ખસ્યા નહીં. ટોળાએ આગચંપી શરૂ કરી દીધી. બહરાઈચના એસપી વૃંદા શુક્લાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સમુદાયના લોકો આવો, બેસીને વાત કરો, તો જ ઉકેલ મળશે.
ગોળીથી ઘાયલ બીજા યુવકને લખનઉ રિફર કરાયો
હિંસામાં ઘાયલ થયેલા બીજા યુવક રાજનની હાલત નાજુક છે. તેને બહરાઈચથી લખનૌ રીફર કરવામાં આવ્યો છે. રાજન એ જ વ્યક્તિ છે જે સૌથી પહેલા હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાને બચાવવા આવ્યો હતો.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પિસ્તોલ લઈને રસ્તા પર
અધિક પોલીસ મહાનિર્દેશક અમિતાભ યશ પોતે રસ્તા પર ભીડનો પીછો કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હાથમાં પિસ્તોલ લઈને ભીડને ભગાડતા જોવા મળી રહ્યા છે. તે સૈનિકોને કહેતા જોવા મળે છે કે ભગાવો.. મારો તેઓને.. આ સમગ્ર ઘટના રામપુરવા ચોકી પાસે બની હતી. જ્યાં અમિતાભ યશની સામે પણ રોષે ભરાયેલ ટોળું રોકાયું નહીં અને એક વાહનની તોડફોડ કરી હતી. બાદમાં તેમણે પોતાની પિસ્તોલમાંથી હવામાં ગોળી ચલાવી ભીડને વિખેરી નાખી હતી.