ભરૂચ: હાલમાં યુવાનોને હાર્ટ એટેક (Heart Attack) આવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મૂળ ભરૂચના (Bharuch) યુવકનું આફ્રિકામાં (Africa) હાર્ટ એટેકથી મૃત્યુ (Death) થવાના કારણે પરિવારજનો અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આફ્રિકાના વેન્ડા શહેરમાં વધુ એક ગુજરાતીનું હાર્ટ એટેકમાં મોત થયું છે. હાર્ટએટેકનો લાઈવ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના એક યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા તે દુકાનમાં જ ઢળી પડ્યો હતો અને ત્યાં જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે ઇખર ગામે પરિજનોમાં માતમ છવાઈ ગયો હતો.
- જીવલેણ હૃદયરોગના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ!
- 20 વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનને શોપમાં કામ કરતી વખતે આવ્યો એટેક
રોજીરોટી કમાવવા અને સુખ સમૃદ્ધિની ઘેલછામાં ગુજરાતીઓ અન્ય દેશની વાટ પકડતા હોય છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલું ઇખર ગામનો ઇકબાલ હાફેજી મહંમદ મલ્લુ (ઉ.વ.42) નામનો યુવાન છેલ્લા 20 વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં વેલસેટ હતો.
શોપમાં કામકરતી વેળા જ અચાનક હાર્ટએટેકનો તીવ્ર હુમલો આવતા ઈકબાલ ત્યાં જ ઢળી પડ્યો હતો. તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. તેને બચાવવા માટે છાતી સરસી દબાવવાના તમામ પ્રયાસ છતાં હૃદયરોગનો જીવલેણ હુમલાથી આખરે મોતને વ્હાલું કરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય એ છે કે, લગભગ 10 દિવસ પહેલા પણ જંબુસરના ટંકારી બંદરના એક યુવાનને પણ આફ્રિકામાં હાર્ટએટેકથી જાન ગુમાવવી પડી હતી. ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોત થતાં આરોગ્યક્ષેત્રે ચિંતાનો વિષય બની ગયો છે.
થોડાક દિવસો પહેલા સુરતમાં પરિવાર સાથે વાત કરતા સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો
સુરતના લિંબાયતમાં પરિવારજનો સાથે વાતો કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ માલેગાંવ મહારાષ્ટ્રના વતની નિશાર ગફર શેખ (40 વર્ષ) મીઠીખાડી ક્રાંતિનગર લિંબાયત ખાતે પરિવાર સાથે રહેતો હતો. નિશાર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિશાર ગુરુવારે બપોરે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરના સભ્યો સાથે બેઠા હતાં તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થતાં નિશારના મિત્રે ઘર નજીક આવેલા દવાખાને લઈ ગયા હતા.
જ્યાંથી નિશારને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહેતા નિશારના મિત્રે રિક્ષામાં નિશારને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયાં હતાં. જ્યાં હાજર તબીબોએ નિશારને મૃત જાહેર કર્યો હતો. નિશારના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. નિશારને હાર્ટ એટેક આવ્યો હોવાથી મોત નિપજ્યું હતું તેવું નિશારના મામા જાફર સૈયદએ જણાવ્યું હતું.