વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની સેનેટની 9 બેઠકો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીની મતગણતરી યુનિ.ની હેડ ઓફીસ ખાતે હાથ ધરવામાં આવી હતી. 9 બેઠકોની મત ગણતરી ફેકલ્ટી મુજબ અલગ અલગ રૂમોમાં સંપન્ન થઈ હતી.બપોરે 12 વાગ્યે શરૂ થયેલી મતગણતરી 4.00 સુધી પૂર્ણ થઈ હતી. જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ ઉમદેવારોના ટેકેદારો ઉત્સાહને આનંદ થી જીતેલા ઉમેદવારોની વધામણી કરીને તેમને અભિનંદન આપી રહ્યા હતા. સાથે યુનિ. હેડ ઓફીસ કેમ્પસમાં વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો તેમજ વિજય સરઘસ કાઢીને જીતની ખુશી વ્યક્ત કરીને વિજ્યોત્સવ ઉજવ્યો હતો. તમામ વિજેતા ઉમેદવારોએ તેમનાં સમર્થકો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ટેક્નોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવત, હોમ સાયન્સ ફેકલ્ટીમાં અભિલાષા અગ્રવાલ, ફાર્મસી ફેકલ્ટીમાં હસમુખ વાઘેલા અને કોમર્સ ફેકલ્ટીમાં અમર ઢોમસેનો વિજય થયો છે. જીત બાદ વિજેતા ઉમેદવાર નરેન્દ્ર રાવતે મેં હું ડોન ગીત પર ડાન્સ કર્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠકો માટેની ચૂંટણીમાં 55.34 ટકા મતદાન થયું હતું. જે ગત ચૂંટણીમાં 58.70 ટકાથી 3.46 ટકા ઓછું થયું છે. ચૂંટણીના મતદાનમાં ભાજપના બુથ મેનેજમેન્ટનો ફિયાસ્કો થયો હતો.
ભાજપે કોમર્સ અને ટેક્નોલોજી ફેકલ્ટીમાં 2 પ્રભારીની નિમણૂંક કરીને મતદારોને ઘરેથી બુથ સુધી લઇ જવા માટે માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું, પરંતુ આ જ બે ફેકલ્ટીમાં ભાજપની બાજી ઉધી પડી હતી. કોમર્સ ફેકલ્ટીમાં ગત ચૂંટણીમાં 60.95 ટકા મતદાનની સામે આ વખતે 14.51 ટકા ઘટીને 46.44 ટકા થયું હતું તેવી જ રીતે ટેકનોલોજી માં 52.15 ટકાથી 4.88 ટકા ઘટીને 47.30 નોંધાયું હતું. સૌથી વધારે પર્ફોમીંગ આર્ટસમાં 73 ટકા થયું હતું.
મતગણતરી સ્થળ પાસે ઉમેદવારોની જીતને લઇને સમર્થકોએ ફટાકડા ફોડતા નાળિયેરીના એક ઝાડમાં આગ ફાટી નીકળી હતી. એક ઝાડમાં આગ લાગતા આગ બીજા ઝાડમાં પણ પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની સેનેટની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપએ ચૂંટણીમાં તેમના ઉમેદવારો જીતે તે માટે એડી ચોટીનું જોતમે લગાવ્યું હતું પરંતુ રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ બેઠકોની ચૂંટણીમાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી પરિવર્તન લાવ્યા હતા અને રાજકીય પંડિતોના ગણિત ખોટા પાડયા હતા.