સુરત: ગ્રીષ્મા મર્ડર કેસમાં સુરતની કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને તા. 21મી એપ્રિલના રોજ દોષિત જાહેર કર્યા બાદ શુક્રવારે તા. 22મી એપ્રિલના રોજથી સજા અંગે સુનાવણી શરૂ થઈ છે. બચાવ પક્ષે પોતાની દલીલો પૂરી કર્યા બાદ સરકારી વકીલે ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવી માંગણી કરી હતી. એક તબક્કે કોર્ટ રૂમમાં જ સરકારી વકીલ નયન સુખડવાલા રડી પડ્યાં હતાં. આ કેસમાં હવે આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ હાથ ધરાશે.
ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની કોર્ટે તા. 21મી એપ્રિલના રોજ આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો હતો ત્યાર બાદ આજે તા. 22 એપ્રિલે કોર્ટમાં સજા અંગે બંને પક્ષોની દલીલ શરૂ થઈ છે. સવારે નિર્ધારિત સમયે આરોપી ફેનિલ ગોયાણીને પોલીસ સુરત કોર્ટમાં લઈ આવી હતી. ગઈકાલની જેમ આજે પણ આ કેસમાં દલીલો સાંભળવા માટે મોટી સંખ્યામાં મીડિયા, પોલીસ, કાયદાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં. બચાવ પક્ષે આરોપીના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેને ઓછામાં ઓછી સજા કરવાની માંગ કોર્ટ સમક્ષ કરી હતી જ્યારે સામા પક્ષે સરકારી વકીલે દલીલ કરી કે દરેક વાલિયો વાલ્મિકી બની શકતો નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને આયોજનપૂર્વક તેણે મર્ડર કર્યું છે. એક તબક્કે સરકારી વકીલ નયન સુખડવાલા રડી પડ્યાં હતાં.
સરકાર પક્ષની દલીલો
સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ દલીલ કરતા આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, અમારો કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેણે આયોજન પૂર્વક મર્ડર કર્યું છે. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થતા તેણે મોલમાંથી ચપ્પુ ખરીદયું હતું. આરોપીએ મર્ડર પહેલાં રેકી કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. બનાવ પહેલાં ક્રિષ્ણા (ફેનિલની માનેલી બહેન) સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. જેમા તેણે હત્યાનો પ્લાન જણાવ્યો હતો. વધુમાં કોર્ટ રૂમમાં દીકરીની વિદાયના પ્રસંગ અંગે વાત કરતા કરતાં નયન સુખડવાલાની આંખો ભરાઈ આવી હતી. કોર્ટ રૂમમાં ભાવુક થઈ જવા બાબતે વિગતે વાત કરી હતી.