સુરત (Surat): સુરતમાં આજે ગુરૂવારે વહેલી સવારે આઘાતજનક ઘટના બની હતી. અહીંના સરથાણા (Sarthana) વિસ્તારમાં એક બસ સ્ટોપ પર બીઆરટીએસ બસ (BRTS BUS) સળગી (Fire) ઉઠી હતી. એકાએક બસમાંથી આગના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતા. આગ લાગતા જ બસમાં બેઠેલા મુસાફરો બસ સ્ટોપ પર ઉતરી ગયા હતા. આગના લીધે ચારેતરફ દોડધામ મચી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે 2019માં તક્ષક્ષિલા આર્કેડમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેની સામેના બસ સ્ટોપ પર જ આ ઘટના બની હતી, જેના લીધે લોકોના માનસપટ પર તક્ષશિલા અગ્નિકાંડની (TakshShilaFire) ભયાનક યાદો તાજી થઈ ગઈ હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર સવારથી જ ભારે ભીડ હોય છે. શાળા-કોલેજ પર જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોની બસમાં ભારે ભીડ હોય છે. આજે સવારે 8.34 કલાકે કોસાડ આવાસથી સરથાણા નેચર પાર્ક જતી રૂટ નં. 22ની બસ જીજે-5-બીએક્સ-8494માં એકાએક નેચરપાર્કના બસ સ્ટોપ પર આગ લાગી હતી. આગ લાગતા જ રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. બસમાં બેઠેલા 10 મુસાફરો તાત્કાલિક બસની નીચે ઉતરી ગયા હતા, જેના લીધે કોઈ જાનહાનિ થઈ નથી. કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓવરહિંટીગના લીધે બસના આગળના ભાગમાં આગ લાગી હતી. બસનો ડ્રાઈવર અમરસિંહ સોલંકીએ આગ જોતા જ પેસેન્જરોને સતર્ક કર્યા હતા અને બધા નીચે ઉતરી ગયા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસના બોનેટ અને આગળનો ભાગ સળગી ગયો હતો. દરમિયાન આગની ઘટનાને લીધે મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ સળગતી બસનો વીડિયો ઉતાર્યો હતો, જે ગણતરીની મિનીટોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
નોંધનીય છે કે 2019માં સરથાણાના જકાતનાકા પર આવેલા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ થયો હતો, જેમાં 22 વિદ્યાર્થીઓના સળગીને મોત થયા હતા. આ આર્કેડની નજીક જ આજે બીઆરટીએસ બસ સળગતા લોકોના માનસપટ પર તક્ષશિલા અગ્નિકાંડની ભયાનક યાદો તાજી થઈ ગઈ હતી.