નવસારી : નવસારી (Navsari) ટાઉન પોલીસ (Police) ઉંઘતી ઝડપાઇ અને સાથે સાથે સ્ટેટ વિજિલન્સે (State Vigilance) રૂરલ વિસ્તારમાંથી પકડેલો દારૂ ટાઉન પોલીસ હદમાં દેખાડીને ટાઉન પોલીસને ‘બકરો’ બનાવી દીધો હોવાનું કહેવાય છે. સવાલ એ થાય છે કે નવસારી રૂરલ પોલીસ (Ruler Police) વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ હોવા છતાં એ અડ્ડા પર રેડ પાડવામાં સ્ટેટ વિજિલન્સ કેમ ઉદાસીન છે, એ પણ તપાસનો વિષય છે.
નવસારીમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સાની જાણવા મળતી વિગત એવી છે કે સ્ટેટ વિજિલન્સે નવસારીમાં રેઇડ પાડી હતી. જો કે આ વખતે પણ હદનો વિવાદ શરૂ થયો હતો. નવસારી માછીવાડ અને ભેંસતખાડા વિસ્તારમાં તેમની હદ ભેગી થાય છે. રોહિતવાસ ખાતે જાગુ દારૂવાળીને ત્યાં સ્ટેટ વિજિલન્સે રેઇડ પાડી હતી. એક ટીમે એ રેઇડ હાથ ધરી હતી, તો બાતમીદાર તથા પોલીસ ડ્રેસમાં ન હોય એવા લોકોએ ભેંસતખાડા વિસ્તારમાં મેદાન પાસે એક દારૂના જથ્થા સાથે રિક્ષા પકડી હતી. એ સમયે ત્યાં યુવાનો ક્રિકેટ રમતા હતા. ડ્રેસમાં ન હોય એવા લોકોએ રિક્ષા પકડતા રીક્ષાવાળાએ પકડનારાઓ ખરેખર પોલીસ છે કે કેમ એ અંગે જાણવા માંગ્યું હતું. દરમ્યાન કથિત પોલીસે રીક્ષાવાળાને માર મારતાં યુવાનો ભેગા થઇ ગયા હતા. તેઓએ પોલીસ હોય તો પણ મારે શું કામ એવી દલીલ કરતાં ડ્રેસમાં ન હોવા છતાં પોતાને પોલીસ તરીકે ઓળખાવનારાઓ સાથે સંઘર્ષમાં આવતા યુવાનોએ પણ આઇકાર્ડ માંગતા એમાંથી વાત મારા મારી સુધી પહોંચી હતી. એ તમામ કથિત પોલીસવાળા ભાગીને જ્યાં સ્ટેટ વિજિલન્સે રેઇડ પાડી હતી, ત્યાં પહોંચીને રિક્ષા ત્યાંથી પકડાઇ હોવાનો ખેલ કરી નાંખ્યો હતો. રોહિતવાસ ટાઉન પોલીસની હદમાં આવે છે, જ્યારે રિક્ષા પકડાઇ હતી એ ભેંસતખાડા વિસ્તાર રૂરલ પોલીસની હદમાં આવે છે.
દારૂના બંને જથ્થા મળીને કુલ 85 હજારના દારૂનો જથ્થો જુદી જુદી જગ્યાએ પકડાવા છતાં ગુનાનું સ્થળ એક જ દેખાડાતા ટાઉન પોલીસના પીઆઇ. મયુર પટેલ સામે કાયદેસરની કાર્યવાહી થશે. ખરેખર તો દારૂવાળાઓની બબાલમાં ભેંસતખાડામાં પકડાયેલો જથ્થો રોહિતવાસમાં દેખાડવા પાછળ સ્ટેટ વિજિલન્સનો હેતુ શું છે, એ સમજાતું નથી. ખરેખર તેઓ કોઇ કાવતરાં હેઠળ એમ કરીને પીઆઇને ભેરવવાની વાત કરતા હોય એમ લાગે છે. નહીંતર સ્ટેટ વિજિલન્સ રૂરલ પોલીસ વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ ચાલતા હોવા છતાં રેઇડ કરવામાં કેમ ઉદાસીન છે, એ તપાસનો વિષય બને છે.
બેફામ બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા થયા
પોલીસની સરહદને કારણે બુટલેગરો વચ્ચે પણ સંઘર્ષ ચાલતો રહ્યો છે. વાસ્તવમાં જિલ્લા પોલીસના વહીવટદારોના આર્શીવાદને કારણે બુટલેગરો બેફામ થઇ ગયા છે. દારૂ તો બેફામ વેચે જ છે, પણ સાથે સાથે હવે પોલીસ પર પણ હુમલો કરવા જેટલી હિંમત કરી રહ્યા છે. જોકે પોલીસ પર હુમલાની વાત ખોટી હોવાનું પોલીસ નકારે છે.
સ્ટેટ વિજિલન્સના વહીવટદારના જ હાથ બેનંબરથી ખરડાયેલા
સ્ટેટ વિજિલન્સના વહીવટદાર ભૂતકાળમાં બે નંબરના ધંધા કરતો હતો. બે નંબરનો ધંધો કરનારો વિપુલ આજે સ્ટેટ વિજિલન્સનો વહીવટદાર બની ગયો છે, ત્યારે સ્ટેટ વિજિલન્સની કામગીરી પણ તપાસ કરવા જેવી થઇ ગઇ છે.
પોલીસ ફરિયાદમાં આરોપીને પકડવા જતા એસ.આર.પી.ના જવાનને ઇજા થઇ હતી
ભેસતખાડામાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ પકડવા માટે પાડેલી રેડમાં આરોપી જયંતિભાઈને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં ભેંસતખાડા ગરનાળા પાસે દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. જેથી પોલીસ અને એસ.આર.પી.ના જવાનો જયંતિભાઈએ જણાવેલી જગ્યાએ જતા ત્યાં કેટલાક ઈસમો ખાખી બોક્ષ લઈ ઉભા હતા. જેથી એસ.આર.પી.ના જવાનો તેઓને પકડવા દોડ્યા હતા. પણ કોઈ પકડાયું ન હતું. પરંતુ આ દોડમાં એસ.આર.પી. જવાન પડી ગયો હતો અને તેને કપાળ તેમજ હાથ-પગમાં સામાન્ય ઇજા થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.