Madhya Gujarat

ઠાસરાના ગામોની કાંસની સફાઇ ન થવાથી ગ્રામજનો ભયભીત

ડાકોર: ઠાસરામાં વાવાઝોડાની આગાહીઓ લોકોમાં ચિંતા વધારી રહી છે. તેમ છતાં ઠાસરા તાલુકાનું તંત્ર આ મામલે ઘોર નિંદ્રામાં પોઢી ગયું હોય તેવી સ્થિતી હાલમાં ઠાસરા તાલુકના માર્ગો પર જોવા મળી રહી છે. હાલમાં ત્રાટકેલા મામુલી વાવાઝોડાએ સેંકડો વૃક્ષોને જમીન દોસ્ત કરી નાખી અનેક જગ્યાઓએ નુકશાન પહોચાડ્યું હતું. હાઈવે પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેવી જ રીતે ઠાસરાના ગામડાઓમાં જવાના માર્ગ પર પણ ઠેર ઠેર વર્ષો જુના વૃક્ષો માર્ગ પર ધરાશાયી થઇ ગયાં હતાં. જેને લઈ વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઇ હતી. પરંતુ તેમાથી પણ તંત્ર દ્વાર શિખ ન લેતાં હાલમાં પણ આ માર્ગ પર કેટલાક નરભક્ષી વૃક્ષો મોટી દુર્ઘટનાની તાકમાં હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે.

હાલમાં અતિ ભારે વાવાઝોડાની આગાહીઓ આપી તંત્ર સાવધાન મોડમાં છે. પરંતુ સલામતીનાં નામે ઠાસરા તંત્રનો વિશ્રામ મોડ વાહન ચાલકો માટે ખતરાની ઘંટી સમાન જોવા મળી રહ્યાં છે. ઠાસરા તાલુકાના શાહપુરમાં થોડાક દિવસ પહેલા વરસાદ તેમજ વાવાઝોડાથી ઝાડ પડતા બાઇક સવાર દંપતિનું મોત થયું હતું. ત્યારે, આવો બનાવ ફરી વાર ના બને તેવી તકેદારીના ભાગરૂપે તંત્ર જાગે અને ઠાસરાના રખિયાલ રોડ, કાલસર રોડ, રાનીયા રોડ તેમજ આગરવા રોડ, ડુંડી રોડ અને બીજા અન્ય માર્ગો ઉપર કાસની સફાઈ તેમજ રોડ ઉપર લટકી રહેલા વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top