મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજનની ટેન્કનું લોકાર્પણ કથાકાર રમેશ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ અને જરૂરિયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં સફળતા મેળવી છે.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરિયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ. રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપિયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનું નિમાર્ણ થયું છે, જેથી જિલ્લામાં ઓક્સિજન સપ્લાય મેળવવામાં રાહત થશે. ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સજ્જ છે, કોરોના હજી ગયો નથી. આપણ સૌએ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ, રસીકરણ વગેરેનું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે.