ભરૂચ(Bharuch): નેત્રંગને (Netrang) અડીને આવેલા કેલ્વીકુવા (KelkiKuva) ગામમાં આઠ દિવસમાં બે વખત દીપડાએ (leopard) શ્વાનના (Dog) બચ્ચાનો શિકાર કરતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે.
ભરૂચ જિલ્લાના પૂર્વભાગમાં ઘણા ગામડાઓમાં દીપડાઓનો વસવાટ થઇ ગયો છે. દીપડાને રહેવાની જગ્યાએ, પાણી અને ખોરાકમાં જંગલી જાનવરની જગ્યાએ રહેણાક વિસ્તારમાં પાળેલા પ્રાણીને ટાર્ગેટ કરતો હયો છે. તા-૨૬મી માર્ચે કેલ્વીકુવા ગામે ભાવેશભાઈ વાંસદિયાના પેટ્રોલ પંપ પર મધરાત્રે આઠ ફૂટ ઉંચી દીવાલ કુદીને દીપડાએ શ્વાનના બચ્ચા પર હુમલો કર્યો હતો.
જો કે દીપડાના શિકારમાંથી શ્વાનનું બચ્ચું યેનકેન પ્રકારે બચીને ભાગી છૂટ્યું હતું. શ્વાનનો અવાજ પંપ પર સંભળાતા માણસો જાગીને લાઈટો ચાલુ કરતા દીપડો ફરીવાર દિવાલ કુદીને ભાગી છૂટ્યો હતો. તા-૩જી મધરાત્રે કેલ્વીકુવા ગામમાં ઇન્દ્રજીતસિંહ મુળજીબાવા સુરતીયા પાછળ દીપડો એક શ્વાનનું બચ્ચું શિકાર કરીને જતું સીસી ટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. ખાસ કરીને કેલ્વીકુવા ગામમાં માત્ર આઠ દિવસમાં બે શ્વાનના બચ્ચાને શિકાર માટે ટાર્ગેટ કરવાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
જો કે કેલ્વીકુવા ગામમાં પણ સીસી ટીવી કેમેરા લગાડેલા હોવાથી મધરાત્રે દીપડાની હરકત હોય તો કેદ થઇ જતા હોય છે.હાલમાં સીસી ટીવી કેમેરામાં દીપડો શ્વાન લઇ જતો નજરે પડી રહ્યો છે.
ખેરવાડાના જંગલમાંથી કોહવાયેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો
વ્યારા: સોનગઢના ખેરવાડા રેંજના ગામતળાવ ફળિયા નજીક પાગરાપાણી પાસે કમ્પાર્ટમેન્ટ નં.૪૯નાં જંગલમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ડીએફઓ પુનિત નૈયર વન વિભાગના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. આ ઘટનામાં દીપડાનો શિકાર થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
જો કે, મોતનું સાચું કારણ જાણવા દીપડાના શરીરનાં અવશેષો એફએસએલની ટીમને તેમજ વેટરિનરી વિભાગમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. દીપડાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હોવાથી તેની હત્યા અંદાજે પખવાડિયા પહેલાં થઈ હોવાનો અંદાજ છે.
ખેરવાડા રેંજમાંથી ગત રોજ દીપડાનો શિકાર કરાયેલો મૃતદેહ મળ્યો હતો. ચામડી અને તેના ચારેય પગના પંજા ગાયબ હોવાથી દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા વ્યક્ત કરતાં તાપી જિલ્લાના ડી.એફ.ઓ. પુનિત નૈયર સહિત વનકર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દીપડાના શંકાસ્પદ મૃત્યુ બાબતે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
જો કે, દીપડાને મોતને ઘાટ કેવી રીતે ઉતાર્યો એ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં ફંદો બનાવીને શિકાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ખેરવાડા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં આમ નાગરિકોની ઘૂસણખોરી પર પ્રવેશબંધી છે. ત્યારે આ સક્રિય થયેલી શિકારીઓની ટોળકીને લઈ અહીં ફરજ બજાવતા વન અધિકારી અને વનકર્મીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે.
દીપડાના શરીર પરથી ચામડું કાઢી નાંખવામાં આવ્યું હોય તેમજ પંજા પણ ગાયબ જણાતાં ખેરવાડાના જંગલમાં વન્ય પશુઓનો શિકાર કરતી આંતરરાજ્ય કોઇ ટોળકી અહીં ઘણા સમયથી સક્રિય હોવાની આશંકા ઉદભવી છે.
દીપડાના મૃત્યુ પાછળનું સાચું કારણ હાલ અકબંધ છે અને વન વિભાગના ડીએફઓ પુનિત નૈયર દ્વારા જાતે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દીપડાના પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે.
દીપડાનો શિકાર કરનાર ટોળકી સક્રિય થયાની આશંકા
ડીએફઓ પુનિત નૈયરે જણાવ્યું હતું કે, કદાવર દીપડાનો શિકાર કરનાર કોઇ બહારની ટોળકી સક્રિય થઈ હોવાની આશંકા હાલના તબક્કે વ્યક્ત કરાઇ છે. જો કે, આ તપાસમાં શિકારી સુધી પહોંચવા કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે, ખૂબ જ કડકાઇથી શિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે.