Business

વલસાડથી 10-12 કિ.મી.ના અંતરે, પાર નદીના કિનારે, પારનેરા ડુંગરની તળેટીમાં વસેલા આ ગામની ખાસીયત જાણો..

ગામલોકોની માન્યતા ગણો કે લોકવાયકા, હરિયુ એટલે સોનાનું ઠળિયું, અહીંની જમીનમાં કંઈપણ વાવો તે સોનાની જેમ મબલક ઊતરે

પશ્ચિમે ઘૂઘવતા અરબી સાગર અને પૂર્વમાં સહ્યાદ્રીની હારમાળા વચ્ચે પથરાયેલી વનરાજીમાં ખીલી ઊઠેલો વલસાડ જિલ્લો કુદરતની ખરેખર દેન છે. સમગ્ર ગુજરાતના છેવાડે અને મહારાષ્ટ્રની સરહદે આવેલો આ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ઘણો મોટો અને બહુધા આદિવાસી વસતી ધરાવતો જિલ્લો છે. કુદરતી વનસંપત્તિ અને અરબી સાગરના પ્રતાપે અહીંના લોકો ખેતીવાડી અને વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા જોવા મળે છે. વલસાડ જિલ્લાનાં મોટાં શહેરો, નગરો અને ગામ-કસ્બા પણ હવે હાઈ ટેક્નિકના લીધે સર્વ સંપન્ન બની રહ્યા છે. આપણે આજે વાત કરીએ છીએ, વલસાડ નજીકના હરિયા ગામની.

હરિયા ગામ એ વલસાડથી માત્ર 10-12 કિમીના અંતરે અને પાર નદીના કિનારે તેમજ પારનેરા ડુંગરની તળેટીમાં વસેલું નાનકડું 2600ની વસતી ધરાવતું ગામ છે. અહીંની ખાસ ખાસિયત છે, જમીનમાં ફળદ્રુપતા. ગામલોકોની માન્યતા ગણો કે લોકવાયકા, હરિયુ એટલે સોનાનું ઠળિયું. આ ગામની જમીનમાં કંઈપણ વાવો તે સોનાની જેમ મબલક ઊતરે છે. તેના પરથી ગામનું નામ હરિયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. ઘણા લોકો હરિઆ તરીકે પણ ઉલ્લેખ કરે છે. હરિઆ એટલે હરિ તું આવ…હરિઆ. ભક્તિભાવથી રંગાયેલા આ ગામના લોકોની હરિ સાથે કેટલી આત્મીયતા છે, ભગવાનને ખુદ પોતાની પાસે બોલાવે છે, તેનો દાખલો એટલે હરિઆ.

મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડ ગામના વિકાસમાં અગ્રેસર

હરિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે છેલ્લી 10 વર્ષ બે ટર્મથી ફરજ બજાવનાર પૂર્વીબેન રાઠોડ ગ્રામજનોના દરેક પ્રકારના પ્રશ્નોને એકચિત્તે અને શાંતિથી સાંભળી બનતા પ્રયત્ને તેનું નિરાકરણ લાવવામાં માને છે. જેને લઈ ગ્રામજનો પણ કહે છે કે, સરપંચ બેન સતત તેમના મોપેડ પર ગામમાં આખો દિવસ કોઈપણ કામ માટે સતત દોડતા જોવા મળે છે. ગામના વિકાસ માટે સામાજિક કામોની સાથે તેઓ સરકારી તંત્રને પણ પ્રવૃત્ત રાખે છે.

સરપંચ પૂર્વીબેનના પિતા બચુભાઈ પ્રેમાભાઈ તલાવીયા જેઓ વલસાડ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલ રિટાર્યડ છે, તેમની પાસેથી મળેલી વહીવટી કુનેહતા, સરકારી કામ કેવી રીતે પાર પાડવા તેમજ ગ્રામજનોની સુખાકારી માટે સરકારી કંઈ કંઈ યોજનાઓ કામ લાગે તેની વિસ્તૃત માહિતી તેમના પિતાજી પાસેથી વારસામાં મળતાં સરપંચ પૂર્વીબેનને લોકોનાં કામ કરવા આસાન થઈ ગયા છે. ગ્રામજનોની સુખાકારી માટે નવું પીએચસી, નવું આયુર્વેદ/હોમિયોપેથી દવાખાનું, આંગણવાડી/ પ્રા.શાળાના નવા મકાન અને શેરી-મહોલ્લામાં પાકા રસ્તા, પેવર બ્લોકના રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી જરૂરિયાત પૂરી પાડી છે. ઉપરાંત ખુલ્લામાં શૌચમુક્ત ગામ તરીકે 2016માં હરિયાને જાહેર કરાયું હતું.

જેમાં સરપંચની કાર્યશૈલી અગ્રેસર રહી હતી. ઉચ્ચ શિક્ષિત મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડે વલસાડની સાયન્સ કોલેજમાં બીએસસી થઈ બીએડ સૌરાષ્ટ્ર યુનિ.માં પાસ કર્યું છે. સરપંચ બન્યા તે પહેલાં તેઓ 5 વર્ષ ગામનાં સભ્ય પણ રહ્યાં હતાં. ઉપરાંત તેઓ હાલ પીસી એન્ડ પીએનડીટી કમિટી-વલસાડનાં 2012થી સભ્ય છે. જિલ્લા સુરક્ષા સમિતિની સાથે જિલ્લા મહિલા મોરચાનાં મંત્રી પદે પણ 2012થી કાર્યરત છે. છેલ્લા 6 મહિનાથી તેઓ વલસાડ તાલુકા ભાજપ સંગઠનનાં મંત્રી છે. સરપંચ પદે રહ્યાં તે પહેલાં તેઓ વલસાડની આરએમવીએમ સ્કૂલમાં કમ્પ્યૂટર ટીચર અને અટારની પીકેડી વિદ્યાલયમાં 2004થી 2012 સુધી ટીચર તરીકે સેવા બજાવી ચૂક્યાં છે.

શિક્ષણ અને સાહિત્યમાં રુચિ ધરાવતા સરપંચ પૂર્વીબેનના આગામી વિકાસકીય કામોમાં સૌપ્રથમ ઈ-લાઇબ્રેરીનું પ્લાનિંગ છે. જેને લઈ ગામના દરેક વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે પોતાના મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર દ્વારા તમામ પ્રકારનાં પુસ્તકો સરળતા મળી રહે. ઉપરાંત ગામના દરેક ફળિયામાં સીસીટીવી કેમેરા, સ્પીકર લગાવી ગામને હાઈટેક બનાવવા પ્લાનિંગ કરી રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ગામના દરેક ફળિયામાં જરૂરી સહાય અને રસીકરણ થાય એ માટે સપરંચ સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં.

ઉપરાંત કોરોનાના કપરાકાળમાં લોકો ટપોટપ મરવા લાગતાં વલસાડ શહેરના તમામ સ્મશાનગૃહો હાઉસફુલ થઈ ગયાં હતાં. કલેક્ટરના આદેશ બાદ શહેરની આસપાસનાં ગામનાં સ્મશાનગૃહો પણ કાર્યરત કરાયાં હતાં. જેમાં હરિયા પંચાયત દ્વારા પણ પાર નદીના કિનારે તાત્કાલિક સ્મશાનગૃહ બનાવી મૃતકોના અગ્નિસંસ્કાર કરાયાં હતાં. જેમાં સરપંચે રાત-દિવસ દોડી માનવસેવાની કપરી કામગીરી પાર પાડી હતી. જેને લઈ વહીવટી તંત્રએ પણ તેની નોંધ લઈ તેમને 15મી ઓગસ્ટના રોજ જાહેર કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનો એવોર્ડ એનાયત કરાયો હતો.

જિલ્લામાં એકમાત્ર નાગદેવતાનું મંદિર હરિયા ગામે

ભક્તિભાવની સાથે હરિયા ગામે 3 મોટાં મંદિર આવેલાં છે. જેમાં સૌથી મોટું મંદિર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, પૌરાણીક રામજી મંદિર અને સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલું નાગ દેવતાનું એકમાત્ર મંદિર ઈસ્પાર ફળિયામાં આવેલું છે. નાગ દેવતાને મોટી સંખ્યામાં ભક્તો ચાંદી-તાંબાના નાગની પ્રતિકૃતિ ભેટમાં ધરાવી પોતાની માનતા પૂરી કરે છે. દેવપોઢી અને દેવઊઠી એકાદશીએ નાગદેવતાના મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી શ્રીફળ વધેરી પૂજા-અર્ચના કરે છે. ગામલોકોમાં એવી માન્યતા છે કે, ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે, આ નાગદેવતા. ગુપ્તેશ્વર મહાદેવનો ઈતિહાસ પણ અલૌકિક છે. ગુપ્તેશ્વર મહાદેવ સ્વયંભૂ છે. 300થી પણ વધુ વર્ષ પહેલાં કોઈ વણીક જૈનને સપનામાં આવી મહાદેવ આ સ્થળે સ્વયંભૂ અવતર્યા છે. લોકવાયકા એમ કહે છે કે, શિવાજી મહારાજ જ્યારે પણ પારનેરા ડુંગરે તેમના કિલ્લામાં આવતા ત્યારે ગુપ્તેશ્વર મહાદેવનાં દર્શન કરીને જ આગળ જતા હતા. ગુપ્તેશ્વર મહાદેવ પણ ભક્તોની બાધા-મનોકામના અવશ્ય પૂરી કરે છે, તેવું અહીંના ભક્તો કહી રહ્યા છે.

ગામની દીકરીના આકસ્મિક મોતના પગલે તેના નામે જરૂરી સહાય

હરિયાના રહીશ અને દાનવીર પરિવારનાં ઉષાબેન(ઉર્મિ) પંકજભાઈ દેસાઈની એકની એક દીકરી જાનકીના પારડી ખાતે થયેલા અકસ્માતમાં આકસ્મિક નિધનથી સમગ્ર ગામ શોકાતુર બની ગયું હતું. ગામની આશાસ્પદ અને હોનહાર દીકરીના આકસ્મિક મોતના પગલે તેના નામે તેના માતા-પિતા દ્વારા ગામના વિકાસકીય કામોમાં જરૂરી સહાય કરાય છે. જેમાં ગ્રામ પંચાયતના નવા મકાનને તા.28-10-2018ના રોજ જાનકી સ્મૃતિ ભવનના નામે અને સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાનાને હાલમાં જ ગત વર્ષે 2020માં જાનકી આરોગ્ય ધામના નામે સંપૂર્ણ સુવિધા સાથે બનાવી દાનમાં આપ્યા છે.

8 વોર્ડના 10 ફળિયાંમાં 2600 લોકોનો વસવાટ

પારનેરા ડુંગરની તળેટી અને પાર નદીની આસપાસ વસેલાં 7 ગામમાં પારનેરા, ચીંચવાડા, ડુંગરવાડી, ભગોદ, દિવેદ, અતુલ અને હરિયાનો સમાવેશ થાય છે. હરિયાની 2600ની વસતીમાં 1800 પુખ્ત વયના મતદાતા છે. ગામના કુલ 8 વોર્ડમાં 10 ફળિયાં આવેલાં છે, જેમાં રહેતા તમામ લોકો એક સંપ બની રાજીપાથી વસવાટ કરી રહ્યા છે. કોઈપણ જાતના રાગદ્વેષ કે ઊંચનીચના ભેદભાવ વગર ગામના વિકાસમાં સૌનો સહિયારો ભાગ છે. જેથી આજે ગામના દરેક ફળિયાં, મુખ્ય રસ્તા, પાણી અને આરોગ્યની દૃષ્ટિએ વિકાસશીલ છે. ખેતીવાડી ઉપર નિર્ભર અહીંના લોકો હવે વધુ આર્થિક ઉપાર્જન માટે ધીરે ધીરે વિવિધ પ્રકારના ધંધા-રોજગાર તરફ પણ વળી રહ્યા છે.

બારેમાસ પાણીથી ભરેલાં 3 તળાવ હરિયા માટે ફાયદાકારક

હરિયા ગામે 3 મોટાં તળાવ આવેલાં છે. જેમાં કુડિયું તળાવ, કાંકરા તળાવ અને ગુપ્તેશ્વર મંદિર પાછળ આવેલું ગામ તળાવ. આ ત્રણેય તળાવ બારેમાસ પાણીથી ભરેલાં હોવાથી ગામના લોકો રોજિંદા વપરાશ માટે ફાયદાકારક છે. ઉપરાંત પશુ-પંખીઓ માટે પણ જરૂરી પાણી પૂરું પાડી રહ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ 3 તળાવ બારેમાસ પાણીથી છલોછલ ભરેલાં રહે છે. પંચાયત દ્વારા આ ત્રણેય તળાવ ઊંડાં કરાવાતાં પાણીના જથ્થાનો પૂરતો સંગ્રહ થઈ શકે છે. આ ત્રણેય તળાવ ઉપરાંત લોકોની સુવિધા માટે 1 સહકારી મંડળી, 2 સરકારી દવાખાનાં, 2 પ્રાથમિક શાળા, 3 આંગણવાડી તેમજ 1 સ્મશાનભૂમિ પણ આવેલી છે.

હરિયાના ઘેલાભાઈ દેસાઈ અંગ્રેજ શાસનમાં સોલિસિટર રહ્યા હતા

હરિયા ગામે વસતા અનાવિલ સમાજના કંઈ કેટલાય લોકોએ વર્ષો પહેલાં તનતોડ મહેનત કરી અને ભણતરમાં અવ્વલ રહી પોતાની જિંદગીને ઊંચાઈનાં સોપાન સર કરાવ્યાં છે. જેમાં આપણે અગાઉ હરિ દુર્લભની વાત કરી ગયા. હવે ઘેલાભાઈ દેસાઈની વાત કરીએ. હરિયાના ઘેલાભાઈ દેસાઈ જેઓ અંગ્રેજ શાસનમાં સોલિસિટર પદે કાર્યરત રહ્યા હતા. અંગ્રેજના જમાનામાં ઉચ્ચ પગાર અને પોતાની લાયકાત વડે આગળ રહેલા ઘેલાભાઈએ એ સમયે ગામના વિકાસ માટે પણ યથાયોગ્ય દાન પણ આપ્યું હતું. તેમના નામે ઘેલાભાઈ ટ્રસ્ટ બનાવી સમગ્ર ગામમાં પશુ-પંખીઓને પીવાના પાણી માટે હવાડા બનાવી આપ્યા હતા. ઉપરાંત ગુલાબ મકનજી પારડી એજ્યુ.ના પ્રમુખ અને લલ્લુ દુર્લભ જેઓએ પારડી ડીસીઓના ગૃહપતિ તરીકે પણ સેવા બજાવી હતી. બ્રહ્માકુમારીના રોહિતભાઈ દેસાઈએ પણ પોતાની તમામ સંપત્તિ સંસ્થાને આપી દીધી હતી. ગામમાં આરોગ્યની સુવિધા મળી રહે એ માટે કૌશિક દેસાઈ, અશોક દેસાઈ અને દશરથ વશીના સહયોગથી સરકારી દવાખાનાનો પ્રારંભ તા.18-06-89થી થયો હતો. જે મકાન ખંડેર થઈ જતાં નવા મકાનમાં હરિયા પીએચસી શિફ્ટ કરાઈ હતી. જે હાલમાં ગામ લોકોને તમામ પ્રકારની મેડિકલ સારવાર આપી રહ્યું છે.

હરિયાના હરિ દુર્લભ દેસાઈ ઈસ્ટ આફ્રિકામાં શાળાના આચાર્ય હતા

હરિયાના રહીશ હરિભાઈ દુર્લભભાઈ દેસાઈ શાળા-કોલેજનો અભ્યાસ વલસાડ ખાતે પૂરો કરી 1921માં ઈસ્ટ આફ્રિકા ગયા હતા. જ્યાં તેઓ એક શાળાના આચાર્ય પદે પણ રહ્યા હતા. 1951માં ભારત પરત આવ્યા બાદ હરિભાઈ દુર્લભભાઈ કોર્ટની જ્યુડિશીમાં મેમ્બર રહ્યા હતા. ઉપરાંત મુંબઈ ખાતે ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય પણ રહ્યા હતા. ત્યાર બાદ માદરે વતન હરિયા આવી 11 વર્ષ પોલીસ પટેલ તરીકે, અટાર એજ્યુકેશન સોસાયટી અને હરિયા સહકારી મંડળીના ચેરમેન તરીકે પણ સેવા બજાવી હતી. હરિભાઈને બે દીકરા બટુભાઈ અને અરુણદેવ. બટુભાઈ શિક્ષક હતા. જ્યારે અરુણદેવ પ્રથમ નૈરોબી ખાતે ફાયઝર કંપનીમાં અને બાદ જર્મની ખાતે બાયર કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. અરુણદેવના નામે 5થી 6 દવાની પેટર્ન પણ છે. સંસ્કાર અને શિક્ષણમાં અવ્વલ પરિવારનો દીકરો અરુણદેવનો પુત્ર પ્રેમલ દેસાઈ જે હાલ થાયસન ક્રૂપ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યો છે. જે હરિયા ગામ માટે ગૌરવસમાન કહેવાય.

હરિયા સહિતના ગામના લોકો રોજીરોટી માટે અતુલ કંપની પર નિર્ભર

હરિયા સહિત આસપાસનાં 7થી વધુ ગામના લોકો રોજીરોટી માટે અતુલ કંપની પર નિર્ભર છે. કેટલાંય વર્ષોથી સ્થાયી આ કેમિકલ કંપની અતુલ લિમિટેડમાં ઘણા લોકો ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. હરિયા સહિત અનેક ગામોને અતુલ કંપની છેલ્લાં 22 વર્ષથી લોકોને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડી રહી છે. ઉપરાંત નાનાં-મોટાં વિકાસશીલ કામોમાં પણ અતુલ કંપનીનું યોગદાન રહ્યું છે. અતુલ કંપની સંચાલિત અતુલ રૂરલ ડેવલપમેન્ટ સંસ્થા હરિયા સહિત આસપાસનાં ગામો સાથે જિલ્લાભરમાં સામાજિક કાર્યો સાથે માનવ ઉત્થાનના પણ કામ કરી માનવતા મહેકાવી રહી છે.

80 ટકા આદિવાસી વસતી, 90 ટકા સાક્ષરતા દર

આફૂસ કેરીનું નામ પડે એટલે મોંમાંથી પાણી છૂટે. વલસાડ જિલ્લાની આફૂસ કેરી જગવિખ્યાત છે, એમાં કોઈ મીનમેખ નથી. વલસાડ જિલ્લાના દરેક ગામમાં કેરીની વિશાળ વાડીઓ આવેલી છે. જેમાં વલસાડ નજીક હરિયા ગામે પણ આફૂસ કેરીની મોટી વાડીઓમાં આમ્રકુંજ મહેકી રહ્યો છે. અહીંથી મોટા ભાગની કેરી સમગ્ર ભારતભરમાં અને વિદેશમાં પણ સપ્લાય થાય છે. 80 ટકા આદિવાસી વસતી ધરાવતા આ નાનકડા ગામનો સાક્ષરતા દર 90 ટકા ઉપરનો છે. ગામમાં વસતા લોકોમાં હળપતિ, નાયકા, દેસાઈ અને કોળી પટેલ છે.

ગામમાં બે પ્રાથમિક શાળા અને બે આંગણવાડી

હરિયા ગામે વસતા ગામલોકોના નાનાં ભૂલકાં પ્રારંભિક શિક્ષણ આંગણવાડીમાં મેળવી બાદમાં પ્રાથમિક શિક્ષણ ગામની બે શાળામાં લઈ રહ્યાં છે. નાનાં બાળકોને ગામથી દૂર ન જવું પડે એ માટે સરકારી આંગણવાડી અને પ્રાથમિક શાળા ઉપલબ્ધ છે. જો કે, સમયાંતરે આંગણવાડી અને પ્રાથમિક શાળા જર્જરિત થતાં પંચાયત અને અતુલ ફાઉન્ડેશન દ્વારા નવાં મકાન તૈયાર કરાયાં છે. જેમાં હાલ નાનાં બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.

હરિયા ગ્રામ પંચાયત સમિતિ

સરપંચ:               પૂર્વીબેન મનીષભાઈ રાઠોડ
ઉપસરપંચ:           દીપકભાઈ સુમનભાઈ નાયકા
સભ્ય:                 લતાબેન દીપકભાઈ નાયકા
                        ડિમ્પલબેન વિમલભાઈ દેસાઈ
                        ડિમ્પલબેન જયેશભાઈ રાઠોડ
                        જ્યોત્સ્નાબેન જગદીશભાઈ હરિયાવાલા
                        કૌશિકભાઈ રામનરેશ કુર્મી
તલાટી કમ મંત્રી :   મિતાલીબેન ઠાકોર\

ગામના કિરીટભાઈ નાયક રણજી ટ્રોફી રમ્યા છે

હરિયા ગામના કિરીટભાઈ નાયક ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં પણ અગાઉ 1971-72થી લગાતાર 4 વર્ષ સુધી રમી ચૂક્યા છે. ખાસ બાબત એ છે કે, કિરીટભાઈની અફલાતૂન બેટિંગ જોઈને લિજેન્ડ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેમને ગુજરાત છોડી મુંબઈની ટીમમાં સામેલ થવા પણ જણાવ્યું હતું. ગુજરાતની રણજી ટીમમાં તેમની સાથે નિરંજન મહેતા, અશોક જોષી ઉપરાંત વેસ્ટ ઝોનમાં વીઝી ટ્રોફી રમતી વેળાએ તેઓ ગાવસ્કર, અંશુમાન ગાયકવાડ, સંદીપ પાટિલ, દિલીપ વેંગસકર, મોહિન્દ્રર અમરનાથ સહિત અનેક નામી ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ રમી ચૂક્યા છે. વલસાડ બીડીસીએ સાથે પણ હરિયા ગામના વતની કિરીટભાઈ સંકળાયેલા છે.

એલ એન્ડ ટીના ચેરમેન અનિલ નાયકનું સાસરું એટલે હરિયા

વિશ્વવિખ્યાત કંપની લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન અનિલ નાયકનું મૂળ વતન નવસારી નજીક એંધલ ગામ છે. જ્યારે તેમનાં પત્ની ગીતાબેનનું પિયર એટલે હરિયા ગામ છે. હરિયાનાં વિકાસશીલ કાર્યોમાં અનિલ નાયકનું યોગદાન બહુતુલ્ય છે. ગુપ્તશ્વર મહાદેવ મંદિરના પરિસરને રિ-ડેવલોપ કરવા અને મંદિરના ગર્ભગૃહના નિર્માણ માટે મણીબેન દયાળજી નાયકના સ્મરણાર્થે અનિલ નાયક દ્વારા મણીબા પાવન પરિસર વિકસાવાયો છે. જેનું ઉદઘાટન તેમનાં પત્ની અને હરિયા ગામની દીકરી ગીતાબેનના હસ્તે 03-03-2002ના રોજ કરાયું હતું. હાલ આ મંદિર ગામલોકોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

મદન મોહન ગૌશાળા ગામનું ઘરેણું છે

ગૌસેવા એ જ માધવ સેવા. હરિયા ગામે આવેલી એક વિશાળ વાડીમાં મદન મોહન ગૌશાળા કાર્યરત છે. જેમાં 150થી પણ વધુ ગીરની ગાયનું પાલનપોષણ થઈ રહ્યું છે. આ ગૌશાળા એક ટ્રસ્ટ સંચાલિત હોવાથી અહીં માંદી અને ઈજાગ્રસ્ત ગાયને લાવી તેની સારવાર કરાય છે. હરિયા ગામે કાર્યરત આ ગૌશાળા તેની આગવી કાર્યશૈલીથી સમગ્ર જિલ્લામાં જાણીતી બની રહી છે. ગાયમાતાની સેવા અને તેનું ભરણપોષણ અહીં કાળજીથી કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top