સંતરામપુર, તા.16
સંતરામપુર તાલુકામાં પુનઃ દીપડાઓનો ત્રાસ જોવાં મળે છે. આ જંગલી પ્રાણી દ્વારા માનવ પર હુમલા કરતા હોઇ તાલુકાનાં ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંતરામપુર તાલુકાના ચીતવા ગામે મહિલા ઉપર હિંસક હુમલો દીપડાએ કરીને ઇજાગ્રસ્ત કરેલ જેને પકડવા વનવિભાગ દ્વારા પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ હજુ સુધી આ હિંસક માનવ લોહી ચાખી ગયેલ દીપડો પકડાયેલ ના હોઇ પુનઃ દીપડા દ્વારા સંતરામપુર તાલુકાના ટીભરવા ગામે કનકા રતુ ગોલનાં ખેતરમાં ઝૂંપડીમાં સૂતા મંગુબેન કનકા ગોલ (ઉ.વ.60)ની ઉપર ગત 14મી જાન્યુઆરીના રોજ રાત્રિના ત્રણ વાગ્યાનાં સુમારે હુમલો કરતાં મંગુબેનના હાથના ડાબા પંજાને મોંથી પકડી ખેંચતા મંગુબેન સફાળા જાગેલા અને દીપડાનાં હુમલાથી બચવા પ્રયાસ કરતાં બૂમાબૂમ મચી જતા અન્ય જાગી જતાં દીપડો ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મંગુબેનને સારવાર અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલમા લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ અને સ્ટાફે સારવાર આપી હતી.
સંતરામપુર તાલુકામાં વન્ય પ્રાણીઓનાં માનવી પરનાં વધતાં હિંસક હુમલાથી ગામડાની જનતા ભયભીત બની છે અને દીપડાઓનાં હિંસક હુમલાઓથી ત્રાસી ગઈ છે. આ વન્ય પ્રાણી માનવ લોહી ચાખી ગયેલ હોઈ આ માનવ ભક્ષી દીપડાને તાત્કાલિક વન વિભાગ દ્વારા પકડવામાં આવે અને ગ્રામજનોને ભયમુક્ત કરાય તેવી માંગ ઉઠી છે. રાજય સરકારને રાજ્યનું વન વિભાગને જિલ્લાનું વન વિભાગને જિલ્લા વહીવટી તંત્ર આ અંગે સક્રિયતા દાખવે તેવી માંગણી ઉઠી છે.
