જેકામ કરવું હોય એ થઈ શકે જરૂર હોય છે માત્ર નિષ્ઠા, સમર્પણ અને વિનયની.
ભારત દેશના ગુજરાતમાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સાંગણવા નામનું એક ગામ છે. એમાં એક સરકારી શાળા આવેલી છે. ગામની વસ્તી માત્ર 1500ની જ છે. જેમાંથી લગભગ 50 % જેટલા લોકો રાજકોટ શહેરમાં વસે છે. સામાન્ય રીતે સરકારી શાળાઓની ભૌતિક સ્થિતિ અને શિક્ષણની ગુણવત્તા કેવી હોય છે એ જગજાહેર છે. આ પ્રાથમિક શાળાને જોયા પછી કોઈ પણ માણસ અચંબામાં પડી જાય. થોડી વાર તો મુલાકાતીને એમ જ લાગે કે હું કોઈ સરકારી શાળામાં નહીં પણ ખાનગી શાળામાં અને તે પણ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયો છું.
આ પ્રાથમિક શાળામાં અત્યારે 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 8 રૂમ છે અને તમામ રૂમ સ્માર્ટ ક્લાસ છે. એટલે લાખો રૂપિયાના ખર્ચે દરેક ક્લાસ રૂમને ઓડિયો-વિડિયો માધ્યમથી સજ્જ કરવામાં આવ્યા છે. શાળાનું આખું કેમ્પસ વાઇફાઇથી સજજ છે. બાળકો અભ્યાસ માટે પાટી-પેન અને નોટબુક- પેનની સાથે સાથે ટેબનો પણ ઉપયોગ કરે છે. બધી જ ટેસ્ટ ટેબ પર ચાલે છે. શાળાનાં બધાં બાળકોને ડ્રેસમાં જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ આપવામાં આવે છે. સવારે પ્રાર્થનાસભામાં બાળકો જ સંચાલન કરે છે. પ્રાર્થના ગાય છે, સંગીતના સૂરતાલ સાથે અને બાળકો જ વિદ્યાભ્યાસ સ્વયં કરે છે. વિવિધ માહિતીઓ આપે છે. લોકરૂચિ સમાચાર આપે છે. શાળાના સ્માર્ટ ક્લાસને ઓપરેટ કરવાનું વિદ્યાર્થીઓ જાતે જ કામ કરે છે. શાળાના આખા પરિસરની સફાઈ ઊડીને તમારી આંખે વળગે એવી કરવામાં આવે છે. આ શાળામાં માત્ર ગામના જ નહીં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવે છે.તમને થશે કે સરકારી શાળાને આવી આધુનિક બનાવવા માટે સરકારે બહુ મોટી ગ્રાન્ટ આપી હશે. ના ભાઈ, ના, સરકારની મદદ વગર આ બધું શક્ય બન્યું છે. શાળાના આચાર્ય સુભાષભાઈ રાઠોડનો એકનો એક દીકરો બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો. સુભાષભાઈએ દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે બહુ મોટી રકમ ભેગી કરી રાખી હતી. ભગવાનને કરવું એમનો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો. દીકરાના અભ્યાસ માટે જમા કરેલી રકમ એમ જ પડી રહી. સુભાષભાઈએ નક્કી કર્યું કે મારી શાળાના બધા જ દીકરાદીકરીઓ મારા જ દીકરા અને દીકરીઓ છે. એટલે એમણે ભેગી કરેલી તમામ રકમ તથા દીકરાની વીમા પોલીસીની મળેલી રકમ શાળાને દાનમાં આપી દીધી હતી. અને એમાંથી શાળાને આધુનિક બનાવવાનો પ્રારંભ કર્યો. પછી તો બીજા કેટલાય દાતાઓનો સાથ સહકાર મળ્યો. સરકારે પણ જુદી જુદી યોજનામાંથી ગ્રાન્ટોની ફાળવણી કરી અને પરિણામ સ્વરૂપે આ ગામની આ સરકારી પ્રાથમિક શાળા માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર ભારતની પ્રથમ ડિજિટલ શાળા બની ગઈ.
ખરેખર આ સરકારી શાળા મહિમા યોગ્ય છે. જીવનચારિત્રથી શોભે છે. એનું વર્તમાન સમયે આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું હોય શકે નહીં. આ શાળાએ વિદ્યા વિનયથી શોભે છે એ વાતને સાર્થક કરી છે. આમ વિદ્યાનો મુખ્ય આધાર છે વિનય. વિવેકશૂન્ય, અધકચરું જ્ઞાન કે વિદ્યા માનવીને અભિમાની બનાવે છે અને વધુ ઊંડાણ ભરેલું જ્ઞાન, વિવેકપૂર્ણ જ્ઞાન વિનયમાં પરિવર્તન પામે છે. એટલે જ વધુ ઉચ્ચ ભણેલા વધુ વિનયી હોય છે. આ વાત આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. ઘણાં વર્ષો પહેલાં અલકાપુરી નામે એક નગરી હતી. તેના રાજાને કુમારસેન નામે એક પુત્ર હતો. પાંચ વર્ષની ઉંમરે કુમારસેનને ગુરુદેવ દયાનંદના આશ્રમમાં વિદ્યા ભણવા મોકલ્યો. 15 વર્ષનો થતાંમાં તો તે બધી વિદ્યામાં પારંગત બની ગયો અને યુદ્ધ શાસ્ત્રમાં તો તેણે ખાસ પ્રવીણતા મેળવી. કુમારસેન જેટલો હોંશિયાર હતો એટલો જ ગર્વિષ્ટ હતો. તેણે ગુરુદેવને જણાવ્યું, ‘‘ગુરુદેવ, આપે મને બધી જ વિદ્યા ભણાવી છે. ખાસ કરીને યુદ્ધમાં તો મને કોઈ હરાવી શકે તેમ નથી, પણ મારી એક જ ઈચ્છા છે.’’ ગુરુએ પૂછ્યું, ‘‘બોલ બેટા, તારી શી ઈચ્છા છે?’’ કુમારસેને કહ્યું કે, ‘‘ગુરુજી મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. મારી ઈચ્છા તમારે પૂર્ણ કરવી જ પડશે.’’ ત્યારે ગુરુજીએ કહ્યું કે, ‘‘અરે બેટા, હું તો હવે વૃદ્ધ થયો છું અને અશક્ત પણ છું. હું તારી સાથે કેવી રીતે યુદ્ધ કરું?’’ કુમારસેનને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે માન્યો જ નહીં એટલે 15 દિવસની મુદત પછી યુદ્ધ કરવાનું ગુરુદેવે કબૂલ કર્યું. રાજકુમાર ગુરુદેવના આશીર્વાદ લઈને મહેલે ગયો પણ ગુરુદેવ યુદ્ધની કેવી તૈયારી કરે છે તે જોવા માટે જાસૂસો રાખ્યા. તેમણે આવીને ખબર આપ્યા કે ગુરુદેવે લુહારને 25 ફૂટ લાંબું તલવારનું મ્યાન તૈયાર કરવા આપ્યું છે.
કુમારસેને માન્યું 25 ફૂટ દૂરથી ગુરુદેવ મને વાર કરશે ત્યારે ત્રણ ફૂટની તલવાર શા કામની? તેણે 25 ફૂટ લાંબી તલવાર અને મ્યાન કરાવવા આપ્યા. 15 દિવસની મુદત બાદ ગુરુ-શિષ્યની જોડી સમરાગંણમાં ઊતરી. નક્કી કરેલો સમય થતાં જ ગુરુદેવ 25 ફૂટ લાંબા મ્યાનમાંથી ત્રણ ફૂટ લાંબી તલવાર બહાર કાઢીને વીજળીવેગે કુમારસેન તરફ ધસ્યા. કુમારસેન હજી તો 25 લાંબી તલવાર કાઢતો હતો ત્યાં તો ગુરુદેવે તેમની તલવાર તેની પર ધરી દીધી. કુમારસેનના તો મોતિયા જ મરી ગયા. ગુરુદેવ તમે જીત્યા અને હું હાર્યો. કહેતાં કુમારસેન ગુરુદેવના પગમાં જ પડી ગયો. ગુરુદેવે પિતાના વાત્સલ્યથી કહ્યું, ‘‘બેટા, ધ્યાનમાં રાખજે. આજ સુધી મેં તને જે જે વિદ્યા શીખવી છે, તેનો છેલ્લો પણ- અગત્યનો પાઠ શીખવું છું. વિદ્યાનો કદી ગર્વ ન કરતો. વિદ્યા વિનયથી જ શોભે છે.’’ માનવીને વિનયી બનાવવામાં શિક્ષણક્ષેત્ર કંઈક ફાળો આપી શકે. એટલે કે વિદ્યાર્થી અવસ્થામાં જ ચારિત્ર્ય ઘડતરનું પણ શિક્ષણ આપવું ઘટે. સ્કૂલ-કોલેજમાં આ માટે નૈતિક શિક્ષણ દાખલ કરી શકાય. જો સ્કૂલમાંથી જ બાળકોને ચારિત્ર્યનું શિક્ષણ મળે તો બાળકો મોટા થઈને, સ્નાતક થઈને વિદ્યાપીઠમાંથી બહાર નીકળે ત્યારે તેમનું ઘડતર વિનયશીલ હોય અને તેઓ સમાજને વધુ ઉપયોગી થઈ શકે. આવા પ્રકારનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં આપવામાં આવે તો બાળકો મૂલ્યનિષ્ઠ શિક્ષણથી વધુ મૂલ્યવાન બને અને મૂલ્યોની મહેકથી પોતાના જીવનની સાથે સાથે સમાજને પણ મહેકતું બનાવી શકે. મિત્રો આપણા આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ ‘ટચ ધ લાઈટ’ના અભિયાનને દિલથી શુભકામનાઓ સાથે વધાવી લઈએ.
ઓમ શાંતિ.
વિદ્યા વિનયથી શોભે
By
Posted on