સુરત(Surat) : ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત છોડવામાં આવી રહેલાં પાણી અને સુરત જિલ્લાના પલસાણા તથા માંગરોળમાં પડેલા ધોધમાર વરસાદને (Heavy Rain) લીધે સુરતમાંથી પસાર થતી ખાડીઓ (Bay) ઉભરાઈ હતી, જેના લીધે સુરતના અમુક વિસ્તારોમાં ખાડી પૂર (Flood) આવ્યા હતા. સુરતના પરવટ પાટિયા અને લિંબાયત જેવા વિસ્તારોની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાયા હતા ત્યારે બીજી તરફ સુરત કડોદરા વચ્ચે આવેલા કુંભારિયા અને સણિયા હેમાદ ગામ તો આખા પાણીમાં ગરક થઈ ગયા હતા.
સણિયા હેમાદમાં મંગળવારે સવારથી જ 5 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના લીધે 24 કલાકથી વધુ સમય સુધી ગામવાસીઓ પાણીમાં ડૂબેલા રહ્યાં હતાં. અહીંનું ખોડિયાર માતાનું મંદિર પણ ડૂબી ગયું હતું. બીજી તરફ અહીં રાત્રિના 10 વાગ્યે મુસાફરો ભરેલી એક બસ (Bus) આવી હતી, જે 5 ફૂટ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસ પાણીની વચ્ચે અટકી પડી હતી. બસની અંદર બાળકો સહિત 20 મુસાફરો (Passengers) ફસાઈ ગયા હતા. બસની અંદર પાણી આવી રહ્યાં હતાં. તેથી મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. આ મુસાફરોને બચાવવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) મદદ લેવી પડી હતી.
સ્થાનિક ગામવાસીએ જણાવ્યું કે રાતે 10 વાગ્યાની આસપાસ બસ ફસાયાની જાણ અમને થઈ હતી. તેથી બધા ગામવાસીઓ ભેગા થયા હતા અને પાણીમાંથી ચાલતા જઈ બસ સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ અમે ફાયર વિભાગને જાણ કરી હતી. તેથી ફાયરની ટીમ પણ દોડી આવી હતી. બસમાં પાણી ભરાઈ રહ્યા હતા. બાળકોને ગામવાસીઓ કેડમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા પરંતુ યુવાનો અને વૃદ્ધોને ઊંચકી શકાય તેમ નહોતા. સામાન પણ ખૂબ હતો. તેથી ફાયર બ્રિગેડની બોટની મદદથી તમામને બહાર કાઢવામાં (Rescue) આવ્યા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ લોકોને સહીસલામત બચાવી લેવાયા હતા. બસચાલક અને કંડકટરની ભૂલના લીધે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
દરમિયાન આજે બીજા દિવસે પણ સણિયા હેમાદ ગામમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા. 24 કલાક બાદ પણ ગામમાંથી પૂરના પાણીનો નિકાલ થયો નહીં હોય ગ્રામવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. કેડ સમા પાણીમાંથી પસાર થઈ લોકો પોતાના રોજિંદા કામો કરવા મજબૂર બન્યા છે. સણિયા હેમાદ ગામમાં ભરાયેલા પાણી રસ્તા પર પણ આવી ગયા હોય અહીંથી વાહનની અવરજવર પણ થંભી ગઈ છે.