અત્યાર પહેલાની મોંઘવારી કરતા હાલની મોંઘવારી તો ઘણી જ રિબાવે એવી છે. જેણે ખરેખર માઝા મૂકી છે. સરકારી નોકરિયાત વર્ગ તો હાલની સરકાર પાસેથી આંદોલન જગાવી મોંઘવારી ભથ્થુ સરભર કરી લેશે. આવી સહાય એ કાંઈ વ્યાજબી વિકલ્પ નથી. પરંતુ તે સિવાયની આમજનતાનું વિકલ્પ શું તે પરત્વે સરકારે વિચાર્યુ છે ખરૂ? કે પછી તેઓ શ્રીઓને તો તેમની મબલખ આવક અને હવે પછીની ચૂંટણી પ્રક્રિયા વડે ખુરશીનો મોહ અને ભારત દેશના વિકાસ કાર્યોમાં જ રસ છે. વિરોધપક્ષ સબળ નહીં હોવાને કારણે તેમજ એકહથ્થુ રાજકારણીઓને લીધે મોંઘવારીના સકંજામાં સામાન્ય જનતાની વ્યથાની ક્યાંથી પડી હોય? આમજનતા દ્વારા ચૂંટાયેલ રાજકારણીઓની જવાબદારી છે કે સામાન્ય લોકો તેમનું જીવનધોરણ સુખેથી ચલાવી શકે અને તેમની સારી સલામતીનું નિર્માણ કરવાની હોય છે. કાળાબજારીઓ અને ભ્રષ્ટરાજકારણીયાઓ સામે કાયદેસર પગલાં લેવા જરૂરી છે.
જે શક્ય બને કે નહીં બને એ એક કૂટપ્રશ્ન છે. કારણ કે તેમની પાસેથી તો આવનારી ચૂંટણીના ખર્ચ માટે નાણા ભંડોળ મેળવવાનું છે. આજની મોંઘવારીએ તો હદ કરી દીધી છે. જેના પરિણામે કેટલાક લોકો જીવન ટૂંકાવી દે છે કે પછી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. આજનો સબળ પક્ષ જ્યારે વિરોધ પક્ષ તરીકે સંસદમાં હતો ત્યારે તેઓ જ આંદોલન જગાવતા હતા. જ્યારે આજે તો પોતાના પક્ષકારો તેમજ આમજનતાના લોકશાહીમાં બંધ કરી દીધા છે. ચૂંટાયેલ સભ્યો તેમજ પ્રધાનોનું મન લોકકલ્યાણની ભાવનાથી છલકાવું જોઈએ. લોકશાહીની સંસદમાં દેશમાં ઉદભવેલી કારમી મોંઘવારી અંગે ગંભીર ચર્ચા થવી જોઈએ અને તેનો સાચો ઉકેલ લાવવો જોઈએ. માત્ર વિકાસના કાર્યો વડે જાલિમ મોંઘવારીના સમયમાં આમજનતાનો જઠરાગ્નિ તૃપ્ત થવાનો નથી એ નિર્વિવાદ છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.