સુરત: છેલ્લાં કેટલાંક સમયથી યુવાન વયે હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના લીધે લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે, ત્યારે આજે આવો જ એક કેસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. માત્ર 25 વર્ષની ઉંમર ધરાવતા એક યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ યુવકનો જીવ બચાવવા માટે સતત 30 મિનીટ સુધી મહેનત કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી. સિવિલના તબીબો દ્વારા દર્દીને અપાતી સારવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- ઉધના પ્રભુનગરના 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
- ગેરેજમાં કામ કરતા યુવકને સવારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો
- સીપીઆર અને ઈન્જેક્શન આપવા છતાં યુવકનો જીવ બચાવી શકાયો નહીં
વીડિયોમાં જોઈ શકાય છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં છાતીના દુ:ખાવા સાથે લવાયેલા 25 વર્ષના યુવકને તબીબોએ 30 મિનિટમાં 150થી વધુ સીપીઆર અને અનેક ઇમરજન્સી ઇન્જેક્શન આપ્યા હતા. તેમ છતાં દર્દીને બચાવી શકાયો ન હતો. તેથી ડોક્ટરો નિરાશ થઈ ગયા હતા.
સિવિલની નર્સે કહ્યું હતું કે સીપીઆર આપતી વખતે દર્દીના પલ્સ જનરેટ થતા હતા અને ફરી જતા રહેતા હતા. પલ્સ ઉપર નીચે થતા હોવાથી ડોક્ટરોને એક આશા હતી કે દર્દીને મોતના મુખમાંથી બચાવી શકાશે, જેને લઈ રેસિડેન્ટ તબીબ જ નહીં પણ ઇન્ટન અને નર્સિંગ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ એ પણ સતત સીપીઆર આપ્યા હતા.
સંજય ચૌહાણનો ફાઈલ ફોટો.
મૃતકનું નામ સંજય પ્રભુભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, સંજય ઉધના પ્રભુ નગરમાં બે ભાઈ અને બહેન તેમજ માતા-પિતા સાથે રહેતો હતો. ગેરેજનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આજે સવારે ન્હાયા બાદ અચાનક તેની છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. તેથી પરિવારજનો તેને સિવિલ લઈ ગયા હતા. જ્યાં ઘણા પ્રયાસો બાદ પણ સંજયને બચાવી શકાયો ન હતો. આખરે તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો. સંજયના મોત ના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો હતો.
નર્સ સાજેડાએ જણાવ્યુ હતું કે, યુવકને લાવવામાં આવ્યો ત્યારે ગંભીર જ હતો. જોકે સીપીઆર આપવાનું ચાલુ કરતા પલ્સ આવતા હતા. ત્યારબાદ સતત ઇમજનસી ઇન્જેક્શન જેવા કેએટ્રોપિન, એડ્રિનાલિન, ડોપામીન, ડોબ્યુટામીન જેવા ઇન્જેક્શન 10-12 વખત આપવાની સાથે લગભગ 30 મિનિટ સુધી CPR આપવામાં આવ્યા હતા.
મેડિકલ ઓફિસરની સાથે રેસિડેન્ટ ડોક્ટરો જ નહીં પણ ઇન્ટર્ન, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ વિદ્યાર્થીનીઓ એ પણ ઘણી મહેનત કરી હતી. પરંતુ યુવકને બચાવી શક્યો ન હતો. સીપીઆર અને ઇન્જેક્શન આપીએ ત્યારે જ પલ્સ આવતા હતા. ત્યારબાદ કોઈ સહકાર મળતો ન હતો. આખરે ડોક્ટરોએ હાર સ્વીકારી યુવકને મૃત જાહેર કર્યો હતો.