Entertainment

વિદ્યાને વેબ સિરીઝથી ફૂરસદ નથી

વિદ્યા માલવડેની જાણીતી ઓળખ તો ‘ચક દે ઇન્ડિયા’ની વિદ્યા શર્મા તરીકેની છે પણ ત્યાર પછી તે ફિલ્મોમાં બહુ આગળ વધી શકી નથી અને ટી.વી. શ્રેણીમાં વધારે સારી રીતે ગોઠવાઇ ગઇ છે. હમણાં તે ‘ડો. અરોરા’માં વૈશાલી તરીકે આવે છે અને ‘ગુપ્ત વિજ્ઞાન’માં પુનિયા શુકલા તરીકે આવશે. તેમાં તે રાજેશ તૈલંગ સાથે દેખાશે. ફિલ્મો કરતાં ટી.વી. શ્રેણીમાં વધારે મહત્વની ભૂમિકા મળે છે એવું સમજયા પછી તે ફિલ્મોની સમાંતરે ટી.વી. માટે તૈયાર રહેછે. ‘ઇનસાઇડ એજ’ વેબ સિરીઝમાં તિશા ચોપરા તરીકે દમ દેખાડી ચુકેલી વિદ્યા ‘કાલી’માં માનવી ગુપ્તા હતી. ‘ફલેશ’ માં રેબા ગુપ્તા, ‘મિસમેચ્ડ’માં ઝીનત કરીમ, ‘હુઝ યોર ડેડી’માં મોનિકા, ‘બામિની એન્ડ બોયઝ’ માં બામિની બની હતી. આ દરેક શ્રેણીમાં તેની મહત્તા સ્પષ્ટ રીતે વર્તાતી હતી.

મૂળ મહારાષ્ટ્રની જ વિદ્યાએ મોડલીંગથી કારકિર્દીનો આરંભ કરેલો અને વિક્રમ ભટ્ટની ‘ઇન્તેહા’ માં તે અસ્મિત પટેલની હીરોઇન બનેલી. ફિલ્મમાં હીરોઇન બન્યા પછી નાની ભૂમિકા કરવા ન ગમે પણ તે ‘ચક દે ઇન્ડિયા’માં હોકી ટીમની કેપ્ટન બન્યા પછી સમજી ગયેલી કે પાત્રનું મહત્વ છે. હવે એજ સમજણે તે ટી.વી. સિરીઝ – વેબ સિરીઝમાં મોટી ભૂમિકા ભજવી રહી છે. બાકી તેની ફિલ્મોની સંખ્યા પણ ઓછી નથી.‘બેનામ’, ‘કિડનેપ’, ‘તુમ મીલો તો સહી’, ‘નો પ્રોબ્લેમ’, ‘સ્ટ્રાઇકર’, ‘૧૯૨૦: એવિલ રિટર્ન્સ’, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ દોબારા’ અને એમેઝોન પ્રાઇમ વિડીયો તરીકે ‘કોઇ જાને ના’. પણ હવે તેમાં તેની છ વેબસિરીઝ ઉમેરાય ગઇ છે. તેણે ‘ફિયર ફેકટર – ખતરો કે ખિલાડી’ માં સ્પર્ધક તરીકે ય ભાગ લીધેલો અને ‘મિર્ચી ટોપ ૨૦’ ની હોસ્ટ પણ રહી છે. મતલબ કે તે પૂરી રીતે સજજ છે.

અત્યારે ૪૯ નીથઇ ચુકેલી વિદ્યાએ બે વાર લગ્ન કર્યા, પણ જિંદગીને તે ખૂબ પોઝીટિવલી જુએ છે ને કામ કરતા રહેવામાં જ બધી સમસ્યાનો ઉકેલ જુએ છે તે કહે છે કે ટી.વી. અને વેબસિરીઝમાં આજે પણ ઘણું કામ મળી શકે છે. કારણ કે ત્યાં વાર્તાનું અને પાત્રોનું વૈવિધ્ય છે. ફિલ્મોમાં આવી તક વધારે નથી હોતી. જુદા જુદા પાત્રો ભજવવાથી દિશામાં પણ ખૂલે છે. તે શરીરને સાચવવામાં માને છે ને યોગા કરે છે. ફિટનેસ વિના કારકિર્દીમાં લાંબુ ટકવું મુશ્કેલ છે. તમે તેના યોગામુદ્રાના અનેક ફોટોગ્રાફસ ઇન્સ્ટાગ્રામ પર પણ જોઇ શકો. તે ચાહે તો યોગ ગુરુ ય બની શકે છે પણ તે શિલ્પા શેટ્ટી બનવા નથી માંગતી.
અભિનય વડે જ ઓળખાવું તેને વધુ ગમે છે. તે કહે છે કે ‘ચક દે ઇન્ડિયા’ મારા માટે ખૂબ મહત્વની ફિલ્મ છે કારણકે તેણે જે ઓળખ ઊભી કરી તેનાથી જ આજે સતત કામ મળે છે.

Most Popular

To Top