SURAT

VIDEO: તાપી નદીમાં દૂધ પધરાવી માલધારીઓનો વિરોધ, અડાજણની સુરભી ડેરીમાં તોડફોડ

સુરત(Surat) : રખડતાં ઢોર સહિત વિવિધ મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર માલધારી સમાજ (Maldhari Samaj) દ્વારા આજે 21 સપ્ટેમ્બરના રોજ એકદિવસીય હડતાળનું (Strike) એલાન કરાયું હતું, જેના પગલે રાજ્યભરમાં માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવી રહ્યું છે. ઠેરઠેર દૂધના (Milk) કેન રસ્તા પર ઉંધા વાળવામાં આવી રહ્યાં છે. કેટલાંક ઠેકાણે માલધારીઓ ડેરીઓની દૂધની થેલીઓને રસ્તા પર ફેંકી રહ્યાં છે, ત્યારે આજે સવારે સુરત શહેરમાં માલધારી સમાજના યુવાનો દ્વારા તાપી નદીમાં (Tapi River) દૂધના કેન ઊંધા વાળી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, બીજી તરફ અડાજણ અને પાલનપુર પાટિયાની ડેરીઓમાં કેટલાંક તોફાનીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. અડાજણની સુરભી ડેરીમાં કેટલાંક લોકો દ્વારા તોડફોડ કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

માલધારી સમાજ એટલો ઉગ્ર બન્યો છે કે આ સમાજ દ્વારા સુરતમાં દૂધના પીલાણ માટે એક મશીન ઉભું કરાયું છે. જેમાં દૂધનું પીલાણ કરી તેમાંથી ઘી બનાવી તેના લાડુ ગાય અને કૂતરાને ખવડાવવાનું આયોજન કરાયું છે. સુરતના માલધારી મહાપંચાયતના સહકન્વીનર અશ્વિન રબારીએ કહ્યું કે સરકારે માલધારી સમાજની એક જ માંગણી પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. માલધારીઓની 9 માંગ છે. આ માંગણીઓ મામલે માલધારી સમાજ રાજ્ય ભરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. આગામી સમયમાં ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા જે કાર્યક્રમો નક્કી થાય તે અનુસાર સુરતમાં વિરોધ ચાલુ રહેશે.

ગાય-કૂતરાંને ઘીના લાડું ખવડાવી વિરોધ
તમને જણાવી દઈએ કે  માલધારી સમાજ રખડતાં ઢોર સહિત વિવિધ 9 મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. મંગળવારે રાત્રે સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારના માલધારીઓએ ભેગા થઈને બેઠકો કરી હતી. આ બેઠકોમાંએકસૂર સાથે લડાઈ લડવા માટે માલધારી સમાજને અપીલ કરાઈ હતી. જેના પગલે આજે બુધવારે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું માલધારી સમાજે કડકાઈથી પાલન કર્યું છે. તમામ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ ભેગું કરીને પીલાણ માટે મશીન લગાડી ઘી બનાવ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવવામાં આવશે. જ્યારે અમરોલી વિસ્તારમાં ગરીબોને દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top